હાથમાં ઢોલ લઈને કોરોના અંગે જાગૃતિ ફેલાવનારા નરેશ કનોડિયા કોરોના સામે જ હારી ગયા!

હાથમાં ઢોલ લઈને કોરોના અંગે જાગૃતિ ફેલાવનારા નરેશ કનોડિયા કોરોના સામે જ હારી ગયા!
નરેશ કનોડિયા (ફાઇલ તસવીર)

ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો ત્યારે નરેશ કનોડિયાએ હાથમાં ઢોલ લઈને 'ભાગ કોરોના ભાગ...તારો બાપ ભગાડે' ગીત ગાયું હતું.

 • Share this:
  અમદાવાદ: કોરોના વાયરસે (Coronavirus) દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે દેશ-દુનિયામાં અનેક લોકોનાં નિધન થયા છે. તેમાં અનેક જાણીતી વ્યક્તિઓ પણ સામેલ છે. ગુજરાતના ખૂબ જ જાણીતા અભિનેતા નરેશ કનોડિયા (Naresh Kanodia)નું આજે (27 ઓક્ટોબર, 2020) સવારે કોરોનાને કારને નિધન થયું છે. તેઓ યુ.એન. મહેતા હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ્યારે કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો ત્યારે નરેશ કનોડિયાએ હાથમાં ઢોલ લઈને પોતાની જ એક જૂની ફિલ્મના 'જાગ રે માલણ જાગ' ગીતના શબ્દોમાં થોડો ફેરફાર કરીને કોરોના ગીત બનાવ્યું હતું. આ ગીતના શબ્દો હતા, "ભાગ કોરોના ભાગ, ભાગ રે તારો બાપ ભગાડે ભાગ કોરોના ભાગ." કુદરતને જે મંજૂર હોય તેમ હાથમાં ઢોલ લઈને ગુજરાતમાંથી કોરોનાને ભાગી જવાનું કહેનારા અભિનેતા ખુદ આ બીમારીમાં સપડાયા હતા અને તેમનું દુઃખદ અવસાન થયું છે.

  રામ-લક્ષ્મણની દુનિયાને અલવિદા  ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નરેશ અને મહેશની જોડીને રામ-લક્ષ્મણની જોડી ગણવામાં આવતી હતી. આને સંયોગ કહો કે બીજું કંઈ પરંતુ મોટાભાઈ મહેશ કોનોડિયાના નિધનના 48 કલાકમાં જ નાનાભાઈ નરેશ કનોડિયાનું નિધન થયું છે. બંનેની જોડીએ દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમ આપ્યાં છે. મહેશ કનોડિયા ઘણા લાંબા સમયથી બીમાર હતા. મહેશ અને નરેશ કનોડિયાની જોડીએ આજીવન સાથે જ કામ કર્યું છે અને સંયોગ એવો થયો કે બંનેનું નિધન પણ સાથે થયું છે.  નરેશ કનોડિયાની સફળ ફિલ્મો

  નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં 50 વર્ષથી વધુ સુધી કામ કર્યું છે. અંદાજ પ્રમાણે તેમણે 125થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. 'હિરણને કાંઠે', 'મેરૂ માલણ', 'ઢોલામારુ', 'મોતી વેરાણા ચોકમાં', 'વણઝારી વાવ', 'તમે રે ચંપો ને અમે કેળ', 'જોડે રહેજો રાજ' વગેરે ફિલ્મોમાં લોકો તેમનો અભિયન ક્યારેય નહીં ભૂલે.

  સીએમ રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

  નરેશ કનોડિયા વિશે

  નરેશ કનોડિયાનો જન્મ 20મી ઓગસ્ટ, 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામ ખાતે થયો હતો. તેમણે 'વેલીને આવ્યા ફૂલ'થી અભિયન ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. ગુજરાતી ફિલ્મમાં સ્નેહલતા સાથેની તેમની જોડી દર્શકોને ખૂબ જ પસંદ પડતી હતી. તેમના પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ અભિનેતા છે અને હાલ તેઓ ઇડર  વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. હિતુ કનોડિયાએ ગુજરાતી અભિનેત્રી મોના સાથે લગ્ન કર્યાં છે.
  Published by:Vinod Zankhaliya
  First published:October 27, 2020, 10:59 am

  ટૉપ ન્યૂઝ