કરણી સેનાના લોકો ગુંડા ગર્દી પર ઉતરી આવ્યા? 20 લુખ્ખાઓએ મહિલાઓના કપડા ફાડી કરી મારામારી

કરણી સેનાના લોકો ગુંડા ગર્દી પર ઉતરી આવ્યા? 20 લુખ્ખાઓએ મહિલાઓના કપડા ફાડી કરી મારામારી
નરોડા પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો)

લોકો ભેગા થઈ જશે તેવો ડર પેસી જતા જ બાઉન્સરો ઉભી પૂંછડીયે ભાગ્યા હતા. નરોડા પોલીસે આ મામલે ભોજારામ ગુર્જર સહિત ત્રણની ધરપકડ કરી છે.

  • Share this:
અમદાવાદ: કરણી સેનાના નામે સોસાયટીના રહીશો પર હુમલો કરી છેડતી કરી હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં કરણીસેનાના અધ્યક્ષ તરીકે રાહુલસિંગ રાજપુતે ઓળખ આપી સોસાયટીમાં મારેલું લોક તોડી નાખ્યું હતું અને તેની સાથે આવેલા 20 જેટલા લુખ્ખા તત્વોએ સોસાયટીના કેટલાક સભ્યો સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જય કરણી સેનાના નામના નારા લગાવી મહિલાઓના કપડા ફાડી માર માર્યો હતો. જોકે લોકો ભેગા થઈ જશે તેવો ડર પેસી જતા જ બાઉન્સરો ઉભી પૂંછડીયે ભાગ્યા હતા. નરોડા પોલીસે આ મામલે ભોજારામ ગુર્જર સહિત ત્રણની ધરપકડ કરી છે. બીજી તરફ સોસાયટીના ત્રણ સભ્યો સામે પણ ક્રોસ ફરિયાદ નોંધાઇ છે.

નરોડાની શ્રી હરી સોસાયટીમાં મહેશભાઇ મનુભાઇ વ્યાસ પોતાના પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની સોસાયટીની બહાર આઠ દુકાનો આવી છે જેની ઉપર મકાનો બનાવવામાં આવેલ છે. મકાનોમાં જવા માટે સોસાયટીની અંદર મેઇન ગેટ પાસે ખોટી રીતે સીડી બનાવી દેવામાં આવી છે. પરંતુ સોસાયટીને તે નડતી ન હોવાથી કોઇએ તેનો વિરોધ કર્યો ન હતો. પરંતુ કોવિડ રોગચાળો ફાટી નિકળ્યો હોવાથી રાત્રીના સમયે કોઇ અવર જવર ન કરે તે માટે સોસાયટીના સભ્યોએ તે ગેટને લોક મારી દીધી છે. ગઇકાલે મહેશભાઇ નોકરી પર હાજર હતા ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, હું કરણી સેનાનો અધ્યક્ષ રાહુલસીંગ રાજપુત બોલું છું. તાત્કાલીક દુકાનો માટે રસ્તો ચાલુ કરી આપો. નહીં તો કરણી સેનાના માણસો આવી તમને તથા સોસાયટીના સભ્યોને મારીશું તેવી ધમકી આપી હતી.જોકે, ત્યારબાદ બપોરે ફરી રાહુલે મહેશભાઇને ફોન કરી જણાવ્યું હતું કે, મે સોસાયટીના ગેટનું લોક તોડી નાંખ્યું છે. સાંજે આવી રૂબરૂમાં તમારી ખબર લઉં છું, મહેશભાઇએ રાત્રે ઘરે જઇ સોસાયટીના સભ્યોને આ મામલે વાત કરી હતી. જેથી સોસાયટીના સભ્યો ભેગા થતા ત્યાં ભોજારામ ગુર્જરે પોલીસને ફોન કરી બોલાવી હતી. પરંતુ ત્યારબાદ સમાધાન થતા ગેટને ભોજારામે જ લોક મારી દીધુ હતુ.

ત્યારબાદ ભોજારામ, રાહુલસિંગ સહિતના લોકોએ બદલો લેવા કાવતરું રચ્યું હતું અને મોડી રાત્રે 20થી 25 લોકો કરણી સેનાનું નામ લઇ સોસાયટીમાં આવી ગયા હતા. જય કરણી સેના જય કરણી સેના કરી તેવી બુમો પાડી ગોળો બોલવા લાગ્યા હતા, તેથી લોક બહાર આવ્યા હતા. ત્યારે જ લુખ્ખા તત્વોએ ત્યાં હાજર મહિલાઓ પર હુમલો કરી તેમના કપડાં ફાડી કાઢ્યા હતા. બીજા લોકોએ ત્યાં હાજર પુરુષોને પકડી રાખ્યા હતા. જો કે, આ સમયે બુમાબુમ થતા વધુ સભ્યો ભેગા થઇ ગયા હતા. જેથી માર પડશે તેવા ડરથી જય કરણી સેના જય કરણી સેના તેમ બુમો પાડી તેઓ ભાગવા લાગ્યા હતા. તેમાંથી બે બાઇકચાલક સ્લીપ થઇ જતા પડી ગયા હતા.

આખો મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. જ્યાં સોસાયટીના સભ્યો ત્યાં પડેલા બાઇકલ લુખ્ખાઓના લઇ પહોંચ્યા હતા. આ મામલે ભોજારામ ગુર્જર, કીશન ગુર્જર, મનોજ ગુર્જર, રાહુલસીંગ રાજપુત, મોહીત સોની સહિતના 20થી 25 લોકો સામે ફરિયાદ થઇ હતી. આ મામલે પોલીસે ભોજારામ સહિત ત્રણ વ્યક્તિઓની તાત્કાલીક ધરપકડ કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:July 03, 2020, 22:30 pm

ટૉપ ન્યૂઝ