ગાંધીનગર : રાજ્યમાં યોજાનારી વિધાનસભાની (Gujarat Assembly by poll) પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાના તમામ બેઠકના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તેની તૈયારીઓ પૂરજોશમાં આગળ વધી રહી છે. ભારતીય જનત પાર્ટી દ્વારા તમામ બેઠકો પર પ્રચારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જોકે, આ પ્રચાર પ્રસાર કરવા માટે ભાજપે જાહેર કરેલી યાદીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખનું નામ બાકાત રખાતા ભારે કુતૂહલ જોવા મળ્યું છે.
ગાંધીનગરના રાજકીય ગલીયારાઓમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખનું કદ વેતરાયું હોવાની ચર્ચાઓએ જોર જગાવ્યું છે. રાજ્યના 30 નેતાઓના લિસ્ટની યાદીમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને નાયબમુખ્યમંત્રી સહિતના નેતાઓનાં નામ છે પરંતુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નામ પાર્ટીએ બાકાત રાખ્યું છે.
ભાજપે જાહેર કરેલા નેતાઓની યાદીમાં કોણ કોણ છે?
ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબમુખ્ય મંત્રી નીતિન પટટેલ, પરષોત્તમ રૂપાલા, આર.સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઈ દલસાણિયા, ભરતસિંહ પરમાર, મનસુખ માંડવિયા, ભારતીબેન શિયાળ, આઈ.કે. જાડેજા, ગોરધનભાઈ ઝડફિયા, શંભુનાથજી ટુંડિયા, ઋત્વિજ પટેલ, જ્યોતિબેન પંડ્યા, સૌરભ પટેલ, ગણપત વસાવા, કુંવરજી ભાઈ બાવળિયા, જવાહર ચાવડા, રમણ પાટકર, વિભાવરી બેન દવે, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકૂભા), મોહન કુંડારિયા, વિનોદ ચાવડા, કે.સી. પટેલ, રમણલાલ વોરા, દિલિપ સંઘાણી, હિરા સોલંકી, અલ્પેશ ઠાકોરનો ભારતીય જનતા પાર્ટીએ સમાવેશ કર્યો છે.
આ પણ વાંચો : કપરાડા બેઠક પર છે બંન્ને પેરાશૂટ ઉમેદવાર, જાણો ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીનાં જાહેર ઉમેદવારોની યાદી
સૌરાષ્ટ્રની બેઠકો પર ચૂંટણી છતાં પૂર્વ પ્રમુખ બાકાત રખાયા
ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી યાદીમાંથી પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નામ બાકાત રાખવામાં આવતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. સૌરાષ્ટ્રની બેઠકો પર પણ જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે તાજેતરમાં જ પ્રમુખ તરીકેનો કાર્યકાળ સમાપ્ત કરનારા અને સૌરાષ્ટ્રના નેતા જીતુ વાઘાણીની સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી ગેરહાજરીથી ગાંધીનગર અને ભાજપના નેતાઓમાં ભારે ચર્ચા જાગી છે.
આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાના નવા 1191 કેસ, 1279 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ વધીને 88.36 ટકા
8 બેઠકો પણ કોણ છે ભાજપના ઉમેદવારો
આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 5 પક્ષ પલટુંઓને ટિકિટ આપી છે જ્યારે 3 બેઠક પર મૂળ ભાજપા કાર્યકર અને નેતાઓને ટિકિટ આપી છે. ભાજપે આ પેટાચૂંટણીમાં અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, ગઢડા બેઠક પર આત્મારામ પરમાર, ધારી બેઠક પર જે.વી. કાકડિયા, લીંબડી બેઠક પર કિરિટસિંહ રાણા, કરજણ બેઠક પર અક્ષય પટેલ, કપરાડા બેઠક પર જીતુ ચૌધરી અને ડાંગ બેઠક પર વિજય પટેલને ટિકિટ આપી છે.