ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બનશે, રવિવારે CM ધોલેરામાં

News18 Gujarati
Updated: April 21, 2018, 3:58 PM IST
ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બનશે, રવિવારે CM ધોલેરામાં
સોલાર પાર્કની પ્રતિકાત્મક તસવીર

  • Share this:
અમદાવાદ: ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બનશે. રાજય સરકાર ધોલેરા ખાતે સ્પેશ્યિલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (એસઆઇઆર) વિકસાવી રહી છે. રવિવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી ધોલેરા જશે વિવિધ યોજનાઓના શિલાન્યાસ કરશે અને આગામી યોજનાઓની જાહેરાત પણ કરશે.

વિજય રૂપાણી ધોલેરા શહેર અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન માટે મહત્વપૂર્ણ એવી પાયાની બે સુવિધાઓ રૂપે કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પીપળી-ધોલેરા પાણીની પાઇપ લાઇનના પ્રોજેકટનો શિલાન્યાસ કરશે. ધોલેરાના પાંજરાપોળ મેદાન ખાતે રવિવારે યોજાનારા આ કાર્યક્રમમાં કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી આર.સી.ફળદુ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર માટે મહત્વના સ્થળ અને ઔદ્યોગિક કલસ્ટર તરીકે વિકસી રહેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન અને ધોલેરા શહેર, પશ્ચિમ ભારતના ડેડિકેટેડ ફ્રેઇટ કોરીડોર માટે મહત્વરૂપ ઔદ્યોગિક મથક બની રહેશે. આગામી વર્ષ-૨૦૪૦ સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી તૈયાર થનારૂ ધોલેરા ઔદ્યોગિક મથક ૨૦ લાખની વસ્તી ધરાવતું અને અંદાજે આઠ લાખ લોકોને રોજગારી પુરૂ પાડતું ધમધમતું અને અત્યાધુનિક ઔદ્યોગિક શહેર બની રહેશે. આ પ્રોજેકટના વિકાસ માટે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સીટી ડેવલપમેન્ટ લિ.ની સ્થાપના કરવામાં આવી છે. જેમાં દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોર્રેશન લિ. દ્વારા કેન્દ્ર સરકારનો ૪૯ ટકા અને ધોલેરા સર ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા રાજ્ય સરકારનો ૫૧ ટકા હિસ્સો રહેલો છે. આ પ્રોજેકટ માટે દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. ઇકવીટી સ્વરૂપે રૂ. ૩૦૦૦ કરોડનો સહયોગ અને ધોલેરા સર ડેવલપમેન્ટ ઓથોરીટી અંદાજે રૂ.૩૦૦૦ કરોડની કિંમતની ૫૨૦૪ હેકટર જમીનના સ્વરૂપમાં સહયોગ આપી રહ્યા છે.

આ પ્રોજેકટ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ધોલેરા ખાતે જે કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાનનું શીલારોપણ કરવાના છે તે પ્લાન્ટની ક્ષમતા ૨૦ એમ.એલ.ડી.ની હશે. જેમાં ઔદ્યોગિક વિસ્તારમાંથી બહાર પડતું અશુદ્ધ પાણી એકઠું કરીને શુદ્ધિકરણ કરાશે. આ ૨૦ એમ.એલ.ડી.ના મુખ્ય પ્લાન્ટ સાથે એક માસ્ટર બેલેન્સીંગ રિઝર્વોઇર અને ૧૪ આંતરિક ઇફલ્યુઅન્ટ પમ્પીંગ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે પીપળીથી ધોલેરા વચ્ચેની જળ પરિવહન પાઇપ લાઇનની શિલારોપણ વિધિ થવાની છે તેમાં નર્મદા મુખ્ય કેનાલ સાથેના પીપળી પમ્પીંગ સ્ટેશનથી કડીપુર ગામ નજીક તૈયાર થનારા ૫૦ એમ.એલ.ડી. ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી રો-વોટર લઇ જતી ૧૩.૫ કિ.મી.ની પાઇપ લાઇન તેમજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ધોલેરા સુધી પીવા લાયક શુદ્ધ પાણીનું પરિવહન કરતી ૯.૫ કિ.મી.ની પાઇપ લાઇનના પ્રોજેકટનો સમાવેશ થાય છે. આ સ્માર્ટ વોટર ઇન્ફ્રાસ્ટ્રકચરથી ધોલેરા આવનારા સમયનું અત્યાધુનિક સ્માર્ટ શહેર બની રહેશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ધોલેરા વિસ્તારમાં તૈયાર થનારા વિશ્વના સૌથી મોટા ૫૦૦૦ મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાવર પાર્કની જાહેરાત કરશે. ૧૧ હજાર હેકટરમાં ફેલાયેલા આ સોલાર પાર્ક આવનારા દિવસોમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બનશે. હાલ કર્ણાટકના પાવાગડા ખાતેનો ૨૦૦૦ મે.વોટનો સોલારપાર્ક વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક ગણાય છે. તેનાથી આ પાર્ક અઢીગણો મોટો હશે. આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી ધોલેરા સર વિસ્તારમાં ભવિષ્યમાં તૈયાર થનારા કૌશલ્ય વિકાસ કેન્દ્રની પણ જાહેરાત કરશે.
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर