હડતાળનાં બીજા દિવસે અમદાવાદ S.T.નાં કર્મચારીઓએ અર્ધ નગ્ન થઇને કર્યો વિરોધ

News18 Gujarati
Updated: February 22, 2019, 11:52 AM IST
હડતાળનાં બીજા દિવસે અમદાવાદ S.T.નાં કર્મચારીઓએ અર્ધ નગ્ન થઇને કર્યો વિરોધ
શર્ટ ઉતારીને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા

કર્મચારીઓએ આજે શર્ટ ઉતારીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે.

  • Share this:
વિભૂ પટેલ, અમદાવાદ: એસ.ટી.નિગમના 45 હજાર કર્મચારીઓનું એક દિવસીય માસ સીએલનું એલાન હવે અચોક્કસ મુદતની હડતાળમાં પરિવર્તિત થઇ ગયું છે. જેના કારણે ગઇકાલે રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ થઇ જતા એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સરકારના અક્કડ વલણ સામે એસ.ટી. કર્મચારીઓની મક્કમતા વચ્ચે નિર્દોષ મુસાફરોએ પીસાવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થી, નોકરીયાત, વેપારી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ હાલાકી આજે પણ આમની આમ જ રહેશે કારણ કે આજે બીજા દિવસે પણ એસટીનાં કર્મચારીઓનો વિરોધ યથાવત છે.

આજે અમદાવાદમાં એસટી કર્મચારીઓનો વિરોધ બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. કર્મચારીઓએ આજે શર્ટ ઉતારીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. તેમણે રૂપાણી સરકાર સામે પોતાની માંગણી નહીં સંતોષાઇ ત્યાં સુધી અમે મક્કમ છીએ તેમ જણાવ્યું છે.

મહત્વનું છે કે સાતમાં પગાર પંચ સહિતની વિવિધ પડતર માંગણીઓને લઇને એસ.ટી.નિગમના કર્મચારીઓ તારીખ 20 ફેબુ્રઆરીને બુધવારની મધરાતે 12.00 કલાકથી એક દિવસીય માસ સીએલ પર ઉતર્યા હતા. બુધવારે રાત્રે રાજ્યભરના તમામ ડેપોમાં બસો પાર્ક કરી દેવાઇ હતી. જેને લઇને અડધી રાત્રે હજારો મુસાફરો વિવિધ બસ સ્ટેન્ડો અને ડેપોમાં અટવાઇ પડયા હતા.

બુધવારે રાત્રે 12.00 વાગ્યાથી ગુરૂવારની રાત્રીના 12.00 વાગ્યા સુધી માસ સીએલને લઇને બસો બંધ રહેવાની હતી. તેવામાં ગુરૂવારે મુખ્યમંત્રીએ સાતમાં પગાર પંચનો લાભ આપવાની ના પાડી દેતા કર્મચારીઓ રોષે ભરાયા હતા. જેના પગલે તેઓએ અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરી દેતા પરિસ્થિતિ વધુ વણસી હતી. રાજ્યમાં પરિવહનની જીવાદોરી સમાન એસ.ટી.બસોનું સંચાલન સદંતર ખોરવાઇ જતા મુસાફરો ઠેરઠેર અટવાઇ પડયા હતા.

આ અંગે એસ.ટી.સંકલન સમિતિના સભ્ય જ્યોતિન્દ્રભાઇ વ્યાસના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીએ અમારી માંગણીઓ પુરી કરવાનું આશ્વાસન આપવાને બદલે અમને સાતમા પગાર પંચનો લાભ જ આપવાની ના પાડી દેતા કર્મચારીઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર જો બીજા નિગમો અને એકમોના કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપતી હોય તો એસ.ટી.કર્મચારીઓને કેમ નહીં. તે પ્રશ્ને કર્મચારીઓએ અંતિમ શ્વાસ સુધી લડી લેવાનો નિર્ણય લીધો છે.
First published: February 22, 2019, 9:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading