મયુર માકડિયા, અમદાવાદ : કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર આજે અમદાવાદ શહેરની મુલાકાતે આવ્યા હતા. અનુરાગ ઠાકુરે અમદાવાદની મુલાકાત દરમિયાન મંદીનો માર સહન કરી રહેલા ઉદ્યોગો માટે સારા સમાચારો આવવાનો સંકેત આપ્યો. તેમણે કહ્યું કે વિતેલા દિવોસમાં પણ નાણા મંત્રી સીતારમણે બે મહત્ત્વની જાહેરાત કરી છે. આગામી દિવસોમાં પણ બજારમાં તેજી લાવવા માટે ઉદ્યોગોને અને ગ્રાહકોને ફાયદો કેવી રીતે થાય તેને ધ્યાનમાં રાખીને મહત્ત્વની જાહેરાતો કરાશે.
અનુરાગ ઠાકુરે કહ્યું, “સંસદના સત્ર બાદ અમે વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિ મંડળને અધિકારીઓને અને ગ્રાહકોને સીધા મળી રહ્યા છીએ. અમે તમામ પક્ષકારોની રજૂઆત સાંભળીને એવો હલ લાવવાનો પ્રયાસ કરીશું જેનાથી બજારમાં તેજી આવે. વડાપ્રધાન મોદીએ અમને 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલરની ઇકૉનૉમી બનાવવાનું લક્ષ્ય આપ્યું છે જે અમે સમય કરતાં પહેલાં પૂર્ણ કરીશું.”
ચિદમ્બરમની ભૂલના કારણે દેશને નુકશાન અનુરાગ ઠાકુરે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરના શાસનકાળને યાદ કરાવતાં કહ્યું કે પૂર્ણ નાણામંત્રીએ પહેલાં પોતાના શાસનકાળને યાદ કરવો જોઈએ, તેમણે પહેલાં તો પોતાના કારનામાઓમાંથી બહાર નીકળવું જોઈએ. શાસનકાળથી દેશને નુકશાન ભોગવવું પડ્યું છે. તેમના સમયે મોંઘવારી ચરમસીમાઓ હતી. તેમની ભૂલના કારણે બૅન્કોનું સફાઈ કામ અમારે કરવું પડ્યું છે.
શિવકુમાર પાસે કાયદાનો માર્ગ ખુલ્લો છે કર્ણાટકના કોંગ્રેસના નેતા ડી.શિવકુમારની ધરપકડને કોંગ્રેસે રાજકીય કાવતરું ગણાવ્યું છે. આ મામલે મંત્રી ઠાકુરે કહ્યું કે તપાસ એજન્સીઓ સ્વતંત્રપણે પોતાનું કામ કરે છે. એજન્સીઓ પાસે ઇનપુટ હોય તો જ કાર્યવાહી થાય છે. સરકાર વિકાસ કરવા આવી છે અને વિકાસનું કાર્ય કરી રહી છે. શિવકુમાર પાસે કાયદાનો માર્ગ ખુલ્લો છે. પૂર્ણ નાણા મંત્રી વિરુદ્ધ કાર્યવાહી થઈ તેમણે પણ કોર્ટનો રસ્તો અપનાવ્યો છે.