Home /News /madhya-gujarat /

પ્રજા ભારે સહનશીલ થઇ ગઈ છે, બાપુ: તે હવે 'ગાંધી-મોદી'ના સહિયારાથી ટેવાઈ ગઈ છે!

પ્રજા ભારે સહનશીલ થઇ ગઈ છે, બાપુ: તે હવે 'ગાંધી-મોદી'ના સહિયારાથી ટેવાઈ ગઈ છે!

પ્રતિકાત્મક તસવીર

ગાંધી અને ગાંધી વિચાર માત્ર 'જાહેર સમારંભો'માં દેખાડો કરવાનું સાધન બની ગયા છે. આ સ્થિતિમાં તો ગાંધીનો આત્મા પણ વલવતો હશે!

  ન્યૂઝ18 ગુજરાતી : આ લેખાંકનુ શીર્ષક બરાબર અને સમયોચિત જ છે. લખનાર જાણે છે કે, 'ગાંધી-મોદી' નહિ; કિન્તુ 'ગાંધી-વૈદ્ય' હોવું જોઈએ! પરંતુ 'સહિયારું' નામની ઘટના સમય-સમયે અને વ્યક્તિ-વ્યક્તિએ બદલાતી રહે છે. ઇતિહાસ આ બાબતનો સાક્ષી છે. અહીં નવા સમયના સહિયારા વિષે થોડી ચર્ચા કરવી છે; જે દેશને અંધકારની ગર્તામાં લઇ જઈ રહ્યું છે.

  આજે મહાત્મા ગાંધીજીનો સાર્ધશતાબ્દિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને દિલ્હીમાં એક મજાની ઘટના ઘટી રહી છે. ગાંધીને સાચી અંજલિ આપવા આ ખેડૂતો પોતાની 'જાયજ' માંગણીઓ લઈને દિલ્હી ભણી કૂચ કરી રહ્યાં છે અને નીમ્ભર સરકાર બળપ્રયોગ કરીને તેમને હટાવવાની ફિરાકમાં છે. ગુજરાતમાં પણ જૂનાગઢ-બોટાદ-મોરબી-સાબરકાંઠા સહિતના સંખ્યાબંધ સ્થળોએ ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે.

  આ પૂર્વે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં હજારોની સંખ્યામાં ખેડૂતો-મજૂરોએ દિલ્હીમાં દેખાવો કર્યા હતા. ગત વર્ષે તામિલનાડુના ખેડૂતો દેખાવો કરી ગયા. આ અગાઉ મહારાષ્ટ્રમાં ખેડૂતોએ શાંતિ કૂચ કરી હતી.

  દેશનો બે તૃત્યાંશ હિસ્સો ખેડૂતો અને કૃષિ આધારિત અર્થતંત્ર ઉપર નિર્ભર છે. દેશના ખેડૂતો બોજા તળે દબાયેલા છે. લોન-માફી, પોષણક્ષમ ભાવો, વીજળી-ઇંધણના ભાવોમાં સબસીડી, પેન્શન યોજના, આત્મહત્યા કરતા ખેડૂતોના પરિવારોના પુનઃ વસન અને સ્વામીનાથન સમિતિની ભલામણો લાગુ કરવાની માંગ સાથે દેશના ખેડૂતો સમયાંતરે ચળવળ કરતા રહ્યા છે. યાદ રહે, આ ખેડૂતો-મજૂરોએ કોઈ રાજકીય પક્ષોના ગુંડાઓની માફક બદતમીજી નથી કરી કે નથી કોઈપણ રીતે કાયદાને તેમના હાથમાં લેવાની કોશિશ કરી હોય! આમ છતાં, સરકાર તેમને સાંભળતી નથી તે વાસ્તવિકતા છે.

  સાહેબ, દેશનો ખેડૂત પરેશાન છે તો દેશનો સામાન્ય નાગરિક ક્યાં ખુશ છે? પેટ્રોલ-ડીઝલના ભાવો લિટરે 80-85 રૂપિયા ઉપર પહોંચી ગયા છે. રાંધણગેસના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાનગી કંપનીઓ પીએનજીના ભાવો છાશવારે વધારી રહી છે. પોષણક્ષમ ભાવો નહિ મળતા ખેડૂતો તેમની પેદાશો રસ્તા ઉપર રોષમાં આવીને ફેંકી રહ્યાં છે, ખાતરોના ભાવો આસમાન આંબી રહ્યા છે, સિંચાઈ-વીજળી અને ઇંધણની પરિસ્થિતિ કફોડી છે, શિક્ષણ મોંઘુ થયું છે, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ દોહ્યલી બની ગઈ છે. કેમ જીવવું? કોઈ છે, સાંભળનાર?

  માત્ર વાતો થાય છે. ચોકલેટો-પનીરના પ્લાન્ટ, રોરો ફેરી, બુલેટ ટ્રેનો- મેટ્રો ટ્રેનો, સોલાર પ્લાન્ટ અને સેઝ-સરની સુફિયાણી વાતો છોડો. ખાલી વાતોથી પેટ નથી ભરાતું સાહેબ, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ શાંત થવાને બદલે દાવાનળની જેમ ફેલાશે તો ક્રાંતિ સર્જાશે.

  પ્રજા પીડિત છે. ગાંધી અને ગાંધી વિચાર માત્ર 'જાહેર સમારંભો'માં દેખાડો કરવાનું સાધન બની ગયા છે. આ સ્થિતિમાં તો ગાંધીનો આત્મા પણ વલવતો હશે! હા, ગાંધીજી પ્રજા ભારે સહનશીલ થઇ ગઈ છે. અમે તો હવે "ગાંધી-મોદીના સહિયારાથી ટેવાઈ ગયા છીએ. આ ટેવ જો લાંબા સમય સુધી ચાલુ રહેશે તો દેશ અંધકારની ગર્તામાં ઝડપભેર ધકેલાઈ જશે. જાગવાની જરૂર છે. આ તબક્કે કવિ શેખાદમ આબુવાલા સાંભરી આવે છે :

  "કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
  બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
  ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
  ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો"
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Farmers Protest, Farmers Rally, Gandhi Jayanti, Gandhi Thought, Mohandas Karamchand Gandhi, દિલ્હી`, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन