ગુજરાતમાં પેટા-ચૂંટણીના જંગ પહેલા જ કૉંગ્રેસમાં ભંગાણ, નેતા કૈલાસદાન ગઢવીનું રાજીનામું

News18 Gujarati
Updated: October 13, 2020, 10:29 AM IST
ગુજરાતમાં પેટા-ચૂંટણીના જંગ પહેલા જ કૉંગ્રેસમાં ભંગાણ, નેતા કૈલાસદાન ગઢવીનું રાજીનામું
ફાઇલ તસવીર.

કચ્છની અબડાસા બેઠક પર પાર્ટી વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિને ટિકિટ આપ્યાનો આક્ષેપ લગાવી કૈલાસ ગઢવીએ રાજીનામું ધરી દીધું.

  • Share this:
અમદાવાદ: ગુજરાતમાં પેટા ચૂંટણી (Gujarat Bypoll)ની જાહેરાત થઈ ચૂકી છે. તમામ પાર્ટીઓએ કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ (BJP) તરફથી સાત અને કૉંગ્રેસ (Congress) તરફથી પાંચ બેઠક માટે ઉમેદવારના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન કૉંગ્રેસને પેટા ચૂંટણી પહેલા જ ફટકો પડ્યો છે. કૉંગ્રેસ નેતા કૈલાસદાન ગઢવી (Kailashdan Gadhvi)એ પાર્ટીમાં વફાદાર અને જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાનો આક્ષેપ લગાવીને રાજીનામું ધરી દીધું છે. અબડાસા ખાતે શાંતિલાલ સાંઘાણીને ટિકિટ આપતા તેમણે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોતાનું રાજીનામું ધરીને આ અંગેનો પત્ર પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અને ગુજરાત કૉંગ્રેસ પ્રભારીને મોકલી આપ્યો છે.

નારાજગી વ્યક્ત કરીને આપ્યું રાજીનામું:

સોમવારે કૉંગ્રેસ પાર્ટીએ પાંચ બેઠક માટે ઉમદેવારના નામની જાહેરાત કરી છે. જેમાં કચ્છની અબડાસા બેઠક પરથી કૉંગ્રેસ શાંતિલાલ સાંઘાણીને ટિકિટ આપી છે. જે બાદમાં નારાજ થઈને કૉંગ્રેસ નેતા કૈલાસદાન ગઢવીએ પ્રોફેસનલ પ્રમુખ પદ પરથી રાજીનામું ધરી દીધું છે. રાજીનામું ધરી દીધા બાદ તેઓએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "મને લાગે છે કે સારા ઉમેદવારોની રાજકારણમાં જરૂર નથી. પાર્ટીએ અબડાસા બેઠક માટે ટિકિટ આપી દીધી છે. હવે આ મામલે કોઈ ચર્ચાને સ્થાન નથી. 2017માં મારું નામ છેક સુધી નક્કી હતું. જે બાદમાં પાર્ટીએ મને ટિકિટ આપી ન હતી. મારે હવે આરામ કરવો છે." આ મામલે વાતચીત કરતા શાંતિલાલ સાંઘાણીએ જણાવ્યું હતું કે, "મેં ક્યારેય પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી નથી. હું 1986ના વર્ષથી કૉંગ્રેસ પાર્ટી સાથે અડીખમ છું."

આ મામલે ભાજપના ઉમેદવાર અને કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "સતત ઉપેક્ષા બાદ ગઢવી જેવા નેતા નારાજ થાય તે સ્વાભાવિક છે." સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસમાં લોકોનાં કામ ન થતાં હોવાથી તેઓ ભાજપમાં જોડાયા છે. તેમને પદની લાલચ ન હતી, પરંતુ તેમના માટે લોકોના કામ મહત્ત્વના છે.

કૈલાસદાનદાન ગઢવીનો પત્ર

"નમસ્કાર પ્રમુખ શ્રી, આજે હું ઑલ ઇન્ડિયા પ્રોફેસનલ કૉંગ્રેસ (પ્રમુખ, ગુજરાત રાજ્ય) તથા પાર્ટીની અન્ય જવાબદારીમાંથી રાજીનાનું આપું છું. પાર્ટીમાં ઇમાનદાર અને વફાદાર લોકોની અવગણના કરવામાં આવે છે તે ખરેખર દુઃખદ છે. પાર્ટીના ઉમેદવારની વિરોધમાં છેલ્લી બે ચૂંટણીથી કામ કરનાર વ્યક્તિને પાર્ટી ટિકિટ આપે છે અને તન મન ધન અને ઇમાનદારીથી પાર્ટીની સેવા કરતા લોકોની અવગણના કરવામાં આવે છે, આ ખરેખર દુઃખદ છે. હું પાર્ટીની તમામ જવાબદારીમાંથી રાજીનામું આપું છું. જય હિન્દ."

કૉંગ્રેસ પાર્ટીએ જાહેર કરેલા નામ:

અબડાસા: શાંતિલાલ સાંઘાણી
મોરબી: જયંતિભાઈ પટેલ,
ધારી: સુરેશ કોટડિયા
ગઢડા: મોહનભાઈ સોલંકી
કરજણ: કિરીટસિંહ જાડેજા
ડાંગ: (જાહેરાત બાકી)
લીંબડી: (જાહેરાત બાકી)
કરરાડા: (જાહેરાત બાકી)

ભાજપે જાહેર કરેલા નામ:

મોરબી: બ્રિજેશ મેરજા
અબડાસા: પ્રદ્યુમનસિંહ જાડેજા
કપરાડા: જીતુ ચૌધરી
કરજણ: અક્ષય પટેલ
ધારી: જે.વી. કાકડિયા
ગઢડા: આત્મારામ પરમાર
ડાંગ: વિજય પટેલ
લીંબડી : (જાહેરાત બાકી)
Published by: Vinod Zankhaliya
First published: October 13, 2020, 10:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading