અમદાવાદ: આગામી દિવસોમાં ઇદને લઈને શહેર પોલીસ એક્શનમાં છે અને કોઈ બનાવ ન બને તેની તકેદારી રાખી રહી છે. તેવામાં નારોલમાં એક યુવકને લોકોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ યુવક ઇદ માટે પાડો લાવ્યો હતો અને તે બહાર નીકળી જતા તેને શોધવા નીકળ્યો ત્યારે એક ચોક્કસ સમાજના લોકોએ કસાઈઓ પાડા કાપવા આવ્યા છે તેમ કહીને માર માર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના દાણીલીમડામાં રહેતો રમેશ શેખ નામનો યુવક ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને સાથે સીએનો કોર્સ કરે છે. આગામી બકરી ઈદના તહેવારને લઈને તેમના પિતા એક નાનો પાડો લાવ્યા હતા. જોકે આ પાડો સવારે છૂટો થઇ જતા ત્યાંથી નીકળી ગયો હતો જેથી તેઓ જીન્દાલ કંપની તરફના રોડ ઉપર પાડો શોધવા નીકળ્યા હતા.
આ દરમિયાન, રાણીપુર પાટીયા પાસેથી ટુ વ્હીલર પર એક ચોક્કસ સમાજના લોકો ત્યાં આવ્યા હતા અને કસાઈઓ પાડો કાપવા લઈ જાય છે તેમ કહી આવેશમાં આવીને લાકડી અને દંડા વડે માર માર્યો હતો. બાદમાં તેને તાત્કાલિક એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.