મગન કીટલીના નામથી ઓળખાતા બિલ્ડર રામાણીના પરિવાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

મગન કીટલીના નામથી ઓળખાતા બિલ્ડર રામાણીના પરિવાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
મગન કીટલીના નામથી ઓળખાતા બિલ્ડર રામાણીના પરિવાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

મગન રામાણી સહિત તેમના પરિવારના સભ્યો સામે તેમના જ ભાગીદાર હેમાંગ ભટ્ટે નિકોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ગેલેક્સી હોમ્સ, ગેલેક્સી ઇન્ટરસિટી સહિતના પ્રોજેકટમાં ભાગીદારી ધરાવતા મગન રામાણી સહિત તેમના પરિવારના સભ્યો સામે તેમના જ ભાગીદાર હેમાંગ ભટ્ટે નિકોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તેઓ ઉદય ડેવલપર્સના નામથી પેઢી ચલાવતા હતા.

બાપુનગરમાં ચાની કીટલી ચલાવતા મગન રામાણી આજે કરોડો રૂપિયાના આસામી બની ગયા છે. જે આજે મગન કીટલીના નામે ઓળખાય છે.


રાજકીય નેતાઓ અને અધિકારીઓને રૂપિયાની રેલમછેલ કરાવી અનેક વિવાદિત જમીનોની ફાઈલો ક્લિયર કરાવીને મગન કીટલી કરોડોના આસામી બની ગયા છે. મગન રામાણી અને તેના પરિવારે વર્ષ 2008થી આજ દિન સુધીમાં અલગ અલગ ફ્લેટના પ્રોજેકટ સાઈટ પર ફ્લેટોના વેચાણની કિંમત અને દસ્તાવેજની રકમ અલગ બતાવી રૂ. 48 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - રાજકોટ : રાજ્યસભાના સાંસદે ખભે પંપ લટકાવી સોની બજારની દુકાનને સેનિટાઇઝ કરી

મગન કીટલીના પુત્ર ધર્મેશ રામાણીએ તેમને મળેલ સત્તાનો ભાગીદારી પેઢીમાં ગેરકાયદેસર રીતે દૂર ઉપયોગ કરી ફ્લેટના વેચાણ દસ્તાવેજો કરી નાખ્યા હતા. નિકોલ પોલીસે કોર્ટના આદેશ બાદ મગન રામાણી પરિવારના 10 સભ્યો સામે છેતરપીંડી અને ગુનાહિત કાવતરા અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનું નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી.ઝાલાએ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે કુલ 48 કરોડની છેતરપીંડીનો આક્ષેપ કરાયો છે. જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી.

મહત્વની વાત તો એ છે કે નરોડા- દહેગામ રોડ પર આવેલ નંદનબાગ બીલાસીયા બંગલોઝમાં રહેતા હેમાંગ ભટ્ટે વર્ષ 2008માં તેમના પિતા ઉદય ભટ્ટ અને તેમના ભાઈઓએ નિલેશ રામાણી, હરેશ રામાણી, ધર્મેશ રામાણી સાથે ભાગીદારી પેઢી શરૂ કરી હતી. જેમાં નફા- નુકસાન નો રેશિયો નક્કી કરાયો હતો. આરોપી ધર્મેશ રામાણીને પાવર ઓફ એટર્ની આપી હતી. તમામ પ્રોજેકટની સાઈટની વેચાણ અને દસ્તાવેજો કરવા ની જવાબદારી ધર્મેશ રામાણી પાસે હતી. એ દરમ્યાન હેમાંગ ભટ્ટને પેઢીના હિસાબોમાં શંકા જતા તપાસ કરી હતી. ગેલેક્સી ઇન્ટરસિટી અને ગેલેક્સી હોમ્સની સાઈટ પર હિસાબો ચકાસતા બંને પ્રોજેકટમાં વેચાણ દસ્તાવેજ કિંમત અને ખરેખર વેચાણ કિંમતમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. જેમાં ગેલેક્સી હોમ્સમાં 20 કરોડનો તફાવત મળ્યો હતો .જે તેઓએ રૂપિયા અંગત વપરાશમાં લીધા હોવાનું બહાર આવ્યું હતું.

આ ઉપરાંત રામાણી પરિવારે ગેલેક્સી હોમ્સ, ગેલેક્સી ઇન્ટરસિટી નામની બંને સાઈટના કાનૂની અને સ્ટેમ્પ ખર્ચ સહિત અન્ય ખર્ચમાં ગાળો રાખી 30 કરોડ જેવી રકમ અંગત કામ માટે વાપરી નાખી હતી. તેમજ પારિવારિક લગ્નપ્રસંગ ,નિયમિત અંગત ખર્ચ અને વાહનોની જાળવણી માટે ખર્ચના 4.53 કરોડ પણ ભાગીદારી પેઢીમાંથી જ ખર્ચ કર્યો હતો. ધર્મેશ રામાણીએ 14 લાખની અંગત રકમ સહિત કુલ 48.67 કરોડની છેતરપીંડી કરી હોવા બાબતે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના આદેશ બાદ નિકોલ પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:August 01, 2020, 22:50 pm

ટૉપ ન્યૂઝ