ગાંધીનગરમાં સીરિયલ કિલરનો આતંક, એક જ મોડસ ઓપરેન્ડીથી ત્રણ હત્યા

News18 Gujarati
Updated: January 29, 2019, 3:07 PM IST
ગાંધીનગરમાં સીરિયલ કિલરનો આતંક, એક જ મોડસ ઓપરેન્ડીથી ત્રણ હત્યા
ડીવાયએસપી વી.એન.સોલંકી

  • Share this:
ઋત્વીજ સોની - અમદાવાદ

ગાંધીનગર એક શાંત શહેર કહેવાય છે અને અહીંની કાયદો અને વ્યવસ્થા ખુબ જ સારી કહેવાય છે, કારણ કે અહીયા મંત્રીઓ તથા મોટા મોટા અધિકારીઓ રહે છે, પરંતુ ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની કે ગાંધીનગર પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ છે. જી હા ગાંધીનગરમાં છેલ્લાં ચાર મહિના દરમિયાન એક જ મોડ્સ ઓપરેન્ડીથી ત્રણ લોકોની હત્યા થઇ અને તમામને માથાના ભાગે પાછળ ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, અને આ હત્યા એક જ સિરિયલ કિલરે કરી હોવાની શક્યતાને આધારે તપાસ કરવા સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ બે ઘટનામાં ગાંધીનગર પોલીસને સામાન્ય હત્યાનો ગુનો લાગ્યો પણ 26મી જાન્યુઆરીના રોજ શેરથા- ટીંટોડા ગામ રોડ પર જુઠાજી મગનજી ઠાકોરની હત્યા પણ માથાના પાછળના ભાગે ગોળી મારીને કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તમામ ઘટનાને જોડતી કડી મેળવવા આદેશ આપ્યા.

વાઇબ્રન્ટ ગુજરાતના તાઇફામાં વ્યસ્ત બનેલી પોલીસને હવે રહી રહીને પ્રજાની ચિંતા થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગરમાં એક જ મોડસ ઓપરન્ડસીથી થયેલ હત્યાના ત્રીજા બનાવે પોલીસને દોડતી કરી દીધી છે. પોલીસે હવે આ સમગ્ર મામલામાં એક એસઆઇટીની રચના કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પરંતુ આરોપીઓ સુધી પહોચવામાં પોલીસને સફળતા મળે છે કે કેમ તે જોવું રહ્યું.

ગાંધીનગરમાં ત્રણ મહીનામાં થયેલ ત્રણ હત્યાના બનાવએ પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે. 14મી ઓક્ટોમ્બરથી શરૂ થયેલ આ હત્યાના સીલસીલામાં કોઇ સીરીયલ કિલર હોવાનું પોલીસ માની રહી છે. જો ત્રણેય બનાવ પર નજર કરીએ તો...

બનાવ નંબર - 1તારીખ 14મી ઓક્ટોમ્બર, 2018
સ્થળ - દંતાલી ગામ
મરણ જનાર - જયરામભાઇ રબારી ઉંમર - 60
લુંટ - 70 હજારના દાગીના

બનાવ નંબર - 2
તારીખ 9મી ડિસેમ્બર 2018
સ્થળ - પ્રેક્ષાભારતી નજીક, કોબા
મરણ જનાર - કેશવદાસ પટેલ ઉંમર - 75

બનાવ નંબર - 3
તારીખ 26મી જાન્યુઆરી
સ્થળ - શેરથા ટીંઢોળા ગામ રોડ
મરણ જનાર - જુઠાજી મગનજી ઠાકોર ઉંમર - 45
લુંટ - 2.5 લાખના દાગીના

નવાઇની વાત તો એ છે કે આ ત્રણેય હત્યા સવારના સમયગાળામાં એટલે કે 8થી 10ના સમયગાળામાં વચ્ચે થઇ છે, અને હત્યારાએ માથાના પાછળના ભાગે જ ગોળી મારીને હત્યા કરી છે. જ્યારે હથિયારમાં ઓટોમેટિક પિસ્તોલ અને 7.65 એમએમની કારતુસથી હત્યા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૌ પ્રથમ હત્યાનો બનાવ 14મી ઓક્ટોમ્બરના દિવસે બન્યો હતો. જો કે ત્યારબાદ બીજી હત્યાનો બનાવ 9મી ડિસેમ્બરના દિવસે બન્યો, પરંતુ પોલીસ વાઇબ્રન્ટ ગુજરાતના તાઇફામાં વ્યસ્ત હોવાથી હત્યારા માટે જાણે કે મેદાન મોકળું બન્યું હોય તેમ તેણે 26મી જાન્યુઆરીએ વધુ એક હત્યાને અંજામ આપ્યો, અને અંતે પોલીસની આંખો ખુલી. રહી રહીને જાગેલી પોલીસે હવે ડીવાયએસપી પીઆઇ પીએસઆઇ સહીત 8 અધિકારીઓની એસઆઇટી બનાવી છે, અને બનાવનો ભેદ ઉકેલવા માટે કામે લગાડ્યા છે.

હાલમાં એસઆઇટી દ્વારા ત્રણેય બનાવની સમાનતાને ધ્યાનમાં રાખીને આરોપીઓ સુધી પહોચવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જ્યારે પોલીસે આ બનાવમાં એફએસએલ તેમજ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ અને ગુજરાત એટીએસની પણ મદદ લીધી છે. એટલું જ નહીં પોલીસે મોડી રાત્રે હથિયારો સાથે મોટરસાઇકલ તેમજ ખાનગી વાહનોમાં પણ પેટ્રોલિંગ વધારી દીધું છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ કિલર અન્ય કોઇ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાય છે કે પછી પોલીસને વધુ પડકારો આપતો રહેશે.
First published: January 28, 2019, 11:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading