ગાંધીનગર : કેન્દ્ર સરકારે કોરોનાના સંક્રમણ (Coronavirus)ને અટકાવવા માટે લૉકડાઉન 4.0 (Lockdown 4.0)ની જાહેરાત કરી છે. આ સાથે જ કેન્દ્ર સરકારે જે તે રાજ્યને પણ એવો પાવર આપ્યો છે કે તેઓ તેમના રાજ્યમાં શું ખોલવું અને શું નહીં તેનો નિર્ણય લે. જોકે, કેન્દ્ર સરકારે (Central Government) જ વસ્તુઓ ખોલવાની મનાઇ ફરમાવી છે તે તમામ રાજ્યમાં બંધ જ રહેશે. ગુજરાત (Gujarat Lockdown)માં 19મી મેના રોજથી લૉકડાઉન 4.0 લાગૂ થશે. આ દરમિયાન રાજ્યમાં અનેક છૂટછાટ મળી શકે છે. આ દરમિયાન સૂત્રોના હવાલેથી એવા સમાચાર મળ્યા છે કે રાજ્યમાં અમદાવાદ અને સુરતને બાદ કરતા અન્ય શહેરમાં પાન અને માવાની દુકાનો ખોલવાની મંજૂરી મળી શકે છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવી શકે છે. બીજી તરફ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ સુરતમાંથી અન્ય જિલ્લામાં જવા માટે મોટી જાહેરાત કરી છે.
સુરતથી અન્ય જિલ્લામાં જવા માટે મોટી જાહેરાત
બીજી તરફ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કુમાર કાનાણીએ મોટી જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા મારફતે એવી જાહેરાત કરી છે કે જે લોકો સુરતમાંથી અન્ય જિલ્લામાં બસ મારફતે જવા માંગે છે તેઓ 20મી મે સુધી બુકિંગ કરાવી શકશે. લોકો ગ્રુપ બુકિંગ કરાવી શકશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. મંત્રીના ટ્વિટ પ્રમાણે 18, 19 અને 20 મે એટલે કે ત્રણ દિવસ સુધી જ બુકિંગ થવાનું હોવાથી લોકો ફટાફટ ગ્રુપ બુકિંગ કરાવી લે.
આ પણ વાંચો : અમદાવાદમાં હેલ્થકાર્ડ લેવા માટે રાતથી જ લાઇનો લાગી, લોકો ગાદલા-ગોદડા લઇને ગોઠવાઈ ગયા
એસટી બસ શરૂ થશે
રવિવારે રાત્રે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સંબોધન કરતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કેન્ટેન્મેન્ટ સિવાય અન્ય વિસ્તારોમાં અનેક છૂટછાટ આપવામાં આવશે. જોકે, આ તમામ છૂટછાટ શરતી હશે. કન્ટેન્મેન્ટ સિવાયના વિસ્તારોમાં કેટલી છૂટછાટ આપવી અને કયા વિસ્તારોને કન્ટેન્મેન્ટ વિસ્તાર ગણવા તે મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જિલ્લાના કલેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન ન હોય તે વિસ્તારોમાં એસ.ટી. બસ ચલાવવાની મંજૂરી મળી શકે છે. જોકે, આ બસો ફક્ત સવારના સાતથી રાતના સાત વાગ્યા સુધી જ ચલાવવામાં આવશે. આ ઉપરાંત બસમાં મુસાફરોની સંખ્યા 50 ટકા સુધી જ રાખી શકાશે.
રાજ્યમાં બીજી શું છૂટછાટ મળી શકે?
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સુરત અને અમદાવાદના બાદ કરતા અન્ય શહેરમાં પાન-માવા અને ચાની કીટલીઓ ખોલવાની મંજૂરી મળી શકે છે. આ ઉપરાંત મુખ્યમંત્રીની જાહેરાત પ્રમાણે ખાનગી બાઇક, રીક્ષાને પણ શરતોની સાથે છૂટછાટ મળી શકે છે. આ સાથે જ આખા રાજ્યમાં જાહેરમાં થૂંકવા પર અને માસ્ક ન પહેરવા પર 200 રૂપિયાનો દંડ લેવામાં આવશે.
આ પણ વાંચો :સુરત : પરપ્રાંતીયોને અપાતી ટિકિટમાં કૌભાંડ? 30 લોકો 2019ના વર્ષની ટિકિટ સાથે ઝડપાયા
કેન્દ્રસરકારના ગાઇડલાઇન પ્રમાણે શું વસ્તુ નહીં ખોલી શકાય?
કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે લૉકડાઉન 4.0 દરમિયાન સ્કૂલ, કૉલેજો, મેટ્રો, વિમાની સેવા, શૉપિંગ મૉલ, સિનેમાહૉલને ખોલી નહીં શકાય. આ ઉપરાત સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી આખા દેશમાં કર્ફ્યૂ રહેશે.
આરોગ્ય મંત્રીની જાહેરાત