અમદાવાદમાં હાથીજણ DPS જેવી કેટલી શાળાઓ ચાલે છે? ખાનગી રાહે તપાસ શરુ


Updated: December 11, 2019, 7:51 AM IST
અમદાવાદમાં હાથીજણ DPS જેવી કેટલી શાળાઓ ચાલે છે? ખાનગી રાહે તપાસ શરુ
ડીપીએસ પૂર્વ

નિત્યાનંદને આશ્રમ આપવાની લ્હાયમાં વિવાદમાં આવેલી ડીપીએસ સ્કૂલના એક પછી એક ભોપાળા બહાર આવ્યાં છે.

  • Share this:
અમદાવાદ : શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી ડીપીએસ સ્કૂલે દસ વર્ષથી શિક્ષણ વિભાગની એનઓસી વગર સ્કૂલ ચલાવી સરકાર સાથે છેતરપિંડી આચરી છે. સ્કૂલના આ કાંડનો ભોગ 800 બાળકોએ બનવું પડ્યું છે. ત્યારે શહેરની અન્ય સીબીએસઈ શાળાઓ પાસે રાજ્ય સરકાર પાસેથી મેળવવાના રહેતા તમામ પુરાવા છે કે નહીં તેની ખાનગી રાહે તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં ડીપીએસ જેવી અન્ય કેટલી શાળાઓ છે, જેની પાસે સરકાર પાસે લેવી પડતી એનઓસી જ નથી તે દિશામાં યાદી બનાવી રિપોર્ટ તૈયાર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નિત્યાનંદને આશ્રમ આપવાની લ્હાયમાં વિવાદમાં આવેલી ડીપીએસ સ્કૂલના એક પછી એક ભોપાળા બહાર આવ્યાં છે. જેમાં શિક્ષણ વિભાગની જાણ બહાર અને સરકારના નાક નીચે ડીપીએસ સ્કૂલએ એનઓસી વગર સીબીએસઈ સ્કૂલની માન્યતા પણ મેળવી લીધી હતી, એટલું જ નહીં 10 વર્ષ સુધી સ્કૂલ પણ ચાલી હતી.

એક વિગત એવી પણ છે કે હાથીજણ ડીપીએસ સ્કૂલમાં ઇલેક્ટ્રિક કનેકશન જ ન હતું. આ સ્કૂલ જનરેટર પર ચાલતી હતી, આમ છતાં શિક્ષણ વિભાગના અધિકારીઓને જાણ કેમ ન થઈ તે એક સૌથી મોટો સવાલ છે. સ્કૂલ ગેરરીતિ આચરતી ગઈ અને શિક્ષણ વિભાગ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ ઊંઘતા રહ્યાં હતા.

ફાઇલ તસવીર : ડીપીએસની માન્યતા રદ થયા બાદ વિરોધમાં બાળકો પણ જોડાયા હતા.


જો સ્વામી નિત્યાનંદ આશ્રમનો વિવાદ સામે આવ્યો ન હોત તો કદાચ ડીપીએસની ગેરરીતિ પણ સામે ન આવી હોત. જોકે, શિક્ષણ વિભાગના અધિકારીઓએ હવે જાગ્યા ત્યારથી સવાર માનીને કાર્યવાહી શરુ કરી દીધી છે. સાથે સાથે દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે તેવી હાલત શિક્ષણ વિભાગની છે. જને લઈને શહેરની અન્ય સીબીએસઈ શાળાઓની વિગતો પણ શિક્ષણ વિભાગ એકત્રિત કરી રહ્યું છે. આ સાથે રાજ્ય સરકાર પાસેથી લેવી પડતી એનઓસી, ફાયર એનઓસી સહિત અલગ અલગ માન્યતા છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. જેની એક યાદી બનાવી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

જોકે, હવે શિક્ષણ વિભાગનું મુખ્ય કાર્ય 31 માર્ચ 2020 સુધી ડીપીએસ સ્કૂલ ચલાવવી અને સૌથી મોટો માથાનો દુખાવો એ છે કે સ્કૂલના 800થી વધુ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં પ્રવેશ અપાવવો. આ 800 બાળકોને કેવી રીતે પ્રવેશ આપી શકાય અને જો વાલીઓ સીબીએસઈ બોર્ડ વાળી સ્કૂલમાં પ્રવેશ ઈચ્છતા હોય તો સીબીએસઈ બોર્ડની મંજૂરી મેળવી આસપાસની સ્કૂલોમાં વધારાના વર્ગો શરુ કરીને તેમાં બાળકોને પ્રવેશ અપાવવાની દિશામાં પણ કામગીરી શરુ કરવામાં આવી છે.
DPS હાથીજણ સ્કૂલ


મહત્વનુ છે કે 31 માર્ચ પછી હાથીજણની ડીપીએસ સ્કૂલ બંધ થશે. જેના પગલે આ સ્કૂલમાં ભણતા 800થી વધુ વિદ્યાર્થીઓએ અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવો પડશે. સાથે સાથે આ સ્કૂલમાં આરટીઈ હેઠળ અભ્યાસ કરતા બાળકોને પણ અન્ય સ્કૂલમાં પ્રવેશ અપાવવો પડશે. આટલું જ નહીં ડીપીએસ સ્કૂલે એડવાન્સ ફી લઈને એડવાન્સમાં નવા સત્ર માટે બાળકોના એડમિશન કર્યા હશે તો તે ફી પણ પરત આપવી પડશે.
First published: December 11, 2019
વધુ વાંચો
अगली ख़बर