ગાંધીજીની દાંડી યાત્રામાં જોડાવા માટે ગુજરાત વિદ્યાપીઠમાં 15 દિવસનો તાલિમ વર્ગ શરૂ કરાયો હતો

ગાંધીજીની દાંડી યાત્રામાં જોડાવા માટે ગુજરાત વિદ્યાપીઠમાં 15 દિવસનો તાલિમ વર્ગ શરૂ કરાયો હતો
દાંડી યાત્રાની ઐતિહાસિક તસવીર

ગાંધીજીની દાંડી યાત્રામાં વિદ્યાપીઠનાં 6 અધ્યાપકો જોડાયા હતા. વિદ્યાર્થીઓ માટે ખાસ તાલિમ વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા. જાણો આ દાંડી યાત્રામાં 'અરૂણ ટૂકડી'નો શું રોલ હતો. બહું ઓછા લોકો જાણતા હશે આ ઇતિહાસ

  • Share this:
ભારતવર્ષના સ્વાતંત્ર્ય સંગ્રામની (Independence fight of india)  ગૌરવપૂર્ણ ગાથામાં 12મી માર્ચ 1930નો દિવસ એક ઐતિહાસિક ઘટનાની તવારીખ બની રહ્યો છે. આ દિવસે મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચનો (Dandi Yatra of Gandhiji) પ્રારંભ કર્યો હતો. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં દાંડીકૂચનું આગવું અને યશસ્વી સ્થાન છે. મહાદેવભાઈ દેસાઈ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ" તરીકે ઓળખાવે છે તો મહાત્મા ગાંધીજીએ તેને પવિત્ર યાત્રા" તરીકે ઓળખાવી હતી. વિશ્વભરમાં જે સ્વાતંત્ર્ય સંગ્રામો ખેલાયા હતા તે મોટે ભાગે હિંસક હતા. પરંતુ સ્વાતંત્ર્ય સેનાની જાતે દુઃખ ભોગવે, લાઠી ખાય, જેલ ભોગવે, ગોળી ખાય, પોતાની મિલકતો ફના કરે એ રીતનો મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ થયેલ મુક્તિસંગ્રામ આખી દુનિયા વિસ્મયતા અને કુતુહલતાથી નિહાળી રહી. સત્ય અને અહિંસાના માર્ગે દેશના વધુને વધુ લોકો જોડાઈ શકે તે માટે ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ પસંદ કર્યો હતો.

દાંડીકૂચને અહિંસક સત્યાગ્રહનો પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટીશ સરકાર દ્વારા મીઠા પર લગાવવામાં આવેલ કરને નાબુદ કરવા માટે ગાંધીજીએ અહિંસક રીતે દાંડીકૂચ 12મી માર્ચ, 1930 નાં રોજ કરી હતી. દાંડીકૂચની લડતમાં પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા 18મી ઓક્ટોબર 1920ના રોજ સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠનું પ્રદાન અનેરું રહેલું છે. ગુજરાત વિદ્યાપીઠનો એક મુખ્ય ધ્યેય એ હતો કે, “સ્વરાજની પ્રાપ્તિ સારું ચાલતી પ્રવૃત્તિઓને અર્થે ચારિત્ર્યવાન, શક્તિસંપન્ન, સંસ્કારી અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ તૈયાર કરવાનું" આ ધ્યેય સાથે ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, વિદ્યાર્થીઓએ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.ઇ.સ. 1929માં લાહોર મુકામે મળેલ કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને તે માટેની લડતની જવાબદારી ગાંધીજીને સોંપવામાં આવી. આ ઉપરાંત સત્ય અને અહિંસામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનાર ગાંધીજીના સાથીદારોને સરકાર સામે સવિનય કાનૂનભંગ આંદોલન શરૂ કરવાનું કહેવામાં આવ્યું. મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહના સાધન તરીકે મીઠાંની પસંદગી કરી. 12 માર્ચ 1930નો દિવસે સાબરમતી આશ્રમથી કૂચ કરી દોડી ખાતે પહોંચીને મીઠાના કાયદાનો ભંગ કરશે એમ જાહેર કરવામાં આવ્યું.

મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહના સાધન તરીકે નમક એટલા માટે પસંદ કર્યું કે, મીઠું એ દરેક માણસની રોજીંદા વપરાશની આવશ્યક વસ્તુ હતી.
બ્રિટિશ સરકારની નીતિને કારણે મીઠું મોંઘુ બન્યું હતું, અઢી આના (પંદર નવા પૈસા) મણ મળી શકે તેવું મીઠું બધાએ એક રૂપિયામાં લેવું પડતું હતું.
ભારતમાં મીઠું પકવવાનો કાયદેસર રીતે કોઈને અધિકાર ન હતો. ગરીબમાં ગરીબ હિંદીના જીવનને આ પ્રશ્ન સ્પર્શતો હતો તેથી હિન્દુસ્તાનની આમજનતાએ લડતનું સંપૂર્ણ હદયથી સ્વાગત કર્યું. અને એમાંઝંપલાવ્યું. દાંડીયાત્રા દ્વારા ગાંધીજીને લોકશક્તિ જાગૃત કરવી હતી.

આ પણ વાંચો : ગાંધી જ્યંતિ સ્પેશિયલઃ ગાંધીજીની હત્યાનો પ્રયાસ રાજકોટમાં થયો હતો, વાંચો મહાત્મા વિશેની જાણી અજાણી વાતો

સાગરનું પાણી કુદરતી બક્ષિસ હોવા છતાં પ્રજાને મીઠાથી વંચિત રહેવું પડતું હતું. એ અધિકાર મેળવવા માટેની આ લડત હતી. આ ઉપરાંત બ્રિટન જેવી એક જબરજસ્ત સલ્તનતની તાકાતનો સામનો કરવાનો અને રાષ્ટ્રને પૂર્ણ સ્વરાજને પંથે લઇ જઈ અહિંસાની તમામ તાકાતથી એની સામે ઝઝુમવાનો આ એક અખતરો હતો.

સ્થળની પસંદગી કરવા મહાદેવભાઈ, કલ્યાણજીભાઈ જેવા કાર્યકરોએ સમુદ્ર તટોની મુલાકાત લીધી અને અંતે સૌની નજર દાંડી પર સ્થિર થઇ. લડતની પૂર્વ તૈયારી રૂપે સાબરમતી આશ્રમથી દાંડી સુધીનો માર્ગ પણ નિશ્ચિત કરાયો. તેમજ ક્યા-ક્યા સ્થળોએ થઈને દાંડી પહોચવું, થો-ક્યાં વિશ્રામ રાખવો એ નક્કી કરી દાંડીકૂચના માર્ગનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો.

મહાત્મા ગાંધીજીએ દાંડીકૂયનાં પોતાના સાથીઓની પસંદગી કરી લીધી હતી. તેમણે આ લડતમાં કોઈપણ મહિલાને સામેલ થવાની પરવાનગી આપી ન હતી કારણ કે, સરકારની દમનનીતિ અસહ્ય પણ બની શકે, સરકાર આવી નીતિ બહેનો સામે વાપરતા અચકાય તેમજ પુરુષ સત્યાગ્રહીઓની બહેનો ઢાલ ન બની જાય તે ભાવનાથી ગાંધીજીએ બહેનોને દાંડીકૂચમાં સામેલ કરી ન હતી.

