અમદાવાદ: ફરી એકવાર કોરોનાને (Corona in Gujarat) લઈ સ્થિતિ કાબુ બહાર જતી હોવાનું દ્રશ્ય સામે આવી રહ્યું છે. રાજ્યભરમાં (corona cases in Gujarat) કોરોનના કેસનો આંકડો 5 હજારને પાર પહોંચ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. કેન્દ્ર અને રાજ્યના બે મહત્વના વિભાગો ઓક્સિજનનું ઉત્પાદન (oxygen) કરતા વેપારીઓના સંપર્કમાં છે. આ ઓક્સિજનના વેપારીઓ પાસેથી રોજે રોજ ઓક્સિજનના ઉત્પાદનનો રિપોર્ટ મંગાવવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. જેના પગલે ફરી એકવાર આરોગ્ય અધિકારીની દોડધામ વધી ગઈ છે. તેમાંય કેન્દ્ર અને રાજ્યના બે મહત્વના વિભાગો ઓક્સિજનનું ઉત્પાદન કરતા વેપારીઓના સંપર્કમાં છે. રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને કેન્દ્રના એક્સપલોઝીવ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓક્સિજનના ઉત્પાદનને લઈ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
ઓક્સિજન ઉત્પાદન કરતા વેપારી પ્રણાવભાઈ શાહ જણાવે છે કે, ઓક્સિજનના ઉત્પાદનને લઈ સરકાર દ્વારા મોનીટરીંગ ચાલુ કરાયું છે. વેપારીઓ પાસે રોજે રોજ કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે તેના ડેટા મંગાવવામાં આવી રહ્યા છે. પહેલા અમદાવાદમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતા માત્ર 7 વેપારીઓ હતા. પરંતુ કોરોનાની બીજી લહેર બાદ 12થી 15 જેટલા વેપારીઓ હાલ અમદાવાદમાં ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યા છે. જ્યારે રાજ્યમાં અંદાજે 150 વેપારીઓ ઓક્સિજન ઉત્પાદન કરી રહ્યા છે. રોજેરોજ રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને કેન્દ્રના એક્સપલોઝીવ ડિપાર્ટમેન્ટ બંને વિભાગના અધિકારીઓ ઈમેલ મારફતે અને ટેલિફોન દ્વારા વેપારીઓનો સંપર્ક કરી રહ્યા છે અને રિપોર્ટ માંગી રહ્યા છે.
રિપોર્ટ માંગવા અને ઓક્સિજન ઉત્પાદનના મોનીટરીંગ પાછળનો હેતુ એ હોઈ શકે કે, આ રિપોર્ટના આંકડા પરથી કોરોનાની સ્થિતિ કેટલી હદે ખરાબ થઈ રહી છે તેનો અંદાજ આવી શકે. બીજીલહેર વખતે સ્થિતિ ખરાબ થતા લોકો વેપારીઓના ઓક્સિજન રિફીલિંગ કરાવવા પહોંચતા હતા. જેમાં ક્વોલિટી લેવલ ઘણા વેપારીઓએ જાળવ્યું નહોતું. જેના કારણે પોસ્ટ કોવિડ ઇફેક્ટના કેસો સામે આવ્યા હતા. એવી સ્થિતિ પણ આ વખતે ન સર્જાય તેથી SOPનું પાલન દરેક વેપારીઓ અને લોકો કરે તે જરૂરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર