ગુજરાત બજેટ : સૌની યોજના અંતર્ગત આગામી વર્ષે સૌરાષ્ટ્રના 35 ડેમો ભરાશે

News18 Gujarati
Updated: July 2, 2019, 6:21 PM IST
ગુજરાત બજેટ : સૌની યોજના અંતર્ગત આગામી વર્ષે સૌરાષ્ટ્રના 35 ડેમો ભરાશે
ફાઇલ તસવીર

રાજ્યના બંધોની જાળવણી, હયાત નહેર માળખાની સુધારણા અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન માટે રૂ. ૭૧૫૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :  નીતિન પટેલે રજુ કરેલા બજેટમાં સૌની યોજનાને લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે ખાસ જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત પ્રમાણે આગામી વર્ષે સૌરાષ્ટ્રના 35 જેટલા ડેમોને આગામી વર્ષે નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આ ઉપરાંત નહેરોના બાંધકામના હેતુસર સૌરાષ્ટ્ર માટે રૂ. પ૬૧ કરોડ, ઉત્તર ગુજરાત માટે રૂ. ૩૮૯ કરોડ, કચ્છ માટે રૂ. ૮૦૯ કરોડ તથા મધ્ય ગુજરાત માટે રૂ. ૯૮૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સૌની યોજનાને લઈને શું જાહેરાત કરવામાં આવી?

ગત વર્ષે સૌની યોજના દ્વારા નર્મદા યોજનાની નહેરમાંથી પાણી ઉપાડીને રાજકોટ શહેર માટે આજી-૧ અને ન્યારી-૧, જામનગર શહેર માટે આજી-૩ અને રણજીતસાગર, ગોંડલ શહેર માટે વેરી-૧, મોરબી શહેર માટે મચ્છુ-૨, વાંકાનેર શહેર માટે મચ્છુ-૧, જેતપુર, ગોંડલ તથા અન્ય વિસ્તારો માટે ભાદર-૧ જળાશય, રાણપુર શહેર માટે સુખભાદર જળાશય તેમજ કચ્છ માટે ટપ્પર ડેમ નર્મદા નીરથી ભરવામાં આવ્યા હતા.

# સૌરાષ્ટ્ર

  • સૌની યોજનાના બીજા તબક્કા હેઠળ જામનગર, ગોંડલ અને ભાવનગર માટે અગત્યના ત્રણ ડેમ સુધીની પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આગામી વર્ષમાં નર્મદાના પાણીની ઉપલબ્ધિ અનુસાર ૩૫ જળાશયો અને ૧૦૦ કરતા વધુ ચેકડેમો ભરવાનું આયોજન છે.
  • સૌની યોજનાનાં ત્રીજા તબક્કાના રૂ. ૨૨પ૮ કરોડનાં ચાર પેકેજોના કામો શરૂ થયેલ છે. આ ઉપરાંત ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્ત્વના સ્ત્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સમાવવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવેલ છે.

  • સૌની યોજના માટે રૂ. ૧૮૮૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.


# ઉત્તર ગુજરાત

બનાસકાંઠા જિલ્લા માટે અગત્યની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ. આ યોજનાથી બનાસકાંઠા જિલ્લાના ૬૦૦૦ હેક્ટરમાં પિયત થશે. હાલમાં પ્રગતિ હેઠળની પીયજથી ધરોઇ, ધાધુંસણથી રેડલક્ષ્મીપુરા અને ખેરવા-વિસનગર યોજનાના કામો માટે રૂ. ૧૮૫ કરોડની જોગવાઇ.

# આદિજાતિ વિસ્તાર

  • ઊકાઇ જળાશયના ઉપરવાસમાં વસતા આદિજાતિ લોકોની સમસ્યાને ધ્યાને લઇ ઉકાઇ જળાશય આધારિત ઉચ્છલ, નીઝર અને સોનગઢ તાલુકાના ૨૭૬૦૦ હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ આપવા રૂ. ૯૬૨ કરોડના ખર્ચે ૩ મોટી ઉદવહન સિંચાઇ યોજના હાથ ધરવામાં આવેલ છે. જે માટે ચાલુ વર્ષે રૂ. ૭૫ કરોડની જોગવાઇ.

  • સોનગઢ, ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાઓમાં તાપી-કરજણ લીંક પાઇપલાઇન ઉદવહન સિંચાઇ યોજના રૂ. ૭૨૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે. જેનાથી ૭૩ ગામોના ૨૧ હજારથી વધારે હેક્ટરને સિંચાઇનો લાભ થશે. તેમજ હયાત ૧૦૦ ચેકડેમો ભરવામાં આવશે.

  • નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં રૂ. ૩૭૨ કરોડના ખર્ચે અંબીકા નદી પર વાઘરેચ રિચાર્જ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જેનાથી ૧૧ ગામોના ૮૦૦ હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ તેમજ બીલીમોરા નગરપાલિકાને પીવાનુ પાણી ઉપલબ્ધ થશે.

  • સુરત જિલ્લાના કાકરાપાર-ગોરધા-વડ ઉદવહન સિંચાઇ યોજનાથી માંડવી તથા માંગરોળ તાલુકાનાં ૪૭ ગામોના ૨૩ હજાર ખેડૂતોને ૧૫૨૮૦ હેક્ટરમાં સિંચાઇનો લાભ મળશે. જેના માટે રૂ. ૨૪૫ કરોડની જોગવાઇ.

  • કરજણ જળાશય આધારિત પાઈપ લાઇન યોજના પ્રગતિ હેઠળ છે, જેના માટે રૂ. ૨૨૦ કરોડની જોગવાઇ

  • કડાણા જળાશય આધારિત કડાણા-દાહોદ પાઇપલાઇન યોજનાથી ૧૦ હજાર હેક્ટરને સિંચાઇનો લાભ મળશે. જેના માટે રૂ. ૩૮૦ કરોડની જોગવાઇ.

  • પૂર્વપટ્ટી વિસ્તારની પાનમ ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજના અને પાનમ જળાશય આધારિત બે નવી યોજના માટે ૨૪૦ કરોડની જોગવાઇ. સૂક્ષ્મ સિંચાઇ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ માટે ૭૫૦ કરોડની જોગવાઇ.


# કલ્પસર

દરિયાઈ ભરતી દરમિયાન નર્મદા નદીના પટમાં ખારું પાણી પ્રવેશતા અટકાવવા માટે ભાડભૂત યોજના અંતર્ગત નર્મદા નદી ઉપર બેરેજ બનાવવાથી ૬૦ કરોડ ઘન મીટર પાણીનો સંગ્રહ થશે. જે પીવા માટે તેમજ ઉદ્યોગો માટે ઉપલબ્ધ થશે. છ માર્ગી બ્રીજ બનવાથી હજીરા-સુરત-ઓલપાડ-દહેજ વિસ્તારમાં પરિવહનના નવા આયામો ઊભા થશે. આ યોજના માટે રૂ. ૧૩૦ કરોડની જોગવાઈ.

# નર્મદા

સરદાર સરોવર યોજના દેશની અગત્યની આંતર-રાજય બહુહેતુક યોજનાની સાથે સાથે ગુજરાતની જીવાદોરી છે. આ યોજના માટે રૂ. ૬૫૯૫ કરોડની જોગવાઇ. જે પૈકી મુખ્ય બંધના આનુસાંગિક કામો, પુન:વસન તથા પર્યાવરણના કામો માટે રૂ. ૭૫ કરોડ, ગરુડેશ્વર વિયર અને ગોરાબ્રિજના બાંધકામ તથા પાવર હાઉસોની જાળવણી માટે રૂ. ૨૪૭ કરોડ, નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રક્વર તથા કેનાલ ઓટોમેશન માટે રૂ. ૩૭૧ કરોડ, નહેરોના બાંધકામ માટે કુલ રૂ. ૨૭૪૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેના થકી વધારાના એક લાખ તેર હજાર હેક્ટરમાં માઇનોર સુધીની સિંચાઇ ક્ષમતા ઉત્પન્ન થશે તેમજ ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના ભૂગર્ભ પાઈપલાઈનથી સબમાઇનોર સુધી ૧ લાખ ૮૮ હજાર હેક્ટર પિયત થશે.

નહેરોના બાંધકામના હેતુસર સૌરાષ્ટ્ર માટે રૂ. પ૬૧ કરોડ, ઉત્તર ગુજરાત માટે રૂ. ૩૮૯ કરોડ, કચ્છ માટે રૂ. ૮૦૯ કરોડ તથા મધ્ય ગુજરાત માટે રૂ. ૯૮૫ કરોડની ફાળવણી. જેમાં રૂ. ૪૦૦ કરોડના ખર્ચે જર્જરિત થયેલ ઓપન ચેનલ સબ-માઇનોરના સ્થાને ભૂગર્ભ પાઇપલાઇન નાખવામાં આવશે.

જમીન સંપાદન માટે રૂ. ૩૦૦ કરોડ, કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ માટે રૂ. ૪૦૭ કરોડ વિવિધ શાખા નહેરો પર નાના વીજ મથકો સ્થાપવા માટે રૂ. ૧પ૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
First published: July 2, 2019, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading