અમદાવાદમાં 40 PIની ઘટ, અધિકારીઓના કામનું ભારણ વધ્યું

અમદાવાદમાં 40 PIની ઘટ, અધિકારીઓના કામનું ભારણ વધ્યું
પ્રતિકાત્મક તસવીર

રાજ્યના પોલીસવડાએ ચિંતા કરવા જેવો વિષય, દિવાળીમાં ગુનાખોરી અટકાવવા કેમની પહોંચી વળશે પોલીસ?

 • Share this:
  હર્મેશ સુખડીયા, અમદાવાદ: શહેરમાં બની રહેલા ગુના અને તેમાં પણ વણ ઉકેલાયેલા ગુનાને લઈને શહેરના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટર પર દબાણ કરતા રહેતા હોય છે. પણ સ્ટાફ જ ન હોય ત્યાં કામગીરી કેમની શક્ય બને આ જ વાત હાલ શહેરના અધિકારીઓ માથે હાથ દઈને કહી રહ્યા છે. ત્યારે શહેરમાં 48 પોલીસસ્ટેશનમાં 40 પીઆઇની ઘટ જોવા મળી રહી છે. એકતરફ સ્ટેટ મોનીટરીંગ સેલ રેડ કરે છે અને જે તે પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવે છે, ત્યાં બીજી બાજુ પીએસઆઇના અટકેલા પ્રમોશન આ ખાલી જગ્યા પાછળ જવાબદાર હોવાનું મનાય રહ્યું છે. ત્યારે દિવાળીમાં લૂંટ, ચોરી, ચેઇન સ્નેચિંગના બનાવો બનશે તો આ સતત વ્યસ્ત રહેતા અધિકારીઓ કેમના પહોંચી વળશે તે સવાલ પણ ઉભો થાય છે.

  રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપી રહ્યા છે. પણ પોલીસની હાલત શું છે તે જોવાનું ય સુધ્ધા વિચારતા નથી. રાજ્યના અનેક શહેરોમાં પોલીસ ઇન્સ્પેક્ટરની અછત જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં કુલ 48 પોલીસસ્ટેશન છે. જેમાં પોલીસ ઇન્સ્પેકટર એટલે કે ફર્સ્ટ પીઆઇ અને સેકન્ડ પીઆઇ આમ તો 96 જેટલા હોવા જોઈએ પણ હાલ માત્ર 56 જ પીઆઇ હાજર છે. જ્યારે 40 પીઆઈની ઘટ જોવા મળી છે.  સેકટર 1 એટલે પશ્ચિમ વિસ્તારમાં 26 પોલીસસ્ટેશન આવે છે. જેમાં માત્ર 29 પીઆઇ છે. જ્યારે સેકટર 2 એટલે પૂર્વ વિસ્તારમાં 22 પોલીસસ્ટેશનમાં માત્ર 27 પીઆઇ છે. શહેરનો વિસ્તાર ખૂબ બહોળો છે તેમ છતાં રાજ્ય પોલીસ વડા આ બાબત ધ્યાન પર લેતા નથી. પણ અન્ય નિયમો, પોલીસને સસ્પેન્ડ કરવાની કામગીરીઓ પર વધુ વિચાર કરતા હોવાની ચર્ચા સાથે પોલીસબેડામાં નારાજગી જોવા મળી છે.

  સસ્પેન્ડ કરવા સાથે જગ્યાઓ પણ ભરવી જોઈએ
  પોલીસ અધિકારીઓની એક જ ફરિયાદ છે કે બને એટલા દારૂ કે જુગારના સ્ટેન્ડ ન ચાલે એ માટે સતત કામગીરી કરતા રહીએ છીએ. પણ એકાદ સ્ટેન્ડ ખુણામાં ચાલતા હોય અને જો ચૂક થઈ જાય તો સ્ટેટ મોનીટરીંગ સેલ આવીને રેડ કરી જાય છે અને અધિકારીઓ સસ્પેન્ડ થાય છે. સસ્પેન્ડ કરે એનો વાંધો નથી પણ જગ્યા ભરવાનો વિચાર પણ અધિકારીઓને આવવો જોઈએ.

  શહેરના ચાર ડિવિઝન પણ ચાર્જમાં
  શહેરમાં 14 ડિવિઝન છે અને તેમની અંડરમાં અનેક પોલીસસ્ટેશન આવે છે. પણ જેમાંથી ડી, ઇ, એચ અને કે ડિવિઝનમાં હાલ એક પણ એસીપી નથી, અને આ તમામ ડિવિઝન અન્ય એસીપીના ચાર્જમાં ચાલે છે. જેથી અધિકારીઓમાં કામનું ભારણ પણ વધુ જોવા મળે છે.

  પોલીસ ક્યાંથી સ્માર્ટ બનશે?
  સૂત્રોનું કહેવું છે કે એક તરફ પોતાના પોલીસસ્ટેશનનું કામ અને પાછો બીજા પોલીસ્ટેશનનો ચાર્જ હોય એટલે અધિકારીઓ એક કામમાંથી બીજા કામમાં વ્યસ્ત જ રહે છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય અને પરિવાર પર પડે છે. એકતરફ રાજ્ય પોલીસના વડા સ્માર્ટ બનવાની હાકલો કરતા હોય છે પણ હકીકત કૈક અલગ જ હોય તો પોલીસ સ્માર્ટ અને ફિટ કેવી રીતે રહી શકે તે આ અધિકારીઓએ વિચારવાની જરૂર છે.
  First published:October 14, 2019, 21:55 pm

  टॉप स्टोरीज