પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન, હૉસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન, હૉસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ
કેશુભાઈ પટેલ.

શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ આજે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

 • Share this:
  અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા કેશુભાઈ પટેલ (Keshubhai Patel)નું 92 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં કેશુભાઈ પટેલનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ આજે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું નિધન થયું હતું. હૉસ્પિટલ ખાતે જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કેશુભાઈ પટેલનું ગુજરાતની રાજનીતિમાં બહુ મોટું યોગદાન રહ્યું છે. કેશુભાઈ પટેલ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. કેશુભાઈ પટેલનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. આ મામલે સ્ટાર્લિંગ હૉસ્પિટલના ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડૉક્ટર અક્ષયે જણાવ્યું હતું કે, તેઓને હૉસ્પિટલ લવાયા ત્યારે તેઓ બેભાન હતા. તેઓ ડાયાબિટીસ હાઇપર ટેન્શનથી પીડાતા હતા, ભૂતકાળમાં તેમનું હૃદયનું ઓપેરશન પણ થઈ ચૂક્યું છે. હૉસ્પિટલ ખાતે સતત એક કલાક સુધી તેમને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  કોરોનાને આપી હતી મ્હાત  કેશુભાઈ પટેલે તાજેતરમાં જ કોરોનાને મ્હાત આપી હતી. મોટી ઊંમર હોવા છતાં તેમણે કોરોનાને હરાવ્યો હતો અને એકદમ સ્વસ્થ થયા હતા.

  ગોકુળિયું ગામ યોજના ખૂબ વખાણવામાં આવી

  મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં કેશુભાઈ પટેલે ગોકુળિયું ગામ યોજના શરૂ કરી હતી. આ યોજના પાછળનો ઉદેશ્ય ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધા ઊભી કરવાનો હતો. આ યોજનાની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભૂકંપ વખતે પણ તેમણે ખૂબ જ સારી એવી કામગીરી કરી હતી.

  બે વખત મુખ્યમંત્રી પદે રહ્યા

  કેશુભાઈ પટેલ વર્ષ 1995 અને વર્ષ 1998થી 2001  સુધી એમ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચુક્યા છે. આ ઉપરાંત કેશુભાઈ પટેલ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.  1945માં કેશુભાઈ પટેલ પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં જોડાયા હતા. 1980માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

  ચોથી ઓગસ્ટ 2012ના રોજ કેશુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે GPP એટલે કે  'ગુજરાત પરિવર્તન પાર્ટી' નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે, જાન્યુઆરી 2014માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું. જે બાદમાં જીપીપી પાર્ટીનું ભાજપામાં વિલિનીકરણ થયું હતું. 2014માં જ કેશુભાઈએ ખરાબ તબીયતને પગલે ધારાસભ્ય તરીકે રાજીનામું ધરી દીધું હતું.

  ગુજરાતને મોટી ખોટ પડી: વિજય રૂપાણી

  આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, "જેમણે ગુજરાતમાં જનસંઘથી ભાજપનું આ વટવૃક્ષ ઊભું કર્યું, જેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રના કામ માટે ન્યોછાવર કર્યું, જેમણે એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતો માટે ખૂબ જ મોટું કામ કર્યું હતું તેવા આપણા વડીલ આદરણીય કેશુભાઈ પટેલનું આજે દુઃખદ અવસાન થયું છે.  આપણા બધા માટે ખૂબ જ દુઃખની લાગણી છે. ગુજરાતને મોટી ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીને મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને સદગતિ આપે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું."

  ગુજરાતના વિકાસ માટે કેશુભાઈનું યોગદાન હંમેશા યાદ રહેશે: પાટીલ

  ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આગેવાન કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે, "ભાજપાના વરિષ્ઠ આગેવાન અને અમારા મોભી એવા પૂર્વમુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધનના સમાચારથી હું અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. આદરણીય કેશુભાઈ પટેલે તેમનું આખું જીવન રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યો માટે સમર્પિત કર્યું હતું. ગુજરાતના વિકાસમાં તેમનું યોગદાન સદાય યાદ રહેશે. આદરણીય કેશુભાઈના નિધનથી ગુજરાતને પણ મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેમજ તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના."
  Published by:Vinod Zankhaliya
  First published:October 29, 2020, 12:04 pm

  ટૉપ ન્યૂઝ