દોડીકૂચમાં 79 સાથીઓ આશ્રમવાસી હતો. આશ્રમમાં ધર્મ, જાતિ, પ્રાંત જેવી બાબતોને મહત્વ આપવામાં આવતું નહોતું. છતાં પ્રથમવાર જ પ્રાંત પ્રમાણે યાદી તૈયાર કરવામાં આવી હતી. તેમાં ગુજરાતના કચ્છ સહિત 38, મહારાષ્ટ્રના 13, સંયુક્ત પ્રાંતના 07, પંજાબના 03, કેરલના 04, રાજસ્થાનના 03, મુંબઈના 02, આંધ્રપ્રદેશ, સિંધ, કર્ણાટક, તામિલનાડુ, બિહાર, બંગાળ, ઉત્કલ, ફિજી, નેપાળના એક એક સત્યાગ્રહી હતા.ગુજરાતના 38 જણાએ દાંડીકૂચના સહભાગી થવાનું સદભાગ્ય સાંપડ્યું હતું.

દાંડીકૂચમાં 16 વર્ષથી લઈને 61 વર્ષના પુરુષોની સેવા પસંદ કરવામાં આવી હતી, તેમાં ગાંધીજી સૌથી વધુ ઉંમરના વિચાર, વાણી અને વર્તનથી જે સત્ય અને અહિંસાના પુજારી હોય તેવા અને સાબરમતી આશ્રમની કડક શિસ્તથી પરિચિત હોય તેવા જ સેવકોને દાંડીકૂચના સૈનિકો તરીકે લીધા હતાં.12મી માર્ચ 1930ના પાવન દિવસે બ્રિટીશ સલ્તનત સામેની આખરી પડકાર કરતી દાંડીકૂચનો પ્રારંભ થયો.

જેમાં ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું યોગદાન ખુબજ મહત્વનું હતું. ગુજરાત વિદ્યાપીઠ સ્વરાજ માટે સરજાઈ હતી અને સ્વરાજ માટે કામ કરતી રહી એ વાક્યમાં વિદ્યાપીઠના કામનો નિચોડ આવી જાય છે. સ્વરાજની લડત એ રીતે વિદ્યાપીઠના લોહીમાં વણાયેલી છે. કામ ચાલુ હોય ત્યારે પણ એ જ દ્રષ્ટિએ કામ ચાલે અને પ્રત્યક્ષ લડત આવી પડે ત્યારે પણ એ જ દ્રષ્ટિએ કામ થાય. ઈ.સ. 1930ની લડત જુદા પ્રકારની હતી. એટલે તે વખતે તો બીજું કામ અટકાવીને શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમાં જોડાયા હતા.

આ પણ વાંચો : PM મોદીએ 'મન કી બાત'માં હરીપૂરા ગામની વાત કરી, જેનો આવો છે ઇતિહાસ

સ્વરાજની પ્રાપ્તિ સારું ચાલતી પ્રવૃત્તિઓને અર્થે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. અને આ ધ્યેય સાથે 1930ની પ્રખ્યાત દાંડીકૂયની લડતમાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જોડાયા. ગૂજરાત વિદ્યાપીઠ મંડળે તા.03/03/1930ની બેઠકમાં લડતમાં જોડાવાનું નક્કી કરીને કુલ સત્તા કુલનાયક કાકાસાહેબ કાલેલકરના હાથમાં સોપી અને તે પ્રમાણે કાકાસાહેબે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને લડતમાં જોડાવવાની રજા આપી.

મહાવિદ્યાલયના મોટાભાગના વિદ્યાર્થીઓ લડતમાં જોડાયા હોવાથી વર્ગો ચાલી જ ન શક્યા. અને વિનયમંદિરમાં પણ 16 વર્ષથી ઉપરની ઉંમરના ઘણાખરા વિદ્યાર્થીઓ લડતમાં જોડાયા હોવાથી વર્ગો બંધ પડ્યા.

નાના વિદ્યાર્થીઓનું ભણતર અટકી ન પડે એટલા ખાતર અને સામાન્યપણે ગૂજરાત વિદ્યાપીઠનું કામ ચાલુ રાખવા અમૂક અધ્યાપકોએ અને કાર્યકર્તાઓએ સ્વાર્થત્યાગપૂર્વક લડતમાં જોડાવાનું માડી વાળ્યું. ગુજરાત વિદ્યાપીઠમાં તે સમય દરમીયાન 16 વર્ષથી ઉપરના જે વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા તે પણ સ્વાતંત્ર્યના શાંતિમય યુદ્ધના સૈનિક તૈયાર કરવા માટે જ હતા. અને તેના માટે ગૂજરાત વિદ્યાપીઠમાં તાલીમ વર્ગો પણ ચલાવવામાં આવતા હતા. દાંડીકૂચના સમય દરમિયાન તા.31/03/1930 ના રોજ અખિલ ભારત મહાસમિતિની બેઠક ગુજરાત વિદ્યાપીઠની ભૂમિ પર રાખવામાં આવી હતી.

આ રીતે કાકાસાહેબના માર્ગદર્શન હેઠળ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ દાંડીકૂચમાં મહત્વની કામગીરી કરી.પૂર્ણ સ્વરાજ મેળવવા માટે કાયદાનો સવિનય ભંગ કરવાની જે લડત ગાંધીજીએ શરૂ કરી હતી તેમાં ભાગ લેવાની કેટલાક વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની ઇચ્છા હતી તેથી ગુજરાત વિદ્યાપીઠ દ્વારા એવાઓને તૈયાર કરી લડતમાં મોકલવાનો તાલીમ વર્ગ શરૂ કરવાનું મહાત્મા ગાંધીજી અને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક કાકાસાહેબ કાલેલકરને લાગ્યું જેના એક ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠમા સવિનય કાનુનભંગની લડત માટેના સ્વયંસેવકોના તાલીમ વર્ગો ખોલવાનું આવશ્યક જણાયું.

આ તાલીમ વર્ગમાં કોઈપણ સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓને અને રાષ્ટ્રીય કે બીજી શાળાના શિક્ષકોને દાખલ કરવામાં આવશે. દાખલ કર્યા પછી તરત જ જૂની સંસ્થામાંથી એમણે લડત પૂરતા નીકળી જવું જોઈએ. દાખલ થનારે શુદ્ર ખાદી પહેરનારા જ હોય અને તેમની ઉમર 18 વર્ષ ઉપરની હોવી જોઈએ. અભ્યાસક્રમ 15દિવસનો રહેશે.

આ યોજનામાં દાખલ થનાર પાસે ફક્ત ભોજનખર્ચ લેવામાં આવશે. પ્રત્યક્ષ લડત માટે ગયા પછી બીજા સ્વયંસેવકો માટે ખાવાપીવાની જે વ્યવસ્થા હશે તેવી જ વ્યવસ્થાથી જ સંતોષ માનવો પડશે. કોઈને પગાર કે પોતાના આશ્રિતો માટે મદદ વિદ્યાપીઠ તરફથી નહીં મળે.

આ પણ વાંચો : અમદાવાદ : મને ગર્વ છે કે મારા પરદાદા ગાંધીજી સાથે દાંડી યાત્રામાં જોડાયા હતા, આશ્રમવાસીઓ થયા ભાવુક

અભ્યાસક્રમમાં નીચેની વસ્તુઓ મહત્વની હતી.

1. લડતનું મહત્વ અને એ વિષેના નિયમો (08 વ્યાખ્યોનો)
2. કૂચ દરમ્યાન તથા ગામડામાં પ્રચાર કરતી વખતે ઉપયોગી થાય તેવાં ભજનો અને ધૂનો (૧૫ ભજનો)
3. નાનામોટા સમુદાય માટે ભાખરી, રોટલા, દાળ, ભાત, ખીચડી તથા શાક એટલે રાંધવાની કળા ( ૧૫ દિવસ જાતે રાંધવાનું)
4. સભાશાસન એટલે કે સભાઓ કેમ ગોઠવવી, એમાં શાંન્તિ કેમ રાખવી, સભાના નિયમો વગેરે 03 વ્યાખ્યાનો)
5. સ્વચ્છતા અને સુખાકારી નિયમો અને પ્રત્યક્ષ નાન; કામચલાઉ જાજરૂ તૈયાર કરવા માટે ખાડા ખોદવા વગેરે 03 વ્યાખ્યાનો અને 15 દિવસ પ્રત્યક્ષ કામ.)
6.કૂચ તથા કવાયત
આ સવિનયભંગની લડત માટેના તાલીમ વર્ગો માટેની અરજીઓ પણ ગૂજરાત વિદ્યાપીઠના આચાર્ય કાકાસાહેબ કાલેલકરે મંગાવેલ હતી. જેમાં તેઓએ જાણતા દેશસેવકોની ભલામણથી આવેલીઅરજીઓનો જ વિચાર કરવામાં આવશે. તે વાતનો ઉલ્લેખ કર્યો હતો.

દાંડી યાત્રાની ઐતિહાસિક તસવીર


સવિનયભંગની લડત માટેના તાલીમ વર્ગો માટેની અરજી નીચે મુજબ હતી

પૂર્ણ સ્વરાજ્ય માટે ગાંધીજીએ ઉપાડેલી કાયદાના સવિનયભંગની લડતમાં હું સ્વયંસેવક થવા ઉર્ફે છું. તેની તાલીમ લેવા માટે મને ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ કરશો. આ લડત સત્ય અને અહિંસાના પાયા ઉપર રચાયેલી છે એ ધ્યાનમાં રાખી સત્યાગ્રહીઓ પાસેથી જે જાતના શુદ્ધ આચરણની અને નિયમ-પાલનની ગાંધીજીએ અપેક્ષા રાખી છે તે રીતે વર્તવાની મારી તૈયારી છે. લડતને માટે ગુજરાત વિદ્યાપીઠ જે જાતની અને જેટલી તાલીમ આપશે તે લઈને ગુજરાત વિદ્યાપીઠ જ્યાં મોકલશે ત્યાં હું જઈશ, અને જેના હાથ તળે મને કામ કરવાનું કહેવામાં આવશે તેના હાથ તળે રહીશ. લડત દરમ્યાન જે પણ અગવડો કે કષ્ટો વેઠવાં પડે તે વેઠવાં હું તૈયાર છું. કોઈ પણ પ્રસંગે ગમે તેટલી કનડગત કે ઉશ્કેરણી થાય તોય હું કોઈ જાતનો અત્યાચાર નહીં કરું, બધુ હુ શાંતિથી સહન કરીશ. દેશની કે મારી આબરૂને ઝાંખપ લાગે એવા કોઈપણ જાતની હીનતા દોષમાં હું નહીં આવું. એવી ખાતરી આપુ છુ. લડત દરમયાન મારા કોઈ પણ સગા કે
આશ્રીતને માટે કશી મદદ માટેની અપેક્ષા હું ગૂજરાત વિદ્યાપીઠ પાસેથી નથી રાખતો.

આ પણ વાંચો :

નામ
સરનામું
ઉંમર,
ધિર્મ અને જાતિ,
કયાં ભણે છે અથવા ભણાવે છે?.
કર્યાં સુધી ભણેલા છે?
તિથિ.
હું ભાઈ,
સહી
લડતમ સૈનિક થવાને તે લાયક છે એમ માનું છું.

દાંડીકૂચની શરૂઆત જ ગૂજરાત વિદ્યાપીઠના સંગીતના અધ્યાપક નારાયણ મોરેશ્વર ખરેના પદ..“શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ શૂર નહીં.” થી કરવામાં આવી હતી. બરાબર 6:20 કલાકે કૂચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચંદ્રભાગા પુલ પાસે યાત્રા આવી ત્યારે વિદાય આપવા આવેલ આશ્રમવાસીઓને પાછા વળવાનો આદેશ ગાંધીજીએ આપ્યો હતો. સૂર્યોદય થઈ ચુક્યો હતો.

સાબરમતી આશ્રમથી પ્રસ્થાન થયેલ કૂચ જોત જોતામાં ગૂજરાત વિદ્યાપીઠના આંગણે આવી પહોચી. ગાંધીજી અહી થોભ્યા અને નરહરિ પરીખના પત્ની મણિબહેને ગાંધીજીને કુમકુમ તિલક કર્યું અને અક્ષતથી વધાવ્યા અને એક નાનકડી બાલિકાએ સુતરની આંટીથી સ્વાગત કર્યું અને કૂચ આગળ વધી.
ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની ( અરુણ ટુકડી) ભૂમિકા
ગાંધીજીએ પોતાની ઐતિહાસિક દાંડીકૂચ શરૂ કરી તે પહેલા પૂર્વ તૈયારી માટે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની દસ દસની બે ટૂકડીઓ બનાવી હતી. જેનું નામ અરુણ ટૂકડી રાખવામાં આવ્યું હતું.

દાંડીકૂચની લડત અંગેની જરૂરી પૂર્વ તૈયારીમાં એક મહત્વનું અંગ 'અરુણ ટૂકડી હતી. લડતમાં જોડાવા થનગનતા હોવા છતાં તેમાં સમાવેશ ન થઇ શક્યો હોય તેવાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના વિદ્યાર્થીઓની અરુણ ટૂકડી બની હતી. ગુલામ રસૂલ કુરેશી અરુણ ટુકડીના આગેવાન હતો. અરુણ ટુકડીએ મુખ્યત્વે બે કામ કરવાનોહતો

(1) દાંડીયાત્રા જે ગામે પહોંચે તે પહેલા તેમણે ત્યાં પહોંચી જઈને યાત્રીઓના ઉતારા, ભોજન, ગ્રામસફાઈવગેરે સુવિધાઓનું આયોજન કરવું.

(2) યાત્રાના માર્ગમાં આવતાં ગામોનો સરવે તપાસ કરવી. જેમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કે ગામની વસ્તી, વિવિધ કોમ, સ્ત્રી-પુરુષ- બાળકોની સંખ્યા
- ગામમાં ચાલતા રેંટિયાની સંખ્યા
કે ગામમાં ભણતાં છોકરા-છોકરીઓની સંખ્યા
- ખાદીનું વેચાણ
ખાદીધારીઓની સંખ્યા
- ગામનું જમીન મહેસુલ અને તેનો દર
, ગૌચરનો વિસ્તાર, ગામમાં ગાય- ભેંસની સંખ્યા
કે ગામમાં વ્યસનનું પ્રમાણ
અસ્પૃશ્યો માટે શિક્ષણ તથા અન્ય સુવિધાઓ
આમ, અરુણ ટૂકડી દ્વારા એકઠી કરવામાં આવેલી માહિતી ગાંધીજીને યાત્રા દરમિયાન રોજિંદા પ્રવચનમાં ખૂબ ઉપયોગી નીવડી હતી.

આ ઉપરાંત દોડીકૂચ દરમિયાન આસપાસના પ્રદેશમાં જાગૃતિ લાવવા સારું ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો અને વિદ્યાર્થીઓની છ ટૂકડીઓ ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં ફેલાઈ હતી. દાંડીકૂચ પૂર્ણ થયા પછી 09 વિદ્યાર્થીઓ ગાંધીજીની ટૂકડીમાં ભળી ગયા હતાં બાકીના જુદા-જુદા કેન્દ્રો સાચવવા નિમાયા હતાં. કુલ 42 અધ્યાપકો તથા અન્ય સેવકોમાંથી 28 એ લડતમાં પ્રત્યક્ષ ભાગ લીધો હતો અને તેમાંથી 18ને જેલ પણ મળી હતી.

આ પણ વાંચો :  દાંડીયાત્રા : આઝાદીના 75 વર્ષની ઊજવણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કૂલ કોલેજોને શું આપી સલાહ?

