હર્ષદ, કેતન, જતીન, નીરવ અને વિક્રમ : "અમે સૌ એક ડાળના પંખી" !

News18 Gujarati
Updated: February 20, 2018, 7:49 PM IST
હર્ષદ, કેતન, જતીન, નીરવ અને વિક્રમ :
ગુજરાતી અને ગોટાળાઓનો બહુ જૂનો નાતો છે. કૈંકનું કરી ગયા, શેરબજારથી માંડી માધવપુરા અને ‘મોદી બ્રાન્ડ’ હીરાથી માંડી 'લિખતે લિખતે લવ હો જાયે સુધી....!’

ગુજરાતી અને ગોટાળાઓનો બહુ જૂનો નાતો છે. કૈંકનું કરી ગયા, શેરબજારથી માંડી માધવપુરા અને ‘મોદી બ્રાન્ડ’ હીરાથી માંડી 'લિખતે લિખતે લવ હો જાયે સુધી....!’

  • Share this:
સંજય કચોટ, અમદાવાદ:

ગુજરાતી હોય ત્યાં ધંધો હોય અને ધંધો હોય ત્યાં વાત નફાની હોય એ બાબત સ્વાભાવિક છે. ગુજ્જુભાઈઓની ફિતરત છે કે તે કોઈ પણ ભોગે ધંધો કરી લે. મહેનત અને બુદ્ધિમત્તાથી અર્થોપાર્જન કરવું જરૂરી છે; પરંતુ છેલ્લા કેટલાક સમયથી "કોઈકનું કરી જઈ" ટૂંકા રસ્તેથી ઓછા સમયમાં માલદાર બની જવાની જે માનસિકતા બળવત્તર થઇ છે તે ગુજરાતની "અસ્મિતા"ને "અશ્મિ"માં ફેરવી નાંખશે !

1991થી લઈને આજપર્યંત થયેલા કરોડો રૂપિયાના નાણાંકીય ગેરરીતિના કૌભાંડોમાં ગુજરાતીઓ શિરમોર છે. કેટલાક ગુજરાતીઓ સાધેલા આ ખાસ પ્રકારના 'વિકાસ"ની ગાથા અહીં ટૂંકમાં રજૂ કરી છે :

હર્ષદ મહેતા અને સિક્યુરિટી સ્કેમ :

શેરદલાલ અને રાજકોટના મોટી પાનેલીમાં જન્મેલા હર્ષદ મહેતા ક્યા ગુજરાતીને યાદ નહિ હોય?  1992માં ‘બોમ્બે સ્ટોક એક્સચેન્જ’ સાથે ઠગાઈ કરી. સ્ટોકસ સાથે ગેરરીતિ કરી રૂ.4999 કરોડનું કૌભાંડ કરી જનારા હર્ષદ મહેતા સામે 27 ગુના દાખલ થયેલા. ભાઈ પછી તો ભાંગી પડેલા. બોમ્બે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતે તેમને ગુનેગાર ઠેરવેલાં.47 વર્ષના મહેતા ઉપર તે હ્રદયરોગથી મૃત્યુ પામ્યા ત્યાં સુધી એટલે કે 2001 સુધી કેસ ચાલતા રહ્યા. હર્ષદ મહેતાના મામલાના કારણે  ભારતીય બેન્ક પ્રણાલી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ચાલતી પોલંપોલ ખુલી પડી ગયેલી.

કેતન પારેખ (કેપી) અને માધવપુરા બેન્ક કૌભાંડ : કેતન પારેખ માટે તો હજુ પણ કહી શકાય કે : "ટાઇગર અભી ઝિંદા હૈ!" સ્ટોક માર્કેટનો ખાં, વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા આ ભાઈના હાથમાં આજે પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જની 'માસ્ટર કી" છે એ બાબત કોઈ નકારી શકે તેમ નથી. હર્ષદ મહેતાના રસ્તે કેતન પારેખ ઉર્ફે કેપીએ પણ સ્ટોક માર્કેટમાં "કે-10" કંપનીઓનું કાર્ટેલ રચીને કેટલાયને નવડાવી નાખ્યા। કેપીનું કૌભાંડ 1998 થી 2001 સુધી ચાલ્યું. તેને ઘણી બેંકોનું કરી નાખ્યું. બેંકો માટે "લિક્વિડિટર" જેવો શબ્દ કેપીએ પ્રચલિત કર્યો. કેતન પારેખે એક અંદાજ મુજબ કોર્પોરેટ ક્ષેત્રનું રૂ.1237 કરોડ, માધવપુરા કો-ઓપરેટીવ બેન્કનું રૂ.888 કરોડ અને ગ્લોબલ ટ્રસ્ટ બેન્કનું રૂ.266 કરોડનું કરી નાખેલું. બિનસત્તાવાર આંકડાઓ જુદા ! કેપીની કળા પારખી ગયેલી "સ્ટોક એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા" (સેબી)એ તેને 2017 સુધી માર્કેટમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જો કે, માર્કેટને જાણનારા જાણે છે કે, કેપી અમદાવાદમાં ક્યાં રહેતા હતા અને કથિત પ્રતિબંધ વખતે પણ માર્કેટ કેવી રીતે ચલાવતા હતા ! હવે તો 2018 આવી ગયું છે, એટલે કેતન પારેખ "કાયદેસર કળા" કરવા મુક્ત છે. બેન્કરો, સરકાર તૈયાર રહેજો. નાના રોકાણકારો ચેતે, જો કે મોટા માથા અને ખાસ કરીને ગુજરાતના અગ્રણી કહી શકાય એવા રાજકારણીઓ તો કેપીની ટિપ્સ પર જ માર્કેટમાં ખેલ માંડે છે. હવે સુચેતા દલાલ જેવા બીજા પત્રકારની રાહ જોઈએ...

નીરવ મોદી એન્ડ મેહુલ ચોક્સીનું પીએનબી કૌભાંડ :

ભારતીય બેન્ક પ્રણાલિકાનું સૌથી મોટું અને ઐતિહાસિક કહી શકાય તેવું કૌભાંડ એટલે નીરવ મોદીનું "પંજાબ નેશનલ બેંક"નું રૂ. 11,300 કરોડનું કૌભાંડ। આ કાર્યમાં તેમના કાકા મેહુલ ચોક્સી , પતિ અમી અને ભાઈ નીશલ મોદી પણ શામેલ છે. પરંતુ કોઈ હાથમાં આવે તેમ નથી. લગભગ બધા વિદેશી નાગરિકો છે. ઉલટું, 'ચોર કોટવાલને દંડે" તેવો ઘાટ થયો છે : ભાઈ નિરવે કહી દીધું છે કે, આ કૌભાંડને કારણે તેમની શાખ અને ધંધાને નુકસાન થયું છે, એટલે કઈ નહિ મળે. (મુદ્દે , થાય તે કરી લેવું !)

જતીન મહેતા અને વિનસમ ડાયમંડ કૌભાંડ :

વિનસમ ડાયમંડ કંપનીના નામ પર અલગ-અલગ 14 બેંકોનું રૂ. 4617 કરોડનું કરી જનારા સુરતના વિનસમ ડાયમંડના જતીન મહેતા પોતાને "વિલફુલ ડિફોલ્ટર" જાહેર કરી, ખુદની કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામુ આપી વિદેશ જતા રહ્યા અને સરકાર હાથ ઘસતી રહી ગઈ. તેમને આ લોન્સ વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરી, ફોરએવર પ્રેસિયસ ડાયમંડ એન્ડ જ્વેલરી તથા સૂરજ ડાયમંડ માટે લીધી હતી. યાદ રહે, આ જતીનભાઈએ પણ નીરવ મોદીની જેમ જ "લેટર ઓફ ક્રેડિટ' દ્વારા જ બેન્કોને છેતરી હતી.

નિલેશ પારેખ અને 22.23 બિલિયનનું કૌભાંડ :

કલકતામાં રહેતા નિલેશ પારેખ નામના આ ગુજરાતી બાશીંદા અને 'શ્રી ગણેશ જ્વેલરી હાઉસ'ના પ્રોમોટરની સીબીઆઈએ મુંબઈ એરપોર્ટ પરથી 2017માં ધરપકડ કરી હતી. નિલેશ પારેખે 20 બેંકોનું રૂ. 22.23 બિલિયનનું કરી નાખેલું. નિલેશભાઈ બેંકો પાસેથી મળતી લોનની રકમને "શેલ કંપની"માં હોંગકોંગ, સિંગાપોર અને સાઉદી અરેબિયા ડાઇવર્ટ કરી દેતા. આ મામલે સીબીઆઈએ "બેંક ઓફ મહારાષ્ટ્ર', સુરત બ્રાન્ચના ઝોનલ ઓફિસરની તથા સુરતની જ એક લોજિસ્ટિક કંપની સામે ગુનો દાખલ કર્યો હતો.

 વિક્રમ કોઠારી અને રૂ.4000 કરોડનું કૌભાંડ :

મનસુખલાલ મહાદેવભાઈ કોઠારીના મોટા પુત્ર વિક્રમ કોઠારી, જે ઉત્તરપ્રદેશની કાનપુર સ્થિત 'રોટોમેક પેન" કંપનીના મલિક છે; તેમણે અલાહાબાદ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, ઓવેરસીસ બેન્ક, યુનિયન બેંક જેવી સંખ્યાબંધ બેંકોનું આશરે રૂ.4000 કરોડનું કરી નાખ્યું। વિક્રમ કોઠારીના ભાઈ દિપક કોઠારી જાણીતી માઉથ-રિફ્રેશનેર બ્રાન્ડ "પાન પરાગ"ના માલિક છે. કહેવાય છે કે, છેલ્લા સમાચાર મુજબ તેમને સીબીઆઈ પકડીને કોઈક અજ્ઞાત સ્થળે પૂછપરછ માટે લઇ ગઈ છે.

વિક્રમ કોઠારીએ તેમની દીકરી ગુજરાતના એક મસમોટા ઉદ્યોગગૃહના ભત્રીજા સાથે પરણાવેલી છે, તેવી જાણકારી પણ "ન્યૂઝ18 ગુજરાતી" ને પ્રાપ્ત થઇ છે.

 

આ મોટી માછલીઓ ઉપરાંત થોડા-થોડા કરોડોનું કરી જનારા તો ગુજરાતમાં ઘણા’ય છે : યાદ છે ને, અભય ગાંધી, અશોક જાડેજા, ઝહીર રાણા, અફરોઝ ફટ્ટા, ઈમ્તિયાઝ સઇદ, ભજિયાવાળા વગેરે, વગેરે…. હાંક્યે રાખો'ને મારા ભાઈ, 'અંધેર નગરીને…..,…….!"
First published: February 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading