દલિત-ઓબીસી કાર્યકરોને સચિવાલયમાં પ્રવેશબંધી! પોલીસે 'બ્લેકલિસ્ટ' બનાવ્યું?

દલિત-ઓબીસી કાર્યકરોને સચિવાલયમાં પ્રવેશબંધી! પોલીસે 'બ્લેકલિસ્ટ' બનાવ્યું?
12 જૂનના રોજ કિરીટ રાઠોડ સચિવાલયમાં ગયા તો તેમને પ્રવેશવા દેવાને બદલે પોલીસ સ્ટેશન લઈ જવાયા

દલિત કાર્યકર કિરીટ રાઠોડ, જિજ્ઞેશ મેવાણીના સાથી સુબોધ પરમાર સહિતના ઘણા દલિત-ઓબીસી કાર્યકરો પર સચિવાલયમાં 'પ્રવેશબંધી'. જેમના પર પ્રવેશબંધી લાદવામાં આવી છે તેવા કાર્યકરોએ રાજ્યપાલને રજૂઆત કરવા માટે સમય માંગ્યો

 • Share this:
  વિજયસિંહ પરમાર

  શું માનવ અધિકારો કે જાહેરહિતને લગતા પ્રશ્નોની રજૂઆત કરવા સચિવાલયમાં જવું એ કોઇ ગૂનો છે ? માનવ અધિકારો માટે લડવુ એ ગુજરાતમાં ક્રાઇમ ગણાય છે ? જે વિગતો બહાર આવી રહી છે તે જોતો એ ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યુ છે કે, સમાજના કચડાયેલા અને શોષિત વર્ગો માટે લડતા દલિતો અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના કાર્યકરો પર ગાંધીનગર-સચિવાલયમાં 'અઘોષિત' પ્રવેશબંધી લાદવામાં આવી છે અથવા તો તેમને ‘બ્લેકલિસ્ટ” કરવામાં આવ્યા છે.  જે લોકો પર સચિવાલયમાં પ્રવેશબંધી લાદવામાં આવી છે તેમાં માનવ અધિકારો અને દલિતોનાં હક્કો માટે લડતા કિરીટ રાઠોડનો સમાવેશ થાય છે. જો કે, કિરીટ રાઠોડને આ 'પ્રવેશબંધી' વિશે 18 મે (2018)ના રોજ જાણ થઇ.

  કિરીટ રાઠોડે આ વિશે વિગતો આપતા કહ્યુ કે, “સામાન્ય રીતે સચિવાલયમાં જવા માટે ગેટ પરથી પાસ લેવાનો હોય છે. મેં પણ રૂટિન પ્રક્રિયા મુજબ, 18 મેના રોજ બારી પર પાસ લેવા માટે મારી વિગતો આપી. જો કે, હાજર પોલીસકર્મીઓએ કોમ્પ્યુટરમાં મારી વિગતો નાંખી અને પછી મને કહ્યુ કે, તમારુ નામ ‘બ્લેકલિસ્ટ’માં છે. તમને સચિવાલયમાં પ્રવેશવા દેવામાં નહી આવે. મને ખબર ન પડી કે, સરકારના કયા કાયદા અને ઠરાવો મુજબ મારા પર સચિવાલયમાં પ્રવેશબંધી લગાવવામાં આવી છે હું છેલ્લા 15 વર્ષથી નિયમીત રીતે વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા માટે સચિવાલયમાં આવુ છુ. મારા પર શા માટે પ્રવેશબંધી લગાવવામાં આવી છે એ વાત સ્થાનિક પોલીસે મને જણાવી નહી. આજ દિવસે, મેં ગૃહ વિભાગ, મુખ્યમંત્રી કાર્યાલય અને સામિજક ન્યાય અને અધિકારિતા વિભાગને આ વિશે લખ્યુ. આ પછી બીજી વાર 12 જુનનાં રોજ મારે એક માહિતી અધિકારના કાયદાની અરજી સંદર્ભે સુનાવણી માટે સચિવાલયમાં જવાનુ હતુ. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો પત્ર પણ મારી પાસ હતો. જો કે, આ વખતે પણ મને સચિવાલયમાં પ્રવેશવા દેવામાં ન આવ્યો. એટલુ જ નહીં પણ મને પોલીસવાનમાં બેસાડીને પોલીસ સ્ટેશનમાં લઇ જવાયો. જ્યાં મને ચાર કલાક સુંધી બેસાડી રાખવામાં આવ્યો. સરકારી વિભાગનો પત્ર હોવા છતાંય મને પ્રવેશવા ન દીધો. ખુબ રજૂઆત અને પત્રની નકલ બતાવ્યા પછી માંડ-માંડ મને સચિવાલયમાં પ્રવેશ આપ્યો”  કિરીટ રાઠોડે તેમના પર લાદવામાં આવેલી આ પ્રવેશબંધી સંદર્ભે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને રજૂઆત કરી. પણ કોઇ જ કાર્યવાહી થઇ નહી. એટલે 1 જૂન, 2018નાં રોજ કિરીટ રાઠોડે મુખ્યમંત્રી કાર્યાલયમાં આ વિશે માહિતી અધિકાર નીચે અરજી કરી અને માહિતી માંગી. આ માહિતી અધિકારના કાયદા હેઠળ કરેલી અરજીમાં તેમણે વિગતો માંગી કે, સરકારના કયા નિયમો અને ઠરાવો અંતર્ગત તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ? સરકારે કેટલા લોકોને સચિવાલયમાં પ્રવેશવા માટે બ્લેકલિસ્ટ કર્યા છે ? સરકારના કયા હુકમથી તેમના પર (કિરીટ રાઠોડ) પર પ્રવેશબંધી કરવામાં આવી છે તેની નકલ આપવી ? વગેરે”

  કિરીટ રાઠોડે માંગેલી માહિતી ફરતી-ફરતી ગાંધીનગર પોલીસ પાસે આવી. ગાંધીનગર પોલીસે કિરીટ રાઠોડે માંગેલી માહિતીનો પ્રત્યુતર આપતા પત્રમાં લખ્યુ કે, “તમે તારીખ 14 એપ્રિલના રોજ આમરણાંત ઉપવાસ પર બેસવાવાની ચીમકી આપી હતી. જેથી આવી કોઇ આત્મવિલોપન/આમરણાંત ઉપવાસની અરજી કરનારને કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે સારુ અને કાયદો-વ્યવસ્થા જાળવવા સારુ અટકાવવામાં આવતા હોય છે અને પોલીસ બંદોબસ્ત સાથે જે-તે અરજદારને પ્રવેશ આપવામાં આવતો હોય છે. કોઇ પણ વ્યક્તિ ઉપર પ્રવેશબંધી કરવામાં આવેલ નથી કે પ્રવેશબંધીનો કોઇ ઠરાવ કે હુકમ કરવામાં આવેલો નથી. જેની નોંધ લેવી”

  જો કે, કિરીટ રાઠોડે કહ્યું કે, “14 એપ્રિલના રોજ મેં ફક્ત ઉપવાસ કરવાની અરજી કરી હતી. મેં કોઇ આત્મવિલોપન કે આમરણાંત ઉપવાસની ચિમકી આપી નહોતી. વળી, 14 એપ્રિલનો દિવસ તો ક્યારનોય જતો રહ્યો. પણ આ પછી પણ મને કેમ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો તે હજુ સમજાતુ નથી. વળી, પોલીસે મારુ નામ બ્લેકલિસ્ટમાં કેમ મૂક્યુ છે તેનો જવાબ મને હજુ મળ્યો નથી. અને આવુ બ્લેકલિસ્ટ કઇ જોગવાઇ હેઠળ બનાવવામાં આવ્યુ છે તેની માહિતી મને આપી નથી. મેં આ અંગે માહિતી અધિકારમાં અપીલ કરી છે. સરકારે કેટલા લોકો પર સચિવાલય પર પ્રવેશબંધી કરી છે તે વ્યક્તિઓનું લિસ્ટ આપ્યુ નથી.”

  મહત્વની વાત એ છે કે, કિરીટ રાઠોડ ઉપરાંત, દલિત કાર્યકર સુબોધ પરમાર પર પણ સચિવાલયમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા સુબોધ પરમારે જણાવ્યુ કે, “બે મહિના પહેલા હું જ્યારે સચિવાલયમાં ગયો ત્યારે હાજર પોલીસે મને પ્રવેશવા ન દીધો અને કહ્યુ કે, તમારા પર પ્રવેશબંધી છે અને મને અંદર પ્રવેશ ન આપ્યો. મને ખુબ આશ્ચર્ય થયું. આ પછી મેં માહિતી અધિકાર નીચે વિગતો માંગી છે. સરકાર કોઇ વ્યક્તિને સચિવાલયમાં પ્રવેશતા કેવી રીતે રોકી શકે ? આ એક પોલિટીકલ અનટચેબિલીટી (રાજકીય અસ્પૃશ્યતા) છે. જાહેર જીવનમાં લોકોએ વારંવાર સચિવાલય સુંધી રજૂઆત કરવા આવવુ પડે છે એ જ દર્શાવે છે કે, સામાન્ય માણસો કેટલા પીડિત છે. સરકારે તેમને પ્રશ્નો ઉકેલવા જોઇએ, નહીં કે આ પ્રશ્નોની રજૂઆત કરતા કાર્યકરોની ‘પ્રવેશબંધી’.”

  કિરીટ રાઠોડે કહ્યુ કે, આ પ્રવેશબંધી વિશે તપાસ કરતા જાણવા મળ્યુ કે, એવા ઘણાય લોકો છે જેમના પર સચિવાલયમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. આમાના મોટાભાગના લોકો દલિતો અને અન્ય પછાત વર્ગો માટે કામ કરતા અને તેમના પ્રશ્નોને વાચા આપવા કાર્યોકરો છે. મેં આ અમે ગુજરાત હાઇકોર્ટને પણ પત્ર લખની ફરિયાદ કરી છે અને જે લોકો પર પ્રવેશબંધી લાદવામાં આવી છે તે તમામ રાજ્યના રાજ્યપાલનો આ અંગે રજૂઆત કરવા માટે સમય માંગ્યો છે”

  પોલીસ આ અંગે શું કહે છે ?

  નાયબ પોલીસ અધિક્ષક (સલામતી શાખા), સચિવાલય સંકુલ, બી.એ. ચુડાસમાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે, કોઇ વ્યક્તિને સચિવાલયમાં પ્રવેશ કરવા માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા નથી. પણ આ સંકુલમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ, તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ના કાર્યાલય આવેલા છે. આથી, કોઇ આત્મવિલોપ કે આમરણાંત ઉપવાસની ચિમકી આપે તો અટકાયતી પગલાનાં ભાગરૂપે તેમને અટકાવવામાં આવે છે”.

  જ્યારે એમ પુછવામાં આવ્યુ કે, ઉપવાસ કે અન્ય કોઇ ચિમકી ન આપી હોય તો પણ જે-તે વ્યક્તિઓ પર પ્રવેશ કરતા રોકવામાં આવે છે ? આ સવાલના જવાબમાં બી.એ. ચુડાસમાએ જણાવ્યુ કે, “જે વ્યક્તિએ અગાઉ આત્મવિલોપન કે આમરણાંત ઉપવાસની ચિમકી આપી હોય તેવી વ્યક્તિએ પોલીસને બાંહેધરી આપવી પડે કે, તે સિચવાલયમાં પ્રવેશ કરીને ભવિષ્યમાં આવુ કરશે નહીં”.

  vijaysinh.parmar@nw18.com
  First published:August 22, 2018, 14:27 pm

  ટૉપ ન્યૂઝ