દાંડીકૂચની લડતમો ગૂજરાત વિદ્યાપીઠના અન્ય અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ લડતમાં જોડાયા ન હતા તેમ છતાં તેમની સેવા પણ ઓછી ન હતી, તેઓ ખાદીકામ અને બીજા અન્ય કામ વ્યવસ્થિત અને સંગઠિત કરવાના કામમાં રોકાયેલા હતાં કુલ 65 વિદ્યાર્થીઓ લડતમાં જોડાયા હતાં અને તેમાંથી 43ને જેલવાસ મળ્યો હતો જેલમાં ગયેલા અને બહાર રહેલાને પોલીસનો માર પણ ખાવો પડ્યો હતો. ધરાસણાની લડતમાં પણ વિદ્યાપીઠની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને જેલ પણ ભોગવી હતી. ઈ.સ. 1931માં વિદ્યાપીઠના 71શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગામડામાં જઈને રચનાત્મક કામો કરતા હતા.

દાંડીકૂચમાં જોડાયેલ ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો

દાંડીકૂચમાં ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકોએ ખુબજ મહત્વની ભૂમિકા અદા કરી હતી. જેની વાત આપ સમક્ષ અગાઉ મુકવામાં આવેલ છે. દાંડીકૂચમાં મહાત્મા ગાંધીજી 79 દાંડીયાત્રીઓને પસંદ કર્યા હતા જેમાંથી 06 દાંડીયાત્રીઓ ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો હતા. જેના નામ આપ સમક્ષ મુકેલ છે.
1, પંડિત નારાયણ મોરેશ્વર ખરે ગૂજરાત વિદ્યાપીઠમાં સંગીત શિક્ષક
2. ગણપતરાવ ગૌડશે. ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક અને શિક્ષક
3. વાલજીભાઈ ગોવિંદજી દેસાઈ. ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક
4. શિવાભાઈ ગોકળભાઈ પટેલ. ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક
5. સુમંગલપ્રકાશજી. ગુજરાત વિદ્યાપીઠના હિન્દીના અધ્યાપક
6. શંકરલાલ ઇશ્વરભાઈ પટેલ, આર્ચાય, ગુજરાત કુમાર વિનય મંદિર, ગૂજરાત વિદ્યાપીઠ

આ પણ વાંચો : રાજકોટ : કૉંગ્રેસના મહિલા કાર્યકર અને તેના પતિને દારૂ સપ્લાય કરવો ભારે પડ્યો! આધેડની ધરપકડ

દાંડીકૂચની લડતમાં ગૂજરાત વિદ્યાપીઠનો અનન્ય ફાળો રહ્યો અને ગુજરાતના જાહેરજીવનના દરેક અંગમાં પોતાનું ખમીર બતાવ્યું. આજે ગુજરાત અને ગુજરાત બહાર પ્રજાસેવાના દરેક ક્ષેત્રમાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ કાર્યરત છે. ગુજરાત વિદ્યાપીઠનો પ્રત્યક્ષ શિક્ષણનો પ્રયોગ પ્રજા ઘડતરમાં ઉપયોગી રહ્યો છે. ઈ.સ. 1936માં ગાંધીજીએ ગુજરાતની સાહિત્ય પરિષદમાં જાહેર કર્યું હતું તે મુજબ વિદ્યાપીઠ ભૂતકાળમાં થઇ, વર્તમાનમાં ચાલે છે અને ભવિષ્યમાં ચાલવાની છે, વિદ્યાપીઠમાં રૂપૅતર થયા છે અને થયા કરશે." આમ, સા વિદ્યા યા વિમુક્તયે પોતાના ધ્યેય મંત્રને વફાદાર રહીને પ્રજાની સવગી મુક્તિ સાધવાના કાર્યમાં ફાળો આપ્યો છે, અને ભવિષ્યમાં પણ આપશે.
Published by:Jay Mishra
First published:March 13, 2021, 07:58 am

ટૉપ ન્યૂઝ