અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી 8 ઓક્ટોબર 2020એ પ્રથમ તબક્કામાં બે હજાર ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવા સેતુનો શુભારંભ કરાવશે. ગ્રામીણ પ્રજાને રોજબરોજની સેવાઓ ઘરેબેઠા મળી રહે તે શુભ આશયથી શરુ થનારી આ ડિજિટલ ક્રાંતિનો લાભ અમદાવાદ જિલ્લાના 309 ગામડાઓને પણ થશે.
અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકાના 35, દસક્રોઈ તાલુકાના 50, દેત્રોજ-રામપુરા તાલુકાનું- 1, ધંધુકા તાલુકાના 29 , ધોલેરા તાલુકાના 16 , ધોળકા તાલુકાના 61, માંડલ તાલુકાના 31, સાણંદ તાલુકાના 52 અને વિરમગામ તાલુકાના 34 ગામડાઓને આ સેવાનો લાભ મળશે.
ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ જિલ્લાના મોરૈયા અને બગોદરાના ગ્રામજનો સાથે સંવાદ સાધશે. આ સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ કહ્યું કે, ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ ગામડા સુધી પહોંચતા નાગરિક-સુવિધામાં આમૂલ પરિવર્તન આવશે. તેમણે ઉમેર્યું કે, ડિજિટલ ક્રાંતિ થકી સુરાજ્યની સંકલ્પના સાકાર થઈ રહી છે.
ડિજિટલ સેવા સેતુમાં કઈ સેવાનો લાભ મળશે?
1. રેશનકાર્ડમાં નામ ઉમેરવું
2. રેશનકાર્ડમાંથી નામ કમી કરવું
3. રેશનકાર્ડમાં નામ બદલવું
4. નવું રેશનકાર્ડ કઢાવવું
5. ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવું
6. રેશનકાર્ડમાંથી નામ અલગ કરવું.
7. ડુપ્લીકેટ રેશનકાર્ડ
8. વિધવા સહાયનો દાખલો
9. ટેમ્પરરી રહેણાંકનું સર્ટીફિકેટ
10. આવકનો દાખલો
11. બિનઅનામત જ્ઞાતિનો દાખલો
12. સિનિયર સિટિઝન સર્ટીફિકેટ
13. ભાષાકીય લઘુમતીનું સર્ટીફિકેટ
14. ધાર્મિક લઘુમતીનું સર્ટીફિકેટ
15. વિમુક્ત-વિચરતી જ્ઞાતિનું સર્ટીફિકેટ
16. મુખ્યમંત્રી કૃષિ સહાય
17. વિધવા સહાય અંગેની એફિડેવીટ
18. રેશન કાર્ડ સંબંધિત એફિડેવીટ
19. જ્ઞાતિના સર્ટીફિકેટ અંગેની એફિડેવીટ
20. નામ બદલવા અંગેની એફિડેવીટ.
અમદાવાદ જિલ્લામાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની વિગતો આપતા જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ કહે છે કે, "આ સેવા ગ્રામ્ય સ્તરે ઉપ્લબ્ધ થવાથી નાગરિકોને તાલુકા સ્તર કે જિલ્લા સ્તર સુધી જવાનું કષ્ટ પણ નહીં વેઠવું પડે અને નાગરિક-સુવિધાઓ વધુ ઝડપી બનશે." તેમણે વધુ જાણકારી આપતા કહ્યું કે, આમ આ સુવિધાથી પ્રજાના શ્રમ, સમય અને નાણાંની બચત થશે, અને સરવાળે તેની સુખાકારીમાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે અત્યારના કોરોના સમયમાં લોકો ડિજિટલ પ્લેટ ફોર્મનો વધારે ઉપયોગ કરે છે ત્યારે ગુજરાત સરકાર સામાન્ય લોકોની જરૂરિયાની કેટલીક સેવાઓ જે ઓફિસોમાં જઈને પુરી કરી શકાય છે. તેવી સેવાઓને ડિજિટલ પ્લેટ ફોર્મ ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો છે. જેના પગલે સામાન્ય લોકોને ઓફિસોના ધક્કા ખાવાથી છૂટકારો મળશે. અને નાની નાની બાબતો લોકો ઘરે બેઠા જ કરી શકશે. ડિજિટલ સેવા સેતુના પગલે અત્યારે અમદાવાદ જિલ્લાના ગામડાઓને લાભ મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર