અમદાવાદ : રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત આજે ટળી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે દિલ્હી ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી કે આગામી 29મી સપ્ટેમ્બરે યોજાનારી બેઠકમાં રાજ્યોની પેટાચૂંટણી અંગે જાહેરાત કરવામાં આવશે. . રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનો પંજો છોડાવીને કેસરિયો ખેસ ધારણ કરનારા 7 ધારાસભ્યો અને એક નિષ્પક્ષ રહેલા ધારાસભ્યના કારણે ભારતીય જનતા પાર્ટી આ તમામ 8 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માટે સજ્જ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે જાહેરાત પહેલાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ આ અંગે જાહેરાત કરી હતી. દરમિયાન કૉંગ્રેસ પણ આ તમામ બેઠક પર લડી લેવાના મૂડમાં છે. તો આ ઘટનાક્રમની વચ્ચે હવે ક્યા ઉમેદવારોનું પત્તું કપાશે અને કોને મળશે ટિકિટ એ ચર્ચાએ જોર પકડ્યું છે.
આ આઠ બેઠકો ખાલી પડી હતી.
દરમિયાન રાજ્યમાં વિધાનસભાની જે 8 બેઠકો ખાલી પડી છે તેમાં સૌરાષ્ટ્રની ધારી, મોરબી, ગઢડા અને લીંબડી બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કપરાડા અને ડાંગ જ્યારે મધ્ય ગુજરાતમાં કરજણ બેઠક જ્યારે કચ્છની અબડાસા બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવાર વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતર્યા હતા અને જીત્યા હતા. જોકે, તેમમે કોઈ પમ કારણસોર કૉંગ્રેસનો પંજો છોડી દીધો હતો.
અમે ચૂંટણી માટે તૈયાર છીએ : નીતિન પટેલ
દરમિયાન ચૂંટણી અંગે માહિતી આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે જીતુ વાઘાણી ભાજપના પ્રદેશ પ્રમુખ હતા ત્યારથી જ આ બેઠકો માટે તૈયારી ચાલી રહી હતી.સી.આર. પાટીલ અધ્યક્ષ બન્યા પછી પણ તૈયારીઓ થઈ છે. અમારી બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી માટે તૈયાર છે.
ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે ભારતીયન જનતા પાર્ટી માટે આ તમામ બેઠકો પર ચૂંટણીમાં વિજય નિશ્ચિત છે. હવે રાજ્યમાં જ્ઞાતિવાદનું ઝેર નહીં ચાલે. એ સમય હતો જે પસાર થઈ ગયો છે. હવે વિકાસના મુદ્દા પર જ જીત થશે.
કઈ બેઠક પર કોણે છે ધારાસભ્ય
અબડાસા: આ બેઠક પર કૉંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ વિજેતા થયા હતા. તેમણે વિકાસ ન થતો હોવાનું કારણ ધરી અને પોતાની મૂળ પાર્ટી ભાજપમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ બેઠક પર તેઓ ઉમેદવાર માનવામાં આવે છે.
કપરાડા : કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી આ બેઠક પર ધારાસભ્ય હતા.જોકે, તેમને દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતા માનવામાં આવે છે અને તેઓ કૉંગ્રેસમાંથી લોકસભા પણ લડ્યા હતા. પરંતુ તેમણે પણ આ બેઠક પરથી રાજીનામું આપી ભાજપ પ્રવેશ કર્યો છે.
કરજણ : કરજણ બેઠક પર કૉંગ્રેસ ઉમેદવાર અક્ષય પટેલ વિજેતા થયા હતા. તેમણે પણ કૉંગ્રેસનો સાથ છોડીને કેસરિયો ખેંસ ધારણ કરી લીધો હતો. અક્ષય આ બેઠક પર ભાજપના ઉમેદવાર માનવામાં આવે છે.
ગઢડા : ગઢડા બેઠક પરથી ભાજપના મંત્રી આત્મારામ પરમારને હરાવીને પ્રવિણ મારૂ વિજેતા થયા હતા. મારૂએ પણ રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસને અલવિદા કહેતા આ બેઠક ખાલી પડી હતી.
મોરબી : મોરબી બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં મૂળ ભાજપના જ નેતા એવા બ્રિજેશ મેરજા જીત્યા હતા. મેરજાએ કૉંગ્રેસ છોડી ભાજપનો ખેંસ ધારણ કર્યો છે. જોકે, આ બેઠક પર ભાજપના જ ઉમેદવાર કાંતિ અમૃતિયાએ વિરોધનો સૂર નોંધાવ્યો હતો.
ધારી : આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જે.વી.કાકડિયાનો વિજય થયો હતો.તેમણે રાજ્યસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસ છોડી અને ભાજપનો ખેંસ ધારણ કરી લેતા અહીંયા પેટા ચૂંટણી યોજાશે.
લીંબડી : લીંબડી બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડાની જીત થઈ હતી. જોકે, તેઓ મૂળ જનસંઘી અને ભાજપી છે અને તેમણે કૉંગ્રેસનો સાથ છોડી દીધો છે. જોકે, તેઓ વિધાનસભાની પેટાચૂંટણી ભાજપમાંથી લડશે કે નહીં તે નિશ્ચિત નથી.
ડાંગ : ડાંગના ધારાસભ્ય ડૉ.મંગળ ગાવિતે કૉંગ્રેસમાંથી રાજીનામુ આપી સીટ છોડી હતી. જોકે, મંગળ ગાવિત ભાજપમાં જોડાયા નથી. આ બેઠક પર ભાજપ ઉમેદવાર ન ગોઠવે અને ગાવિતને ટેકો આપે તેવી વકી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર