વાઘ નહીં પણ સિંહ જ હોઈ શકે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી : પરિમલ નથવાણી

News18 Gujarati
Updated: April 21, 2018, 8:58 PM IST
વાઘ નહીં પણ સિંહ જ હોઈ શકે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી : પરિમલ નથવાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે અને આ પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કરાયું છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે અને આ પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કરાયું છે

  • Share this:
રાજીવ પાઠક

સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં કોર્પોરેટ અફેર્સનાં ગ્રુપ પ્રેસીડેન્ટ પરિમલ નથવાણીએ હમણાં જ તેમનું પુસ્તક 'ગીર લાયન - પ્રાઇડ ઓફ ગુજરાત' બહાર પાડ્યું છે. પરિમલ નથવાણીની  આ કોફી ટેબલ પુસ્તક વાંચવાથી જ સમજાઈ જાય કે વન્ય જીવન વિશે તેમને કેટલો પ્રેમ છે અને કેટલી બારીકાઈથી તેમણે વન્ય જીવન અને ખાસ કરીને ગીરનાં સિંહોને જોયા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે અને આ પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કરાયું છે. આ પુસ્તક કોઈપણ સિંહ પ્રેમી માટે બાઈબલ સમાન બની રહેશે. સિંહ અને તેનાં જીવન, ઇતિહાસ સહિતની તમામ માહિતી વિશેષ છણાવટથી લખવામાં આવી છે અને કોઇપણ સામાન્ય વ્યક્તિને સમજાઈ જાય તે રીતે સમગ્ર રજુઆત કરાઈ છે.

આ પુસ્તકનું મહત્વ ઇતિહાસમાં એટલે માટે પણ લેખાશે કે આ પુસ્તકથી દેશમાં ફરી એ ચર્ચા છેડાશે કે શું સિંહ ને ફરીથી ભારતનાં રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવો જોઇએ.

1952માં ભારતનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ સિંહ ને જ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું હતું. પરંતુ 1972માં વાઇલ્ડલાઇફ બોર્ડ ઓફ ઇન્ડિયાની પ્રથમ બેઠકમાં વાઘની પસંદગી કરવામાં આવી હતી. કારણ આપવામાં આવ્યું હતું કે વાઘ દેશનાં 16 રાજ્યોમાં ફેલાયેલા છે અને તે એક નાશપ્રાય થઈ રહેલું પ્રાણી છે એટલે તેનાં તરફ લોકોની લાગણી વધે અને તેના સંરક્ષણ માટે વધુ ધ્યાન અપાય માટે વાઘને રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવે.આમ જોઇએ તો  વાઘ તો ઘણાં દેશોમાં છે પણ એશિયાઈ સિંહો તો એકમાત્ર ભારતમાં અને તે પણ આપણાં ગુજરાતનાં ગીર અભયારણ્યમાં જ છે. તો જે ભારત એકલા પાસે છે તેને જ દેશનાં રાષ્ટ્રીય પ્રાણી હોવું જોઇએ. આમ પણ આપણું રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભ પણ સિંહનાં મોઢાવાળો જ છે. તો પછી સિંહ રાષ્ટ્રીય પ્રાણી કેમ નહીં. એ પણ એક સત્ય છે કે આજે 523 સિંહો જ બચ્યા છે જ્યારે વાઘની સંખ્યા 2200 જેટલી થઈ ગઈ છે.

આ પુસ્તક સિંહોનાં ઉદ્ભવથી માંડી તેઓ મૂળ યુરોપની ગુફાઓથી કેવી રીતે ગીરમાં પહોંચ્યા તેની સમજપૂર્વકની માહિતી આપે છે. સાથે સાથે એ તમામ માહિતી જે તમને સિંહનાં મિત્ર બનવામાં અને સિંહોનાં સંવર્ધનમાં રાજ્ય સાથે સહયોગી થવાની પ્રેરણા પૂરી પાડે છે.આ પુસ્તક વાંચીને ઘણાં આશ્ચર્યજનક તથ્યો પણ સામે આવે છે. જેમકે કેવી રીતે સલ્તનતકાળમાં સિંહો સામે શાસકોએ જંગ છેડેલો. કયો એ તુંડમિજાજી શાસક હતો જેણે તેનાં સમગ્ર રાજ્યમાંથી સિંહો અને વાઘોને ખતમ કરવાનું આપ્યું હતું એલાન.  પણ જાણવા મળશે કે હાલ ભલે ગીર અભયારણ્ય પૂરતાં સિંહો રહ્યા હોય પણ હજુ થોડાક વર્ષો પહેલાં જ ગુજરાતનાં કયા કયા વિસ્તારો સુધી સિંહોની ત્રાડ સંભળાતી હતી. ક્યારે અને કેવી રીતે પ્રથમ સિંહ વસ્તી ગણતરી થઈ હતી.

સિંહો પણ કેવી રીતે માણસની જેમ જ એક સામાજીક પ્રાણી છે અને પોતાનાં પરિવાર પ્રત્યે કેટલી લાગણી ધરાવતા હોય છે એ પણ નોંધ ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે. સિંહબાળનાં ઊછેરમાં જે રીતે સિંહણોનો ફાળો છે તે જોતાં તેમનાં માટે પણ આ એટલું જ સત્ય છે કે 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ'.

જે અન્ય મહત્વનાં મુદ્દા પર આ પુસ્તક આપણને વિચાર કરવા બાધ્ય કરે છે તે છે સિંહોનું સ્થળ પરિવર્તન. ગત ઘણાં વર્ષોથી મધ્ય પ્રદેશ ગીરનાં સિંહોને પોતાને ત્યાં લઈ જવા માંગે છે. સતત તે અંગે એવા તર્ક આપવામાં આવી રહ્યા છે કે સિંહોને બે જગ્યાએ રાખવાથી તેમનાં સંવર્ધનમાં અને તેમનાં રક્ષણમાં મદદ મળશે. પણ આ પુસ્તક વાંચતા સમજાઈ જાય કે સિંહને બીજા રાજ્યોમાં ખસેડવા કેટલા જોખમી થઈ શકે છે. અગાઊ પણ આ અંગે ક્યારે અને કેવા પ્રયત્નો થયા છે, સ્થળાંતર પણ થયા છે પણ તે ક્યારેય સફળ થઈ શક્યા નથી.આ બાબતોની ચર્ચામાં આ પુસ્તકને એક ગાઈ઼ડ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય તેટલું સમૃધ્ધ પુસ્તક છે.

(લેખક ન્યૂઝ18 ગુજરાતી ચેનલના તંત્રી છે)
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर