અમદાવાદ: નરોડા જીઆઇડીસીમાં (Naroda Gidc) નોકરી કરતો યુવક પાનના ગલ્લે ઉભો હતો ત્યારે સ્પોર્ટ બાઇક પર બે શખશો ક્રાઇમ બ્રાન્ચમાંથી (Ahmedabad crime Branch) આવતા હોવાનું જણાવી યુવકને લઈ ગયા હતા. ઓઢવમાં એક હોટલમાં (Hotel) યુવતી સાથે ગયો હોવાથી કેસ થયો છે જેથી ઓઢવ પોલીસસ્ટેશન આવવું પડશે તેમ કહી આ યુવકને લઈ ગયા હતા. જોકે રસ્તામાં યુવક ભોળો હોવાનું કહી ખર્ચો પાણી માંગ્યા હતા. આ ભોગ બનનાર યુવક પાસે પૈસા ન હોવાથી તેણે એક દુકાનદારને પૈસા ટ્રાન્સફર કરી તેની પાસેથી રોકડા લઈને બને નકલી પોલીસને 30 હજાર આપી રવાના કર્યા હતા.
શહેરના મેઘાણીનગર માં રહેતા મનોજ ભાઈ પટણી નરોડા જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ફેબ્રુઆરી માસમાં મનોજભાઈ બપોરના સુમારે નરોડા સુતરના ચાર રસ્તા પાસે એક પાનના ગલ્લા પર પોતાની બાઇક લઇને ઉભા હતા. તે વખતે એક સ્પોર્ટ બાઈક પર બે શખ્સો આવ્યા હતા અને તેઓ ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં (Crime Branch Police) છે તેવી ઓળખ આપી હતી.
આ પણ વાંચો : ગર્ભવતી મહિલાનું માસ્ક નાક પર હોવાથી દંડ થયો, રાજકોટ બાદ સુરતમાં પોલીસ-દંપતિ વચ્ચે માથાકૂટ
આ બંને શખ્સોએ મનોજભાઇને કહ્યું કે થોડીવાર પહેલા એક છોકરી સાથે ઓઢવ ખાતે આવેલી શિવકુંજ હોટલમાં ગયા હતા જેથી તેમની પર કેસ થયો છે અને તેઓને ઓઢવ પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહી આ બંને શખશો મનોજભાઈને લઈને નીકળ્યા હતા. ઓઢવ પોલીસ સ્ટેશન જવાનું કહી તેઓ મનોજભાઇને લઈને નીકળ્યા હતા.
બાદમાં નરોડા સુતર ના કારખાના ચાર રસ્તા થઇને નરોડા રેલવે ક્રોસિંગ તરફથી નાનાચિલોડા રીંગરોડ તરફ જવા માટે નીકળ્યા હતા. બાદમાં નાનાચિલોડા પાસે આ બંને શખ્સોએ બાઈક ઉભી રાખી હતી. બાદમાં બંને શખશો અંદરો અંદર વાત કરતા હતા કે અમિતભાઈ નાગર સાહેબ આ ભાઈ સારા છે જેથી તેમની પાસેથી ખર્ચા ના પૈસા લઈને જવા દો.
આ વખતે અમિત નાગરે જણાવ્યું કે યૂનુસ ભાઈ તમારી વાત સાચી છે આ પ્રકારની અંદર અંદર વાત કરતા હતા, જેથી આ બંને શખશો માંથી એક અમિત નાગર અને બીજો યુનુસ નામનો શખ્સ હોવાની ભોગ બનાર મનોજભાઈને શંકા ગઈ હતી.
આ પણ વાંચો : સુરત પોલીસ ભારે 'એડવાન્સ,' યુવક પાસેથી 1-1-2021ની તારીખનો દંડ વસૂલ્યો, ભૂલ કે કૌભાંડ? ભારે ચર્ચા
બાદમાં આ બંને શખ્સોએ જણાવ્યું કે તમારે જેલમાં ના જવું હોય તો અમને ખર્ચના પૈસા આપી દો. જેથી મનોજભાઈ ડરી ગયા હતા. પરંતુ પોતાની પાસે રોકડ રકમ ન હોવાથી તેમણે નાના ચિલોડા પાસે આવેલી એક મોબાઇલ દુકાન માં ગયા હતા. જ્યાં દુકાનદાર ના ખાતામાં તેઓએ 30 હજાર રૂપિયા તથા ચાર્જ ના 900 રૂપિયા એમ કુલ 30,900 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. અને તેની સામે રોકડ 30 હજાર રૂપિયા દુકાનદાર પાસેથી લઈને નકલી પોલીસ બનીને આવેલા બે શખ્સો ને આપ્યા હતા.
જોકે તે સમયે મનોજભાઈએ કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. તેઓ કામ અર્થે બહાર ગયા હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરી ન હતી. બાદમાં હવે તેઓએ નરોડા પોલીસને જાણ કરતાં નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.