મહેસાણા: યુવતિ સાથે મિત્રતાની શંકાએ દલિત વિદ્યાર્થીને ઢોર માર માર્યો

News18 Gujarati
Updated: March 22, 2019, 6:31 PM IST
મહેસાણા: યુવતિ સાથે મિત્રતાની શંકાએ દલિત વિદ્યાર્થીને ઢોર માર માર્યો
પ્રતિકાત્મક તસવીર

જિજ્ઞેશ મેવાણીએ તેમના ફેસબૂક પર લખ્યું કે, ગુજરાતે દલિતોનાં લોહીથી હોળી મનાવી’.

  • Share this:
અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વખત દલિતો પર અત્યાચારની ઘટના સામે આવી છે. 12મા ધોરણની પરીક્ષા આપતા અને મહેસાણામાં રહેતા 17 વર્ષનાં દલિત યુવાનને 18 માર્ચના રોજ બે શખ્શોએ લીમડાના ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો.

આ બાબતે બુધવારે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર દલિત યુવાન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને યુવક હાલ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ દલિત યુવક આરોપીઓના પરિવારની એક યુવતિ સાથે ફરતો હોવાની અથવા સંબધ ધરાવતો હોવાની શંકાએ તેને માર માર્યો હોય તેવી આશંકા સેવાઇ રહી છે. જો કે, પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને સમગ્ર વિગતો આરોપીઓ પકડાયા પછી જ બહાર આવશે.

દલિત યુવાને આરોપીમાં રમેશ પટેલ નામના એક વ્યક્તિનું નામ પણ આપ્યુ છે.

વાત એમ છે કે, 12 ધોરણમાં અભ્યાસ કરતો મિત ચાવડા હાલ મહેસાણામાં તેના પરિવાર સાથે રહે છે અને બોર્ડની પરીક્ષા આપવા માટે ધીણોજ ગામે જતો હતો. આ સમયે ધીણોજ ગામની સ્કૂલની બહાર બે માણસો તેમની પાસે આવ્યા અને કહ્યું કે, તું અમારી સાથે ચાલ. તારુ કામ છે અને મિતને મોટરસાયકલ પર બેસાડી ત્યાંથી દૂર લઇ ગયા. મિતે જ્યારે કહ્યું કે, મારી પરીક્ષાનો સમય છે. પણ આરોપીઓએ એવુ કહ્યુ કે, પરીક્ષા ચાલુ થાય તે પહેલા તેને પાછો છોડી જશે. ત્યાર બાદ તેને નજીકનાં ખેતરમાં લઇ ગયા અને ત્યાં મિતને લીમડાનાં ઝાડ સાથે બાંધીને માર મારવાનું શરૂ કર્યું.

મિત ચાવડાનાં શરીર પર મારનાં નિશાન
મિતે જ્યારે એમ પુછ્યુ કે, તમે મને શા માટે મારો છો ? તો આરોપીઓએ કોઇ જવાબ આપ્યો નહીં અને ઉશ્કેરાયેલા બંને આરોપીઓએ માર મારવાનું ચાલુ રાખ્યુ હતું અને એવુ કહ્યું કે, હવે પરીક્ષા આપવા માટે આવીશ તો જાનથી મારી નાંખીશું. આરોપીઓએ મિતને જાતિ વિષયક અપશબ્દો પણ કહ્યાં હતા.

મિત ચાવડાનું મૂળ વતન ચાણસ્મા તાલુકામાં આપેલુ દિણોદરડા ગામ છે. પણ હાલ તેનો પરિવાર મહેસાણામાં રહે છે. તેના માતા મહેસાણાની એક પ્લાયવૂડની ફેક્ટરીમાં કામ કરે છે. મિત લણવા ગામમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે.

મિતે પોલીસમાં લખાવેલી ફરિયાદ મુજબ, તેને માર મારીને આરોપીઓ ભાગી ગયા હતા અને તે આ પછી એક ગાડીમાં બેસીને મહેસાણા આવ્યો હતો પણ બીકનાં કારણે તેણે કોઇને આ વાત કહી નહોતી. પણ 20મી તારીખે સ્નાન કરીને ઘરે કપડા બદલતો હતો ત્યારે તેના મમ્મી શરીર પરનાં ડાખ જોઇ ગયા અને ત્યારે મિતે સમગ્ર ઘટનાની જાણ કરી. તેની મમ્મીએ પરિવારનાં અન્ય સભ્યને જાણ કરી અને ત્યારબાદ મિતને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા અને ત્યાં પોલીસ ફરિયાદ દાખલ કરી.

આ ઘટના સામે આવ્યા પછી દલિત કર્મશીલો મહેસાણા સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. વડગામનાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મામલે કહ્યું કે, આરોપીઓ ઝડપથી નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ પોલીસ કેસમાં અન્ય કલમો ઉમેરવા માટે પણ દબાણ કરવામાં આવશે.

જિજ્ઞેશ મેવાણીએ તેમના ફેસબૂક પર લખ્યું કે, ગુજરાતે દલિતોનાં લોહીથી હોળી મનાવી’.

 
First published: March 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading