અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ તેમની સાથે હાજર હતા. સાબરમતી આશ્રમથી વિદાય લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આશ્રમની વિઝિટર બૂકમાં સંદેશ લખીને પીએમ મોદીનો આભાર માન્યો હતો. સાબરમતી આશ્રમની વિઝિટર બૂકમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે, "મારા પરમ મિત્ર પ્રાઇમ મિનિસ્ટ મોદી, આ અદભૂત મુલાકાત બદલ તમારો આભાર."
આશ્રમની મુલાકાત દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધીજીની તસવીરને સુતરની આંટી ચઢાવી હતી. એટલું જ નહીં આ પ્રસંગે ડોનાલ્ડ ટ્રમ્પે ચરખા પર પણ હાથ અજમાવ્યો હતો. આશ્રમની મુલાકાત દરમિયાન પીએમ મોદી યુએસ પ્રમુખ અને ફર્સ્ટ લેડી મેલાનિયા માટે ગાઈડ બન્યા હતા.
ટ્રમ્પ ઉપરાંત તેમના દીકરી ઇવાન્કા ટ્રમ્પે પણ આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમ ખાતે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીએ ગાંધીજીના ત્રણ વાંદરાઓની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ ગાંધીજીના ત્રણેય વાંદરાઓ શું સંદેશ આપે છે તેના વિશે પ્રમુખ ટ્રમ્પને માહિતી આપી હતી.
અન્ય મહાનુભાવોએ આશ્રમની મુલાકાત દરમિયાન શું લખ્યું હતું?
ઈઝરાયેલના 9માં પ્રધાનમંત્રી 17 જાન્યુઆરી 2018ના રોજ અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા હતા તેઓએ પણ ગાંધી આશ્રમમાં હ્રદયકુંજ, ગાંધી કુટીર અને પ્રદર્શની નિહાલ્યું હતું અને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી સુતરની આંટી પહેરાવી અંજલી આપી હતી. તેઓએ ગાંધી આશ્રમની વિદાય લેતા પહેલા વિઝિટર બુકમાં લખ્યું હતું કે, માનવતાના પ્રેરણાસ્ત્રોત મહાત્મા ગાંધી આશ્રમની મુલાકાત પ્રેરણાદાયી રહી. -
બેન્ઝામીન નેતન્યાહૂ એન્ડ સારા નેતન્યાહૂ
જાપાનના 57માં પ્રાઈમ મિનિસ્ટ શિન્ઝો આબે 13 સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા હતા. તેઓએ તેમના ધર્મ પત્ની અકી આબે સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના આઝાદીની ચળવળના એ કાર્યોથી પ્રભાવિત થયા હતા. તેઓએ ગાંધી આશ્રમથી વિદાય લેતા પહેલા વિઝિટર બુકમાં જાપાની ભાષામાં લવ એન્ડ થેન્ક યૂ લખ્યું હતું.
- શિન્જો આબે
17 સપ્ટેમ્બર 2014માં ચીનના પ્રમુખ શી જીનપિંગ પણ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓએ અમદાવાદના રિવરફ્રન્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના શાંતિ અને અહીંસાના સંદેશથી પ્રભાવિત થયા હતા. તેઓએ વિઝિટર બુકમાં ચાઈનીઝ ભાષામાં પોતાના અનુભવો ટાંક્યા હતા.
-શી જીનપિંગ