માર્ચ 2020માં યોજાનાર ધોરણ-10 અને 12ની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગે શરૂ કરી તૈયારી

News18 Gujarati
Updated: October 9, 2019, 10:25 AM IST
માર્ચ 2020માં યોજાનાર ધોરણ-10 અને 12ની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગે શરૂ કરી તૈયારી
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ.

વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે જરુરી એવા પરીક્ષા કેન્દ્રો માટે સર્વે શરુ કરાયો. જિલ્લા શિક્ષણાધિકારીએ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ પાસે ફોર્મ પત્રક દ્વારા માહિતી મંગાવી.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : આગામી માર્ચ 2020માં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા અત્યારથી જ પરીક્ષા કેન્દ્રોને લઈને સર્વેની કામગીરી શરુ કરી દીધી છે. અમદાવાદમાં 1200થી વધુ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓને ફોર્મ પત્રક ભરી મોકલવા જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાંથી પ્રતિવર્ષ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપતા હોય છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેને લઈને આગોતરું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેના ભાગરુપે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ માર્ચ 2020માં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને લઈ પરીક્ષા કેન્દ્રો માટે સર્વેની કામગીરી શરુ કરી છે.

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓને એક ફોર્મ પત્રક મોકલવામાં આવ્યું છે. આ ફોર્મ પત્રક દ્વારા શાળાનું નામ, સરનામું, લેન્ડલાઈન ફોન નંબર, આચાર્યનું નામ અને મોબાઈલ નંબર, શાળા ગુજરાતી માધ્યમની કે અંગ્રેજી માધ્યમની તેમજ શાળામાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે કેટલા ઓરડા છે અને ઓરડાઓમાં સીસીટીવીની સુવિધા છે કે કેમ, શાળામાં કમ્પાઉન્ડ વોલની સુવિધા છે કે નહિ, લાઈટ અને પંખાની પુરતી સગવડ છે કે નહિ આ ઉપરાંત પરીક્ષા આપવા આવનારા વિદ્યાર્થીઓ માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, સેનીટેશનની વ્યવસ્થા છે કે નહિ તેની માહિતી ફોર્મ પત્રકમાં મંગાવવામાં આવી છે.

પ્રતિ વર્ષે શાળામાં કેવા પ્રકારની બેઠક વ્યવસ્થા હોય છે, વર્ષ 2019માં પરિક્ષા માટે શાળાએ કેટલા બ્લોક ફાળવ્યા હતા, શાળાના કેન્દ્રમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે કેમ, સહિતની વિગતો પણ મંગાવવામાં આવી છે. આ તમામ માહિતી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે પહોંચાડવી ફરજિયાત હોવાનો જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે.

મહત્વનું છે કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તેની ખાસ તકેદારી શિક્ષણ વિભાગ રાખી રહ્યું છે. એટલુ જ નહિ બોર્ડની પરીક્ષા અગાઉથી જ વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન કે કાઉન્સીલિંગની વ્યવસ્થા કરવા માગતી શાળાઓની પણ માહિતી માંગી તેની યાદી તૈયાર કરવાનું શરુ કરી દેવાયું છે.
First published: October 9, 2019
વધુ વાંચો
अगली ख़बर