દુનિયાની સૌથી ઉંચા સ્ટેચ્યૂના અનાવરણની તમામ તૈયારી થઇ ચૂકી છે, દિલ્હીથી વડાપ્રધાન પણ ગુજરાત આવી ગયા છે, સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જો કે આ કાર્યક્રમને લઇને પણ એક વિવાદ સપાટી પર આવ્યો છે, કાર્યક્રમમાં કોંગી ધારાસભ્યોને આમંત્રણ નહીં આપવામાં આવ્યાનો આરોપ લાગી રહ્યો છે.
રાજ્ય સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે ભેદભાવનું વર્તન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોનું કહેવું છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં અમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ અંગે કેટલાક ધારાસભ્યોનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. જેમાંથી 3 જેટલા ધારાસભ્યોએ જણાવ્યું કે અમને આમંત્રણ છે, જો કે મોટાભાગના ધારાસભ્યોએ આમંત્રણ ન મળ્યાની વાત કરી હતી.
આ અંગે કલોલના કોંગ્રેસના ધારાસભ્યનું કહેવું છે કે મને આમંત્રણ મળ્યું નથી, આ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો કાર્યક્રમ પક્ષપાત રાખ્યા વગત ભાજપ-કોંગ્રેસે સાથે મળી કરવો જોઇએ. અમે 182 ધારાસભ્યોને સપ્રેમ આમંત્રણ આપીને સાથે રાખવા જોઇએ, અમે પણ સરકારનો ભાગ છીએ, સરદાર સાહેબ કોંગ્રેસના પ્રમુખ હતા, સરદાર સાહેબ રાષ્ટ્રિય નેતા હતા. ભાજપે અમારા ઘણા ધારાસભ્યોને આમંત્રણ આપ્યું નથી, જે સરદાર સાહેબનું અપમાન છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લઇને નર્મદાના આદિવાસીઓ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે, તો બીજી બાજુ વિરોધના ડરથી સમગ્ર જિલ્લામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.