અમદાવાદ: એક તરફ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) અમલમાં છે તો બીજી તરફ કેટલીક ઘટનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે અસામાજિક તત્વોને જાણે પોલીસ (Ahmedabad Police)નો કોઇ ડર જ રહ્યો નથી. આવા અસામાજીક તત્વો નાઇટ કર્ફ્યૂની ઐસીતૈસી કરીને પોતે નક્કી કરેલા મનસૂબા પાર પડતા હોય તેવું લાગે છે. કેટલાક દિવસ અગાઉ ઈસનપુરમાં કેટલાક અસામાજીક તત્વોએ વાહનોમાં આગચંપી કરી આતંક મચાવ્યો હતો. હવે રામોલમાં પણ આઠેક જેટલા શખ્સોએ હાથમાં તલવાર અને ડંડા જેવા હથિયારો સાથે આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી છે.
રામરાજ્ય નગરમાં રહેતા નરેશ બડગુજર નામના વ્યક્તિએ રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે આઠમી ડિસેમ્બરની મોડી રાત્રે તેઓની ચાલીમાં બાઈક ઉપર આઠેક જેટલા શખ્સો આવ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. ઘરની બહાર બૂમાબૂમ અને અવાજ સાંભળીને ફરિયાદીએ ઘરની બહાર આવીને જોયું તો આ સામાજિક તત્વો વાહનોમાં તોડફોડ કરી રહ્યા હતા.
આ પણ વાંચો:
આ તોફાનીઓમાંથી રાજ રાજપૂત નામના યુવાનને તેઓ ઓળખતા હોવાથી તેને કહ્યું હતું કે, તું ગાડીઓમાં તોડફોડ કેમ કરે છે? જેથી તેની સાથે રહેલા કેટલાક શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને ધમકી આપી હતી કે, "તારે જીવતું રહેવું હોય તો ઘરમાં જતો રહે, નહીં તો અહીંયા જ ખેલ ખતમ કરી દઈશ." જે બાદમાં ફરિયાદીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. લોકોને જોઈને અસામાજિક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આરોપીઓએ ફરિયાદીના બે વાહનો અને એક બોલેરો પિકઅપ વાનમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:December 10, 2020, 11:11 am