અમદાવાદ : શહેરના આશ્રમ રોડ પર આવેલી કૉલેજમાં અભ્યાસ કરતી યુવતીએ સાત ફેબ્રુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ પર તેના મિત્રો સાથે ઉજવેલા રોઝ ડેના એક વીડિયોના લીધે તેના માતાપિતાએ કૉલેજ જવાનું બંધ કરાવી અને મોબાઈલ લઈ લીધો હતો. યુવતીએ આ મામલે અભયમ હેલ્પલાઇન 181ની મદદ માંગી હતી. વીડિયોમાં જે યુવકે ગુલાબ આપ્યું હતું તેને બોલાવી પૂછતાં આ માત્ર મજાક હતી એવું તેના માતાપિતાને કહેતા યુવતીને ફોન પરત આપી કૉલેજ જવા પરમિશન આપી હતી.
ફેબ્રુઆરીમાં બીજા અઠવાડિયામાં અલગ અલગ ડે ની યુવક-યુવતીઓ ઉજવણી કરતા હૉય છે. ખાસ કરીને કોલેજીયન યુવક યુવતીઓના ગ્રૂપ ભેગા મળી આ દિવસો ઉજવે છે. આશ્રમ રોડ પર આવેલી કૉલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી 7 ફેબ્રુઆરીએ તેની મિત્રો સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા ગઈ હતી. રોઝ ડે હોવાથી ગ્રુપમાં બધાએ ગુલાબ આપ્યા હતાં તેમાં એક યુવકે યુવતીને ગુલાબ આપ્યું હતું. દરમિયાન તેમની જ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ યુવક-યુવતીને ગુલાબ આપતો વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો યુવતીના માતાપિતા સુધી પહોંચ્યો હતો.
ગુસ્સે થયેલા માતાપિતાએ યુવતીનો મોબાઈલ ફોન લઈ અને કૉલેજ જવાનું બંધ કરાવી દીધું હતું. યુવતીએ તેની મિત્રની મદદ લઇ અભયમ હેલ્પલાઇન181ની મદદ લીધી હતી. હેલ્પલાઇનના કાઉન્સેલરોએ યુવકને બોલાવ્યો હતો, જેની પૂછપરછ કરતા યુવકે આ માત્ર મજાક હોવાનું જણાવ્યું હતું. યુવતીના માતાપિતાને પણ સમજાવતા છેવટે તેઓએ યુવતીને કૉલેજ જવા પરમિશન આપી હતી.
Published by:Vinod Zankhaliya
First published:February 10, 2020, 14:47 pm