રાજ્યસભાની ચૂંટણી : ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જશે

News18 Gujarati
Updated: July 3, 2019, 5:00 PM IST
રાજ્યસભાની ચૂંટણી : ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જશે
અમિત ચાવડા (ફાઇલ તસવીર)

આ પહેલાની રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને બેંગલુરુના રિસોર્ટમાં લઈને ગઈ હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો પર પાંચમી જુલાઈના રોજ મતદાન પૂર્વે મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્યોમાં કોઈ ફૂટ ન પડે અને તમામ અકબંધ રહે તે માટે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને માઉન્ટ આબુમાં લઈ જશે તેવી માહિતી સામે આવી છે. આ પહેલાની રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને બેંગલુરુના રિસોર્ટમાં લઈને ગઈ હતી.

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી બચવા માટે કોંગ્રેસ આવું પગલું ભરી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો વોલ્વો બસમાં સવાર થઈને માઉન્ટ આબુ જશે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન છે. અશોક ગેહલોત હાલ મુખ્યમંત્રી પદે છે, જેઓ એક સમયે ગુજરાતના પ્રભારી પણ રહી ચુક્યા છે.

આ મામલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું હતું કે, "પક્ષની વ્યૂહરચનાના ભાગરૂપે ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવામાં આવી રહ્યા છે."

આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપે જણાવ્યું હતું કે, 2017ના વર્ષમાં પૂર વખતે પણ કોંગ્રેસના ધારાસભ્યો બેંગલુરુ ફરવા માટે ઉપડી ગયા હતા. હવે તેઓ માઉન્ટ આબુ જઈ રહ્યા છે. આના પરથી કહી શકાય કે કોંગ્રેસ રજાના મૂડમાં છે."

મળતી માહિતી પ્રમાણે બુધવારે  સાંજે જ ચાર વાગ્યે કોંગ્રેસના ધારાસભ્યો માઉન્ટ આબુ જવા માટે રવાના થશે. આ મામલે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને પૂછવામાં આવ્યું તેણે જણાવ્યું કે, "હું માઉન્ટ આબુ નથી જઈ રહ્યો. બધા લોકો શા માટે જતા હોય છે તે વાત લોકો જાણે છે. ધારાસભ્યોને અહીં પણ પોલને લગતું પ્રશિક્ષણ આપી શકાતું હતું.  ધારાસભ્યો સાથે સંપર્ક ન હોવાને કારણે કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર છે. મને આ મામલે કોઈ જ આમંત્રણ નથી આપવામાં આવ્યું."

કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, "કોંગ્રેસને તેના ધારાસભ્યો પર પૂરતો વિશ્વાસ છે. હવે કોઈ ધારાસભ્ય તૂટવાના નથી. આબુમાં ધારાસભ્ય માટે શિબિર રાખવામાં આવી છે, જેના માટે તેમને આબુમાં લઈ જવામાં આવી રહ્યા છે. એક-બે ધારાસભ્યને બાદ કરતા તમામ ધારાસભ્યો કોંગ્રેસની સાથે છે. આ લોકો ક્રોસ વોટિંગ કરી શકે છે."
First published: July 3, 2019, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading