રૂપાણી સરકારે આંગણવાડીના બાળકોને ફળો ખાવા માટે 1 રૂપિયો આપ્યો, રૂપિયામાં કયું ફળ આવે?

News18 Gujarati
Updated: November 27, 2019, 1:04 PM IST

સોમવાર અને ગુરૂવારે નાસ્તામાં આંગણવાડીનાં બાળકોને ફળ આપવામાં આવે છે. જે માટે તેમણે બાળક દીઠ સપ્તાહનાં બે રૂપિયા ફાળવ્યા છે.

  • Share this:
ગાંધીનગર : રાજ્ય સરકાર એક બાજુ કુપોષણ મુક્ત રાજ્ય બને તે માટે વાતો કરે છે જ્યારે બીજી બાજુ આંગણવાડીનાં બાળકોને ફળ આપવા માટે બાળક દીઠ એક રૂપિયો આપવાનો નિર્ણય કર્યો છે. બાળકોમાં પોષણ સહિત વીટામીન મળી રહે તે માટે સરકારે આંગણવાડીમાં બે દિવસ નાસ્તામાં ફળ આપવાનો નિર્ણય લીધો છે. તેમણે એક પરિપત્રમાં જણાવ્યું છે કે, સોમવાર અને ગુરૂવારે નાસ્તામાં આંગણવાડીનાં બાળકોને ફળ આપવામાં આવે છે. જે માટે તેમણે બાળક દીઠ સપ્તાહનાં બે રૂપિયા ફાળવ્યા છે. ત્યારે આ વાતે વિવાદ સર્જ્યો છે. કારણ કે હાલ કોઇપણ એવું ફળ નથી જે એક રૂપિયામાં આવે. લોકોનું માનવું છે સરકાર બાળકો સાથે મજાક કરી રહી છે કે પછી, સરકારને ફળનાં હાલનાં ભાવથી સાવ અજાણ છે.

જો આપણે અત્યારે બજારમાં ફળોનાં ભાવની વાત કરીએ તો, સફરજન રૂ.100 થી 200, જામફળ રૂ.50થી 60, ચીકુ રૂ.100થી 120, નારંગી રૂ.50થી 70માં આવે છે. ત્યારે જો એક આંગણવાડીમાં જો 30 બાળક હોય તો તેમને 30 રૂપિયા મળે. તો આટલામાં તમામ બાળકને એક ફળ તો કઇ રીતે આપી શકાય એ મહત્વનો સવાલ છે. જેના કારણે આંગણવાડીના સ઼ંચાલકો ભારે મુઝવણમાં મુકાયા છે.

'કુપોષિત બાળકોનાં બજેટ કરતાં તેની જાહેરાતનું બજેટ વધારે'

આ અંગે જ્યારે કોંગ્રેસનાં ડૉ. મનિષ દોશી સાથે વાત કરી તો તેમણે પણ સરકાર પર પ્રહારો કર્યાં હતાં. તેમણે કહ્યું કે, 'ગુજરાતની ભાજપની ભ્રષ્ટ સરકારમાં ઉદ્યોગપતિઓ તગડા થાય છે ત્યારે આપણું ભવિષ્ય એવા ભૂલકાઓ કુપોષિત રહે છે. આપણે રાજકારણ પરથી ઉપર પણ આ વિચારવા જેવું છે કે સરકાર કોઇની પણ હોય, ભાજપ કે કોંગ્રેસ પરંતુ આપણા ભવિષ્યને આપણે મજબૂત બનાવવાનું છે. સરકારે ગંભીરતાથી કંઇક કરવું જોઇએ. આ રૂપાણી સરકારને મારે પ્રશ્ન પૂછવો છે કે, એક રૂપિયામાં કયુ ફળ આવે છે, તે તેઓ જ શોધે અને જાતે જ તમામ બાળકોને આપે. આ ગંભીર વાત છે. આંગળવાડીનાં બાળકોનાં ફળ માટે એક રૂપિયો ફાળવ્યો છે જ્યારે સરકારે આ અંગેની જાહેરાત પાછળ સો રૂપિયા વાપર્યા હશે. કુપોષિતની સમસ્યાને નાથવા માટેની જાહેરાતનું બજેટ 22 કરોડ રૂપિયા અને ગુજરાતનાં બાળકો માટે એક કરોડ રૂપિયા. જો જાહેરાતને બદલે જાહેરહિતનું ધ્યાન રાખે તો વધુ સારૂં.'
First published: November 27, 2019
વધુ વાંચો
अगली ख़बर