ભેજાબાજ સાવધાન! રાજ્યની FSL અદ્યતન ટેકનોલોજીથી થઈ સજ્જ

News18 Gujarati
Updated: July 11, 2019, 8:09 PM IST
ભેજાબાજ સાવધાન! રાજ્યની FSL અદ્યતન ટેકનોલોજીથી થઈ સજ્જ
સાઈબર ક્રાઈમના ગુના ઉકેલવામાં સારી સફળતા મળી શકશે

સાયબર ક્રાઈમને ઉકેલવા માટે ગુજરાતની એફ.એસ.એલ. ટીમ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ થઈ ગઈ છે

  • Share this:
સાયબર ક્રાઈમને ઉકેલવા માટે ગુજરાતની એફ.એસ.એલ. ટીમ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ થઈ ગઈ છે. હવે કોમ્પ્યુટર, મોબાઇલ, સી.ડી. અને ડી.વી.ડી.ના ડેટાની પૃથ્થકરણ તથા ડેમેજ મોબાઇલના ડેટા મેળવવા માટેની આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ થતા સાઈબર ક્રાઈમના ગુના ઉકેલવામાં સારી સફળતા મળી શકશે.

વિધાનસભામાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિૈહ ચૌહાણ અને ખંભાતના ધારાસભ્ય મહેશકુમાર રાવલે સાયબર ક્રાઇમના ઉકેલ માટે એફ.એસ.એલ.માં અદ્યતન ટેકનોલોજી અંગે પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના સાયબર ક્રાઇમના ઉકેલ માટે રાજ્યની એફ.એસ.એલ. ખાતે અદ્યતન ટેકનોલોજીઓ વિકસાવવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમના ઉકેલ માટે રાજ્યની એફ.એસ.એલ.માં ડેમેજ થયેલા મોબાઇલ ફોનમાંથી ડેટા રીકવર કરવા માટેની આધુનિક ટેકનોલોજી પણ છે. તે ઉપરાંત મોબાઇલ ફોનના પૃથ્થકરણ માટેની સીસ્ટમ, સી.ડી.-ડી.વી.ડી. તથા કોમ્પ્યુટર સ્ટોરેજ ઉપકરણનું પૃથ્થકરણ કરવા માટેની અદ્યતન ટેકનોલોજી, વીડિયો ફુટેજ એન્હેસ કરવા માટેની સીસ્ટમ, ઇન્ટરનેટના માધ્યમથી આચરેલ ગુના તથા ક્રીપ્ટો કરન્સીને લગતા ગુનાના ઉકેલ માટેની અત્યાધુનિક ટેકનોલોજી રાજ્યની એફ.એસ.એલ.માં ઉપલબ્ધ છે.

ટેકનોલોજી યુક્ત એફ.એસ.એલ.ની વિઝનરી કામગીરી

તમને જણાવી દઈએ કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિઝન સાથે ગાંધીનગર ખાતે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી તૈયાર કરાવી હતી. દિર્ઘદ્રષ્ટી સાથે ચાલતી રાજ્ય સરકારે એફ.એસ.એલ.ને સમયની સાથે સતત અપગ્રેડ કરી છે. હાલના તબક્કે એફ.એસ.એલ. એ હદે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે જે લૉ ક્વોલીટી સીસીટીવી કેમેરામાં કેદ થયેલા શકમંદોના ઝાંખા ચહેરા તથા તેમના વાહનની ઘૂંઘળી દેખાતી નંબર પ્લેટને પણ હાઇટેક સોફ્ટવેરની મદદથી સુસ્પષ્ટ કરી ગુનેગારો સુધી પહોંચવા માટે પોલીસને મદદરૂપ થવાની સવલત આપવામાં આવી રહી છે. તે ઉપરાંત હાઇટેક FSLમાં નાર્કોટીક્સ ડ્રગ્સને લગતા કેસો, દસ્તાવેજોની ચકાસણીને લગતા કેસો અને સસ્પેક્ટેડ ડિફેકશન સિસ્ટમ પદ્ધતિથી આરોપીઓના જુઠાણા પકડવાને લગતા કેસોનું સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું હોવાનું વિધાનસભામાં જણાવ્યું છે.

વિધાનસભા ખાતે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય કરશનભાઇ સાગઠીયા અને રાજકોટ દક્ષિણનાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે સીસીટીવી ફૂટેજમાં વ્યક્તિના ધુંધળા ચહેરા અને વાહનની નંબર પ્લેટને સુસ્પષ્ટ કરવા અંગે FSLમાં સુવિધા સંદર્ભે પુછેલા પ્રશ્નના લેખિત પ્રત્યુત્તર આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, રાજયની હાઇટેક FSLમાં ઓછી ગુણવત્તાવાળા સીસીટીવી ફૂટેજમાંથી વ્યક્તિના ધૂંધળા ચહેરા અને વાહનના નંબર પ્લેટને સ્પષ્ટ કરવા માટેની સવલત છે. તેને સુષ્પષ્ટ કરવા માટે FSL ખાતે MIDAS-DBX, ફોટોશોપ વીથ ક્લીઅર આઇડી, Avid, AMped-5 જેવા અતિ આધુનિક સોફ્ટવેર તથા હાર્ડવેર ધરાવતી વિડિયો ફૂટેજ એન્હેસમેન્ટ ટેકનોલોજી ઉપલબ્ધ છે.ગણદેવીનાં ધારાસભ્ય નરેશભાઇ પટેલ, મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા અને નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ વિધાનસભામાં રાજ્યની FSL દ્વારા નાર્કોટીક્સ ડ્રગ્સને લગતા કેસોના પૃથ્થકરણ સંદર્ભે પુછેલા પ્રશ્નના લેખીત પ્રત્યુત્તર આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે FSLમાં નાર્કોટીક્સ ડ્રગ્સને લગતા કેસોનું પૃથ્થકરણ કરવામાં આવે છે અને છેલ્લા બે વર્ષમાં આ પ્રકારના કુલ ૨૭૪ કેસોના ૨૪૫૫ નમૂનાઓના પૃથ્થકરણ FSL દ્વારા કરવામાં આવે છે.

અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી સંદર્ભે સુરત પશ્ચિમ ધારાસભ્ય પુર્ણેશ મોદી અને કતારગામ ધારાસભ્ય વિનોદભાઇ મોરડીયાએ પુછેલા પ્રશ્નના લેખીત જવાબ આપતા જણાવવામાં આવ્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા વિતરણ કરાતા અનાજ તથા અન્ય ખાદ્યસામગ્રીની ગુણવત્તાની ચકાસણી માટે FSLમાં વિશેષ સવલત ઉભી કરવામાં આવી છે

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, મધ્યાહન ભોજન યોજના, સંકલિત બાળ વિકાસ યોજના તથા અન્ન ત્રિવેણી યોજનાઓ અંતર્ગત ખરીદ કરવામાં આવતા અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી માટે FSLમાં ‘‘ફૂડ રિસર્ચ લેબોરેટરી’’ની વિશેષ સવલત પણ ઉભી કરવામાં આવી છે
First published: July 11, 2019, 5:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading