અમદાવાદ : સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી ત્રણ મહિના પાછળ ઠેલવવાના નિર્ણય સામે હાઇકોર્ટમાં રિટ

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી ત્રણ મહિના પાછળ ઠેલવવાના નિર્ણય સામે હાઇકોર્ટમાં રિટ
પ્રતિકાત્મક તસવીર

કોવિડ-19નું કારણ દર્શાવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાછળ ઠેલવામાં આવી છે પણ બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજવામાં આવી

  • Share this:
અમદાવાદ : ગુજરાતની છ મહાનગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી ત્રણ મહિના પાછળ ઠેલવાના રાજ્યના ચૂંટણી પંચના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે કોવિડ-19નું કારણ દર્શાવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાછળ ઠેલવામાં આવી છે અને બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ રહી છે. આ વિરોધાભાસના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાછળ ઠેલવાનો નિર્ણય ગેરબંધારણીય અને ગેરકાયદે જણાઇ રહ્યો છે. તેથી આ ચૂંટણીઓની તૈયારી તાત્કાલિક ધોરણે શરૂ કરવાનો કોર્ટે આદેશ આપવા જોઇએ. કેસની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે 12-10-2012ના રોજ રાજ્યના ચૂંટણી પંચે પરિપત્ર જારી કર્યો હતો કે ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્રણ મહિના માટે પાછળ ઠેલવામાં આવે છે. ગુજરાતની છ મહાનગરપાલિકોઓની ટર્મ 10 ડિસેમ્બર 2020ના રોજ પૂર્ણ થાય છે અને અન્ય નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ટર્મ પણ આ સમયગાળામાં જ પૂર્ણ થાય છે. જેમાં 55 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે.આ પણ વાંચો - અમદાવાદ : GTUની નવા શૈક્ષણિક સત્રની ઓફલાઇન પરીક્ષાની તારીખો જાહેર

ગુજરાતની ખાલી પડેલી આઠ વિધાનસભા બેઠકો પર અત્યારે પેટાચૂંટણીનું આયોજન પંચ દ્વારા થઇ રહ્યું છે પરંતુ કોવિડની મહામારીનું કારણ આપી સ્થાનિક ચૂંટણીઓ ત્રણ મહિના પાછળ ઠેલવામાં આવી છે. અરજદારની રજૂઆત પ્રમાણે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદા મુજબ તેમજ બંધારણના અનુચ્છેક 243(યુ) પ્રમાણે દર વર્ષે કોઇ નિષ્ફળતા કે વિલંબ વગર રાજ્યના ચૂંટણી પંચે નગરપાલિકાના નવા ચૂંટાયેલા માળખાની રચના કરવાની હોય છે. જૂની ચૂંટાયેલી પાંખને વધુ સમય સત્તામાં રાખવા ચૂંટણી પાછળ ઠેલવાની ગેરરીતિ ન થઇ શકે તે માટે આ જોગવાઇ બંધારણમાં કરવામાં આવી છે.

અરજદારની રજૂઆત છે કે ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે ગત દિવસોમાં ચૂંટણી જાહેર કરી હતી. બિહારની વસ્તી અને કોરોનાના કેસો બંને ગુજરાત કરતા વધારે છે છતાં ત્યાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ છે. તેથી ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓની તૈયારી તાત્કાલિક ધોરણે શરૂ કરવા હાઇકોર્ટે યોગ્ય આદેશો આપે તે જરૂરી છે. રિટની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાય તેવી શક્યતા છે.
Published by:Ashish Goyal
First published:November 04, 2020, 23:24 pm