અમદાવાદ: ચૂંટણી ઇફેક્ટને પગલે કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું, 8 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

અમદાવાદ: ચૂંટણી ઇફેક્ટને પગલે કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું, 8 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર
ફાઇલ તસવીર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન વિવિધ પક્ષના નેતાઓ અને કાર્યકરો બેફાન બનીને ફર્યા હતા. ક્યાંક કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થતું હોય તેવું જોવા મળ્યું ન હતું.

 • Share this:
  અમદાવાદ: મહાનગરપાલિકાની ચૂંટણી બાદ અમદાવાદ શહેર (Ahmedabad city)માં કોરોના (Coronavirus)એ ફરીથી માથું ઊંચક્યું છે. શહેરમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ એકાએક કોરોનાનાં કેસમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad municipal corporation)ના આરોગ્ય તંત્ર તરફથી છેલ્લા બે દિવસમાં અલગ અલગ વિસ્તારની આઠ સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન (Micro containment zone) તરીકે જાહેર કરી છે. મતદાન બાદના બીજા દિવસે ત્રણ સોસાયટી અને મતગણતરીના દિવસે પાંચ સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. જે વિસ્તારોની સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવી છે તેમાં ખોખરા, બોપલ, ભાઈપુરા, બોડકદેવ સહિતનો સમાવેશ થાય છે.

  શહેરમાં કોરોનાનાં કેસ વધવાની શક્યતા  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન વિવિધ પક્ષના નેતાઓ અને કાર્યકરો બેફાન બનીને ફર્યા હતા. ક્યાંક કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થતું હોય તેવું જોવા મળ્યું ન હતું. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમો ભૂલી ગયા હતા. ચૂંટણીને લઈને માસ્ક ન પહેરવા પર દંડ અને ઇ-મેમો બંધ થઈ જતાં લોકો પણ બેફામ બની ગયા હતા. આ દરમિયાન લગ્નની સિઝન પણ ચાલી રહી હોવાથી લોકો બેજવાબદાર બની ગયા હતા. લોકો એવી રીતે ફરી રહ્યા હતા કે જાણે કોરોના જતો રહ્યો હોય. આ જ કારણ છે કે તંત્રએ અગમચેતીના ભાગરૂપે ડોમ બાંધવાની શરૂઆત કરી છે. ચૂંટણી સંપન્ન થતા જ હવે કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવશે.

  આ પણ વાંચો: અમદાવાદ: 'તમે લોકો ક્યારથી સિંહ લખાવતા થઈ ગયા? કાઢી નાખજે નહીં તો છરી મારી દઈશું'

  રાતોરાત ડોમ ઊભા કરાયા

  21મી તારીકે અમદાવાદમાં મતદાન પૂર્ણ થયાના બીજા દિવસથી જ કોરોના ટેસ્ટિંગ માટેન ડોમ ઊભા કરવામાં આવ્યા હતા. રાતોરાત ડોમ ઊભા કરી દેવામાં આવતા લોકોમાં આશ્ચર્યની સાથે સાથે ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન શહેરમાં ઠેર ઠેર ઊભા કરવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ દૂર કરી દેવામાં આવ્યા હતા. હવે ફરીથી શહેરના વિવિધ વિસ્તારોમાં તંત્ર તરફથી ડોમ નાખવામાં આવી રહ્યા છે, અથવા તો બંધ કરી દેવામાં આવેલા ડોમ પર ટેસ્ટિંગની કામગીરીની તૈયારી કરી દેવામાં આવી છે.

  આ પણ વાંચો: બનાસકાંઠા: 'અમે સાથે જીવી ન શક્યા પરંતુ અમારા અગ્નિસંસ્કાર એકસાથે કરજો,' કેનાલમાં જંપલાવી પ્રેમી યુગલનો આપઘાત

  મંગળવારે રાજ્યમાં 348 નવા કેસ નોંધાયા

  આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 348 કેસ નોંધાયા છે. તેની સામે 294 દર્દી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધી 2,61,575 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.69 ટકા છે. અમદાવાદ જિલ્લામાં મંગળવારે 69 નવા કેસ સામે આવ્યા હતા. જેની સામે 60 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં હાલ કોરોના 1,786 દર્દી છે. જેમાંથી 31 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાથી અત્યારસુધી 4,406 દર્દીનાં મોત થયા છે. કોરોના રસીકરણ અંતર્ગત અત્યારસુધી કુલ 8,14,435 લોકોને પ્રથમ ડોઝ અને 72,713 વ્યક્તિને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:February 24, 2021, 12:13 pm

  ટૉપ ન્યૂઝ