Home /News /madhya-gujarat /

આજીવન ગરીબોની સેવા કરનાર ઠક્કરબાપા કોણ હતા ? સાર્ધ શતાબ્દીએ આટલું જાણો

આજીવન ગરીબોની સેવા કરનાર ઠક્કરબાપા કોણ હતા ? સાર્ધ શતાબ્દીએ આટલું જાણો

ગાંધીજી અને ઠક્કરબાપા (સૌજન્ય; નવજીવન ટ્રસ્ટ)

ઠક્કર બાપાએ ભીલ સેવા મંડળની સ્થાપના કરીને આદિવાસીઓની સેવા કરવાનું જે કામ તેમણે આરંભ્યું હતું તેને આગળ વધારવા આદિમ જાતિ સેવક સંઘની સ્થાપના કરી.

  રાજેન્દ્ર પ્રસાદ

  ગાંધી સાર્ધશતાબ્દીની સાથે આ વર્ષે ઠક્કરબાપાની સાર્ધશતાબ્દી(1869-1951) પણ ઊજવાઈ રહી છે. માન્યું કે ગાંધીજી અને સરદાર પટેલની સ્મૃતિમાં થતી સરકારી ઊજવણીઓમાં ઠક્કરબાપા ભુલાઈ ગયા છે, પરંતુ ઠક્કરબાપાએ કરેલાં વ્યાપક જનસેવાનાં કાર્યો અનાદિકાળ સુધી ભુલાય એમ નથી. ઠક્કરબાપાના સેવાકાર્યનો લાભ દેશને સાડા ચાર દાયકા સુધી મળતો રહ્યો. જાહેર જીવનમાં પ્રવેશ્યા પછી તેઓ અવિરત ગરીબ-શોષિત-પીડિતના પડખે રહ્યા. વિશેષ કરીને આદિવાસી અને અસ્પૃશ્યતાનિવારણ ક્ષેત્રે તેમનું કાર્ય જંગી રહ્યું. આ ઉપરાંત, જ્યાં પણ કુદરતી આફત આવી પડી હોય ત્યારે ત્યાં ઠક્કરબાપાની અચૂક હાજરી રહી છે. જોકે તેમનું કાર્ય દસ્તાવેજી રીતે અણખેડાયેલું રહ્યું છે, એટલે જ તેમનું બૃહદ્ ચરિત્ર લખનાર કાન્તિલાલ શાહ બાપા વિશે નિવેદનમાં લખે છે : “પોતે મૂંગા, એમનું કામ મૂંગું, એમનો સ્વભાવ મૂંગો. આ કારણે એમનું વ્યક્તિત્વ એમના કાર્યમાં ભળી ગયું. આથી એમના જીવનનું, એના વિધવિધ પ્રસંગોનું સ્થૂળરૂપે જે દર્શન થવું જોઈએ એ વિરાટ કામો જોતાં પ્રમાણમાં બહુ ઓછું થયું છે.”  શ્રી ઠક્કરબાપાનું જીવન આપણે માટે એક આદર્શ રજૂ કરે છે. પૈસા કમાનારને પ્રાપ્ય એવું આરામનું જીવન છોડીને ગરીબીનું જીવન ગાળવાનો એમણે નિશ્ચય કર્યો ત્યારથી માંડીને જીવનના છેલ્લા દિવસ સુધી એમની એકેએક ક્ષણ ગરીબો, પીડિતો અને દરેક રીતે પછાત એવા લોકોની સેવામાં જ વીતી. એમની પોતાની રહેણીકરણી પણ મામૂલી ગરીબ આદમીના જેવી જ હતી. સારાયે ભારતવર્ષમાં જ્યાં કંઈ દુકાળ, રેલ કે ભૂકંપને કારણે લોકો સંકટમાં આવી પડે ત્યાં તેમની મદદમાં ઠક્કરબાપા પોતાના કેટલાક અનુયાયીઓ સાથે પહોંચી જતા. તેમણે પોતાનું જાહેર જીવન આ જાતના કામથી શરૂ કર્યું અને ગરીબોની સેવા માટે તેઓ ધીરે ધીરે એક પછી એક સંસ્થાઓ સ્થાપતા ગયા. ભારતના પછાત વર્ગોમાં મોટે ભાગે હરિજનો ને આદિવાસીઓ હોય છે, એટલે એ લોકોની સેવા ને ઉન્નતિના પ્રશ્નોમાં ઠક્કરબાપા લગભગ શરૂઆતથી જ રસ લેતા હતા.

  ભીલ સેવા મંડળની સ્થાપના દ્વારા આદિવાસીઓની સેવા કરવાની ભાવના બીજાઓમાં જાગ્રત કરીને તેમણે જે પ્રવૃત્તિ શરૂ કરી તેણે વખત જતાં ભારતવર્ષમાં જ્યાં જ્યાં એ લોકો વસે છે ત્યાં ત્યાં વિશાળ અને મહત્ત્વપૂર્ણ સ્વરૂપ ધારણ કર્યું છે. આ કામમાં આજે કેવળ આદિમ જાતિ સેવક સંઘ અને એવી બીજી સંસ્થાઓ જ નથી પણ બધી રાજ્ય સરકારો અને મધ્યસ્થ સરકાર પણ એમાં પૂરેપૂરો સાથ આપી રહી છે. આમ જ્યારે હરિજનોની સેવાનો પ્રશ્ન ઊભો થયો અને એમને માટે સંગઠિત રીતે કામ કરવા માટે હરિજન સેવક સંઘની સ્થાપના કરવામાં આવી ત્યારે તેમાં પણ ઠક્કરબાપા મોખરે હતા. એ કામ પણ આજે કેવળ બિનસરકારી ન રહેતાં સરકારનું કામ પણ બન્યું છે.

  ૧૯૩૨ના સપ્ટેમ્બરમાં મહાત્મા ગાંધી યરવડા જેલમાં હરિજન પ્રશ્ન અંગે ઉપવાસ કરતા હતા એ ચિંતાની ઘડીઓમાં સૌ એવો કોઈક રસ્તો કાઢવા માગતા હતા જેથી હરિજનોનું હિત અને તેમના હકો સચવાય તથા મહાત્માજી ઉપવાસ છોડે. તે વખતે ઠક્કરબાપાએ હરિજનોના હિતમાં જે કામ કર્યું તે ચિરસ્મરણીય રહેશે. હરિજન સેવક સંઘની સ્થાપના થઈ તો તેનું કામ પણ તેમણે નિષ્ઠાપૂર્વક ચલાવ્યું.

  ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે ઠક્કરબાપાએ વિકટમાં વિકટ સ્થળોએ જઈને આદિવાસીઓની સ્થિતિની તપાસ કરી અને એમના તથા હરિજનોના હકોના રક્ષણ માટે બંધારણમાં જરૂરી કલમો દાખલ કરાવી.

  આ જાતના કામથી ઠક્કરબાપા કદી થાકતા જ નહીં. દેશના એકેએક ખૂણામાં તેઓ ફરી વળ્યા. ભીલ સેવા મંડળની સ્થાપના કરીને આદિવાસીઓની સેવા કરવાનું જે કામ તેમણે આરંભ્યું હતું તેને આગળ વધારવા આદિમ જાતિ સેવક સંઘની સ્થાપના કરી. આ વિષયમાં જેટલું વ્યાપક જ્ઞાન ઠક્કરબાપા ધરાવતા તેટલું ભાગ્યે જ બીજું કોઈ ધરાવતું હશે; કારણ કે એમના સિવાય ભાગ્યે જ કોઈએ આદિવાસીઓ અને હરિજનોના પ્રદેશમાં એટલો પ્રવાસ કરીને એમનો સંપર્ક સાધ્યો હશે. એમનું જીવન પણ એટલું સાદું હતું કે પોતા માટે તેઓ નહીં જેવું જ ખર્ચ કરતા. વૃદ્ધાવસ્થામાં ને બીમારીમાં પણ તેમણે ત્રીજો વર્ગ છોડીને ઉપરના વર્ગમાં ભાગ્યે જ કદી મુસાફરી કરી હતી.

  તેઓ લગભગ હમેશાં પ્રવાસમાં જ રહેતા એનો વિચાર કરીએ છીએ ત્યારે આ રીતે તેઓ કેટલા પૈસા બચાવી લેતા હશે અને કેટલું કષ્ટ ભોગવતા હશે તેનો ખ્યાલ આવે છે. એક બાજુ એમનું હૃદય એટલું કોમળ હતું કે, દુઃખીઓનું દુઃખ જોઈને પીગળી જતું, બીજી બાજુ પોતાના સાથીઓ પાસે કામ લેવામાં તેઓ એટલા સખત હતા કે કેટલાક લોકો એ બાબતમાં એમની ટીકા કરતા. પણ ખરું જોતાં જેટલી સખતાઈ તેઓ બીજા પર કરતા તેના કરતાં અનેક ગણી પોતાની જાત પર કરતા. તેથી તેમની સખતાઈમાં પણ મીઠાશ આવી જતી અને તેમના સાથીઓ તે હસતાં હસતાં સહી લેતા. જીવનના છેલ્લા દિવસ સુધી લોકસેવાના કાર્યમાં જ મંડ્યા રહીને ઠક્કરબાપા આપણે માટે એક આદર્શ મૂકી ગયા છે. જેઓ દેશસેવા કે લોકસેવાને જીવનધ્યેય બનાવવા માગતા હોય તેમણે એ આદર્શ હમેશાં પોતાની નજર સમક્ષ રાખવો જોઈએ.

  [કાન્તિલાલ શાહ લિખિત ઠક્કરબાપા પુસ્તકની પ્રસ્તાવના]

  [સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, ડિસેમ્બર 2018]  
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Dalits, Gandhian, Mahatma gandhi, Service, Thakker Bapa, Tribals

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन