અમદાવાદ : હાલ ગુજરાત (Gujarat)જ નહીં પરંતુ દેશ ભરમાં રસ્તા પર ફરતા ઢોરને (Cattle)લઈ વાહન ચાલકો હોય કે રસ્તા ઉપર ચાલતા લોકો તે તમામ પરેશાન છે. કારણ કે રોડ ઉપર ફરતા ઢોરના કારણે અનેક અકસ્માત (Accident)થાય છે અને અનેક લોકોને ઇજાઓ થઈ રહી છે. કેટલાક કિસ્સામાં મોત પણ થાય છે. જો ઢોર પકડવાની ટીમ લાંચ (Bribe) લેવાનું ચાલુ રાખશે તો કઈ રીતે લોકોને આ તકલીફમાં થી રાહત મળશે. ACB ને આવી જ એક ફરિયાદ મળી હતી કે ઢોર પકડવાની ટીમમાંથી એક મજૂર ફરિયાદીને હપ્તા માટે હેરાન કરી રહ્યો છે.
જેથી ACB એ ટ્રેપ (ACB Trap)ગોઠવીને આરોપી સત્તારભાઇ દાઉદભાઇ સૈયદ (ઢોર પકડનાર મજૂર, વર્ગ -4 ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન C.N.C.D વિભાગ અમદાવાદ) ની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે આરોપીએ 2300 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
ઘટનાની વાત કરીએ તો ફરિયાદી પશુપાલનનો ઘંઘો કરતા હોઇ અને આરોપી ઢોર પકડવાની ગાડીમાં ફરજ બજાવતા હોઇ ફરીયાદીનાં ઢોર નહી પકડવા માટે દર મહીને 2300 રૂપિયાનો હપ્તો માંગતા હતા. જો ના આપે તો ખોટી રીતે ફરિયાદીના ઢોર પુરી દઇ હેરાન પરેશાન કરતાં હતા. જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતાં એસીબીએ ફરિયાદના આધારે આજે લાંચના છટકાનું આયોજન ગોઠવ્યું હતું.
છટકા દરમિયાન આરોપીએ પંચ-1 ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગી હતી અને લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયા છે. ઉપરોકત આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા એક પીઆઈ પણ આવી જ રીતે લાંચ લેતા પકડાઈ ગયા હતા.
થોડા દિવસો પહેલા Acb એ આણંદમાં નાયબ મામલતદાર દિગ્વિજયસિંહ બચુભા જાડેજા ( મામલતદાર કચેરી, આંકલાવ) ની 1500 રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી હતી. ઘટનાની વાત કરીએ તો આ કામના ફરીયાદીની વડીલોપાર્જિત જમીનમાં નામો કમી કરવા માટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે 10,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે પછી રકઝકના અંતે તેઓએ 4000 રૂપિયા વ્યવહાર પેટેના નક્કી કરેલા અને હાલ જેટલા હોય તેટલા આપી દેવા જણાવ્યું હતું. ફરિયાદીએ તે સમયે 2000 રૂપિયા આરોપીને આપ્યા હતા અને બાકીના 2000 રૂપિયા પછી આપી જવા કહ્યું હતું. ત્યારે એસીબીએ ધરપકડ કરી હતી.