બોર્ડની પરીક્ષા : શિક્ષણ બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા એપ્લિકેશનનો ઉપયોગ કરશે, જાણો કેવી રીતે કરશે કામ?

બોર્ડની પરીક્ષા : શિક્ષણ બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા એપ્લિકેશનનો ઉપયોગ કરશે, જાણો કેવી રીતે કરશે કામ?
ફાઇલ તસવીર

ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા એક ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો.

  • Share this:
અમદાવાદ : આગામી 5 માર્ચથી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ રહી છે. જેમાં રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક વિશેષ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

આ એપ્લિકેશન કેવી રીતે કામ કરશે અને તેનાથી કેવી રીતે ગેરરીતિ અટકાવી શકાશે તે જાણવું જરૂરી છે. બોર્ડની પરીક્ષાઓને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા એક ખાસ પ્રકારનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં આ વખતે શિક્ષણ બોર્ડ મોબાઈલ એપ્લિકેશન ટેક્નોલોજીનો પણ સહારો લઈ રહ્યું છે.શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે વિશેષ 'પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' તૈયાર કરવામાં આવી છે. આ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી શિક્ષણ વિભાગ પરીક્ષાના સીલ બંધ કવર તેમજ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા પર સીધી નજર રાખવાનો પ્રયાસ કરશે.

'પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' તમામ પરીક્ષા કેન્દ્રના સ્થળ નિરીક્ષકોએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાનો રહેશે. આ એપના માધ્યમથી પરીક્ષા કેન્દ્ર પર રવાના થતા તમામ પેપર બોક્સ ટ્રેક કરવામાં આવશે. પેપર બોક્સ લઈને નીકળેલું વાહન કઈ જગ્યાએ અટક્યું કેટલા વાગે કેન્દ્ર પર પહોંચ્યુ તે તમામ વિગતો આ એપ્લિકેશન દ્વારા ટ્રેક કરાશે. પરીક્ષા કેન્દ્ર પર સીલ બંધ બોક્સ પહોંચ્યા બાદ તેને ખોલતા પહેલા તેના અલગ અલગ 8 ફોટો પાડીને આ એપમાં અપલોડ પણ કરવાના રહેશે.

સાથે જ પરીક્ષામાં હાજર તમામ વિદ્યાર્થીઓની હાજરી અને ગેરહાજરીની સંખ્યા પણ એપ્લિકેશનમાં સ્થળ સંચાલકોએ અપલોડ કરવાની રહેશે. આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ ફરી બોક્સમાં પેક થતી ઉત્તરવહીઓના પણ બે ફોટોગ્રાફ 'પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન'માં અપલોડ કરવા ફરજીયાત કરાયું છે.

આ અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, બોર્ડના વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે અને મુશ્કેલીઓ ઉભી ન થાય તે માટેની એપ્લિકેશન છે. આ એપ્લિકેશનથી બોર્ડને ઝડપથી પરીક્ષાને લગતી માહિતી મળી રહેશે. કોઈ પણ સેન્ટરની માહિતી જેમ કે પેપર ક્યારે ખુલ્યા સહિતની તમામ વિગતો મોબાઈલ મારફતે બોર્ડના અધિકારીઓ જોઈ શકશે.

મહત્વનું છે કે અત્યાર સુધી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં સીસીટીવી અને વિડિયોગ્રાફી તેમજ પરીક્ષા સ્ક્વોડનો ઉપયોગ કરાતો હતો. આ વખતે આ તમામની સાથે મોબાઈલ એપ્લિકેશન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી પારદર્શક રીતે અને સુચારુ રીતે પરીક્ષા લેવાય તેવો હેતુ શિક્ષણ વિભાગનો છે.
Published by:Vinod Zankhaliya
First published:February 27, 2020, 15:58 pm

ટૉપ ન્યૂઝ