રાજ્યમાં ધારાસભ્યો બાદ હવે ભાજપના બોર્ડ નિગમના સદસ્યો, ચેરમેન, વાઇસ ચેરમેન અને મહાનગર પાલિકાઓના સદસ્યો પણ તેમના પગારમાંથી એક વર્ષ સુધી 30 ટકા પગાર ઓછો લેશે. આ રકમ કોરોના સામે લડવાના ફંડમાં જમા થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કોરોના મહામારી સામેની લડતના અનુસંધાને આગામી એક વર્ષ સુધી દેશના તમામ સાંસદશ્રીઓના પગાર માં 30% કાપ મુકવાનો તેમજ વર્ષ 2020 અને 2021 એમ બે વર્ષ માટે સાંસદોના વિકાસ કાર્યો માટે મળવા પાત્ર 10 કરોડ રૂપિયાની એમ.પી ગ્રાન્ટને અસ્થાયી રીતે સ્થગિત કરી આ રાશિનો ઉપયોગ કોરોના વાયરસ સામેની લડાઈમાં સ્વાસ્થ્ય સેવાકીય સંસાધનોને વધુ સુદ્રઢ અને અસરકારક બનાવવા માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પણ કોરોના વાયરસ મહામારીથી ગુજરાતને ઉગારવા માટે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સંવેદનશીલતા અને ગંભીરતા સાથે શ્રેણીબદ્ધ પગલાં ભરી રહી છે.
વાઘાણીએ જણાવ્યું, મને આનંદ છે કે, કેન્દ્ર સરકારના નિર્ણય પ્રતિ સમર્થન દર્શાવી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે ગુજરાતના તમામ ધારાસભ્યોના પગારમાં 30 ટકા કાપ મુકી તે રકમનો અને ધારાસભ્યોને મળતી રૂ.1કરોડ 50 લાખની એક વર્ષની ગ્રાન્ટનો ઉપયોગ કોરોના વાયરસ સામેની લડાઈમાં પ્રજાહિતના કાર્યો માટે કરવાનો નિર્ણય કર્યો છે. હું સહૃદય મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણયને આવકારું છું.
તો પ્રદેશ ભાજપ અધ્યક્ષે જાહેરાત કરતા જણાવ્યું હતું કે,ગુજરાત સરકારના જુદા જુદા બોર્ડ-નિગમ તથા આયોગમાં કામગીરી બજાવતા ચેરમેન-વાઇસ ચેરમેન તથા સભ્ય અને મહાનગરપાલિકાના ભાજપાના સભ્ય પણ સ્વેચ્છાએ એક વર્ષ સુધી તેમના પગારના 30 ટકા રકમ કોરોના સહાય પેટે ઓછી લેશે. આપણે સૌ સરકાર દ્વારા સૌ નાગરિકોના હિતમાં જાહેર કરવામાં આવેલા નિયમો તેમજ અપાયેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી સંકટની આ ઘડીમાં જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપણો નાગરિકધર્મ બજાવીએ.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર