અમદાવાદ: શહેરના પોષ વિસ્તાર એવા શિવરંજની વિસ્તારમાં આવેલા તનિષ્ક જવેલર્સમાં ત્રણ શાતીર મહિલાઓ શોરૂમના લોકોને મામુ બનાવી ફરાર થઇ ગઇ હોવાની ઘટના સામે આવી છે. ત્રણેય મહિલાઓ ગ્રાહક બનીને આવી અને સેલ્સમેનની નજર ચૂકવી ત્રણેક લાખની બંગડીઓ ચોરી ફરાર થઇ ગઇ હતી. શોરૂમમાં અનેક સીસીટીવી હોવા છતાંય આવી ઘટના બનતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઇસનપુર ગોવિંદવાડીમાં રહેતા બીજલ શાહ શિવરંજની પાસે આવેલા ઇસ્કોન સેન્ટરમાં આવેલા તનિષ્ક જવેલર્સમાં દસેક વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2021માં ડિસેમ્બર માસમાં તેઓ સ્ટોકની ગણતરી કરતા હતા. ત્યારે અમુક સોનાની બંગડીઓ જણાઈ નહોતી. ત્રણેક લાખની મતાની બંગડીઓ ન જણાતા ઉપર સુધી આ અંગે જાણ કરાઈ હતી.
ઓડિટ ચાલતું હોવાથી ત્રણેક માસ બાદ હવે તેઓએ સેટેલાઈટ પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં સામે આવ્યું કે, ડિસેમ્બર માસમાં એક મહિલા જેકેટ પહેરીને આવી હતી અને તેની સાથે અન્ય બે મહિલાઓ પણ હતી. જેઓ બેંગલ વિભાગમાં જઈ સેલ્સમેન પાસે બંગડીઓ જોવા લાગી હતી. પંદરેક મિનિટ સુધી બંગડીઓ જોઈ વાતોમાં સેલ્સમેનને રાખી નજર ચૂકવી જેકેટ પહેરેલ મહિલાએ સોનાની બંગડીઓ જેકેટમાં નાખી ત્રણેય મહિલાઓ ફરાર થઇ ગઇ હતી. હવે ત્રણેક માસ બાદ ફરિયાદ કરાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અનેક મહિના બાદ સ્ટાફ તરફથી મોડી ફરિયાદ નોંધાવતા હવે પોલીસને આ મામલે સફળતા મળે છે કે કેમ એ જોવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પૂર્વ વિસ્તારમાં આવા જવેલર્સ ચોરીના બનાવ સામે આવ્યા હતાં. જેમાં મહિલાઓ નજર ચૂકવીને ચોરી કરતી હતી ત્યારે આ કિસ્સામાં એજ મહિલા ગેંગ છે કે કેમ તે પણ તપાસ શરૂ કરાઇ છે.