દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે અને સરકાર રચાય છે. પરંતુ આ પાંચ વર્ષ દરમિયાન પાર્ટીમાંથી પક્ષ પલટો કરતાં નેતાઓની બોલબાલા રહે છે. ખાસ કરીને કોંગ્રેસના સૌથી વધુ નેતાઓ પક્ષ પલટા માટે ચર્ચામાં રહે છે. વર્ષ 2014ની લોકસભાથી લઇને હવે 2019ની ચૂંટણી આવી. આ પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસના કદાવર નેતાઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા, જો કે ભાજપે પોતાના નેતાઓને અન્યાય ન થાય અને પક્ષ પલટો કરીને આવેલા નેતાઓને પણ યોગ્ય રીતે ગોઠવી દીધા, જો કે આ નેતાઓને કદ પ્રમાણે જ જગ્યા સોંપી છે.
વાત કરીએ પક્ષ પલટો કરનારા કોંગી નેતાઓની તો પીઢ નેતા કુંવરજી બાવળિયાએ નારાજગી વ્યક્ત કરી અને ભગવો ધારણ કર્યો, કુંવરજીભાઇ વરિષ્ઠ નેતા છે અને જસદણ તથા સૌરાષ્ટ્રમાં આગવું સ્થાન ધરાવે છે. આથી ભાજપને પણ ખ્યાલ જ હતો કે કુંવરજીભાઇને તો વ્યવસ્થિત સ્થાન આપવું પડશે અને આપ્યું પણ, કુંવરજીભાઇને એક ખાતુ આપી રાજી કરી દીધો. જો કે કુંવરજી સિવાય અન્ય કોંગ્રેસના નેતાઓમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા અને બળવંતસિંહ રાજપૂતને પણ સાચવી લીધા. જો કે આ સિવાય આશા પટેલ, રાઘવજી પટેલ સહિતના અનેક નેતાઓ ભાજપ મોવડી મંડળ સમક્ષ મીટ માંડીને બેઠા છે કે અમને પણ પક્ષ પલટો કરવાનું કોઇ ઇનામ આપવામાં આવશે.
વર્ષ 2014થી અત્યારસુધીમાં કોંગ્રેસ છોડીને આવનારા નેતાઓમાં જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા, ડૉ. આશા પટેલ, ડૉ. તેજશ્રી પટેલ, રાઘવજીભાઈ પટેલ, બળવંતસિંહ રાજપૂત, કરમશીભાઈ પટેલ, સી.કે. રાઉલજી, અમિત ચૌધરી, રામસિંહ પરમાર, છબીલ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, માનસિંઘ ચૌહાણનો સમાવેશ થાય છે. આ બધામાં કુંવરજીને બાદ કરતાં તમામ કોંગ્રેસી નેતાઓ ફાયદાની રાહ જોઇ રહ્યાં છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર