Bharatsinh Solaki issues notice to wife: નોટિસમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જો રેશ્મા પટેલ તેમના નામનો દુરુપયોગ કરીને કોઈ નાણાકીય લેવડ-દેવડ કરશે અથવા કરાવશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ: ગુજરાતના કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી (Gujarat congress leader Bharatsinh Solanki)એ પોતાના પત્નીને વકીલ મારફતે નોટિસ પાઠવી છે. નોટિસમાં ભરતસિંહે તેમના પત્ની છેલ્લા ચાર વર્ષથી અલગ રહેતા હોવાનો તેમજ મનસ્વી રીતે વર્તન કરતા હોવાનો દાવો કર્યો છે. આ સાથે જ તેમણે પત્ની રેશ્મા પટેલ (Reshma Patel) સાથે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ ન કરવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે નોટિસ મારફતે એવું પણ કહ્યું છે કે, જે કોઈ વ્યક્તિ રેશ્મા પટેલ સાથે લેવડ-દેવડ કરશે તો તેની જવાબદારી તેમની રહેશે નહીં. આ સાથે જ નોટિસમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જો રેશ્મા પટેલ તેમના નામનો દુરુપયોગ કરીને કોઈ નાણાકીય લેવડ-દેવડ કરશે અથવા કરાવશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભરતસિંહ સોલંકીએ જેમને નોટિસ પાઠવી તે રેશ્મા પટેલ તેમના બીજા પત્ની છે. ભરતસિંહ સોલંકીએ તેના પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ રેશ્મા પટેલ સાથે બીજા લગ્ન કર્યાં હતાં. નોટિસ મામલે ભરતસિંહના વકીલ કે.પી.તપોધને જણાવ્યું હતું કે, "અમારી ક્લાયની સૂચના પ્રમાણે આ નોટિસ આપી છે. બંને વચ્ચે ચાર વર્ષથી વિવાદ ચાલે છે. પારિવારિક કેસ હોવાથી આ મામલે હું વિશેષ કંઈ નહીં કહી શકું તેમ નથી. નોટિસમાં જણાવ્યું છે કે મારા અસીલ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એટલે તેમના નામથી તેઓ કોઈ લેવડ દેવડ ન કરે. આગામી સમયમાં મારા ક્લાયન્ટની સૂચના પ્રમાણે કામ કરીશું."
જાહેર નોટિસ આથી અમો નીચે સહી કરનાર કિરણકુમાર પી. તપોધન (એડવોકેટ), રહે. મુ.બોરસદ, તા.બોરસદ, જી.આણંદના તે અમારા અસીલ શ્રી ભરતસિંહ માધવસિંહ સોલંકી, રહે. ઠે. બેવર્લી હિલ્સ, આણંદબોરસદ રોડ, મુ.વહેરા, તા.બોરસદ, જી.આણંદ નાઓની સુચનાથી આ જાહેર નોટીસ આપીએ છીએ કે, બાજુના ફોટા વાળા અમારા અસીલની પત્ની નામે રેશ્માબેન તે પ્રકાશચંન્દ્ર મણીભાઈ પટેલની દીકરી, રહે. ૧૦, ઇશ્વરકૃપા સોસાયટી, મુ.બોરસદ, તા.બોરસદ, જી.આણંદ તથા રહે. બ્લોક નં. ૧૪૨-૧૪૩ અર્પિતા પાર્ક, ગોત્રી, વડોદરાનાઓ છેલ્લા ચારેક વર્ષ ઉપરાંતથી અમારા અસીલની સાથે રહેતા નથી.
તેઓ અલગ રહી મનસ્વી રીતે વર્તતા આવેલા છે અને અમારા અસીલ રાજકીય તેમજ સામાજીક પ્રતિષ્ઠા ધરાવે છે અને તેઓના નામ તથા ઓળખાણનો દુરઉપયોગ કરી અમારા અસીલની પત્ની સાથે કોઈપણ ઈસમે નાણાકીય તેમજ કોઈપણ પ્રકારનો લેવડ-દેવડનો વ્યવહાર કરવો નહિ અને જો કરશે તો અમારા અસીલની કોઈ જવાબદારી રહેશે નહિ તેમજ તેણીનીએ પણ અમારા અસીલના નામ તથા ઓળખાણનો દુરુઉપયોગ કરી કોઈપણ ઈસમ સાથે નાણાકીય તેમજ કોઈપણ પ્રકારની લેવડ-દેવડ કરવી-કરાવવી નહિ અને જો તેવું કર્યાની અમારા અસીલની જાણમાં આવશે તો તેણીની સામે અમારા અસીલ કાયદેસરની કાર્યવાહી કરશે. જેની જાહેર જનતાએ તેમજ તેણીનીએ નોંધ લેવી.
ભરતસિંહના પત્નીએ તેમના નામ કોઈ લેવડ-દેવડ કરી છે કે કેમ? શું આગામી સમયમાં ભરતસિંહ તરફથી ડિવોર્સ માટે કેસ ફાઇલ કરવામાં આવશે કે કેમ? વગેરે પ્રશ્નો અંગે વકીલે જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો. ભરતસિંહ સોલંકી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા હોવાને પગલે હાલ આ નોટિસને લઈને ખૂબ જ ચર્ચા જાગી છે.