અમદાવાદ: રાજ્યમાં આવતીકાલે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (Non-secretariat clerk Exam) યોજાવાની છે. રાજ્યના 32 જિલ્લામાં 3243 કેન્દ્રો પર બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા યોજાશે. 10 લાખ 45 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી (CCTV) મોનીટરીંગ કરાશે. પરીક્ષા કેન્દ્ર મોબાઈલ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવાર કે નિરીક્ષકો મોબાઈલ (Mobile) રાખી નહિ શકે તેવી ફુલપ્રુફ વ્યવસ્થા પરીક્ષા તંત્ર દ્વારા કરવામાં આવી છે. બીજીતરફ ત્રણ ત્રણ વર્ષથી તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો હવે ઝડપથી રિઝલ્ટ જાહેર કરી નોકરી માટે નિમણૂક આપે તેવી આશા સેવી રહ્યા છે.
ગત 13 ફેબ્રુઆરીએ લેવાનારી સરકારી બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા જેને રદ કરવામાં આવી હતી તે હવે આવતીકાલએ યોજાશે. 3 હજારથી વધુ જગ્યાઓ માટે આ પરીક્ષા યોજાવા જઇ રહી છે ત્યારે પરીક્ષાને લઈ કોઈ કચાશ ન રહી જાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. પાછલા કેટલાક મહિનાઓમાં પેપર ફુટવાની ઘટનાઓ, સોશિયલ મીડિયામાં ફરતું થવાની ઘટનાઓને લઈ ભારે વિવાદ થઈ ચૂક્યો છે.
તેવામાં હવે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે જેને લઈ કોઈ ખામી ન રહે તે માટે ફુલપ્રુફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ અંગે ઉમેદવારઓ જણાવે છે કે સરકાર હવે ઝડપથી રિઝલ્ટ જાહેર કરી નોકરી માટે નિમણૂક આપે તેવી માંગ છે. વર્ષ 2018માં ભરતી માટે ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ 2019માં પરીક્ષા યોજાઈ હતી પણ પેપરલીકની ઘટનાને કારણે પરીક્ષા રદ થઈ હતી.
છેલ્લા 3 વર્ષમાં 3 વાર પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે. પહેલીવાર પેપર ફૂટવાને કારણે પરીક્ષા રદ્દ કરાઈ હતી. ત્યારબાદ પરીક્ષા અંગે લાયકાતમાં ફેરબદલ કરવાના નિર્ણયને લઈ વિરોધ થતા પરીક્ષા રદ્દ થઈ હતી. ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ બદલાતા પરીક્ષા મોકૂફ રહી હતી. લાંબા સમયથી પરીક્ષાનો રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓએ આ વખતે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાય એવી આશા છે.
ઉમેદવારોએ કહ્યું કે લાંબા સમયથી તૈયારીઓ કરીએ છે, માનસિક પરિસ્થિતિ પર તેની નકારાત્મક અસર થઈ રહી છે. પરિવારમાં બધાને આશા હોય છે કે તૈયારી કરી રહ્યા છે, તો નોકરી મળશે પરંતુ પેપર ફૂટે છે એટલે નોકરીની માત્ર જાહેરાત બાદ તમામ પ્રક્રિયા અટકી પડે છે. અમે અમારા ગામડાઓ છોડી શહેરમાં રહીને સરકારી ભરતી માટે પ્રયાસો કરીએ છીએ. લાયબ્રેરીમાં વાંચવા આવીએ, શહેરોમાં રહીને અભ્યાસ કરીએ છીએ, શહેરોમાં પીજી તરીકે રહેવું પડે છે.
દર મહિને અમારો 20,000 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. આ ખર્ચ અમારે અને પરિવારે લાંબા સમયથી ભોગવવો પડી થયો છે. આખરે પરિવાર પણ અમને સરકારી નોકરીઓની તૈયારી છોડી કોઈપણ નોકરી કરવાની ફરજ પાડે છે.વર્ષોથી તૈયારી કરીએ પણ ભરતી પ્રક્રિયા જુદા જુદા કારણોસર પૂરી થતી નથી એટલે સમય વીતતો જાય છે પણ પરિવારના સ્વપ્ન પૂરા થતા જ નથી.