અમદાવાદ : હજુ તો ચાલુ વર્ષનું શૈક્ષણિક સત્ર શરૂ જ થયું છે ત્યાં શાળાઓના સંચાલકો વિવાદમાં આવી રહ્યા છે. આવી જ એક ઘટના સેટેલાઇટમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં જોવા મળી છે. જ્યાં રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવેલ બાળકોને ઓનલાઇન અભ્યાસના ગ્રુપમાંથી રિમુવ કરી દેવાતા વિવાદ સર્જાયો છે. જે મામલે વાલીઓએ સ્કૂલ પર જઈ હોબાળો મચાવ્યો હતો. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતાં તેઓએ તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે અને જો સ્કૂલની કોઈ ભૂલ જણાશે તો RTEના એકટ અંતર્ગત કાર્યવાહી અને દંડાત્મક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
શહેરના સેટેલાઇટમા આવેલ આનંદ નિકેતન સ્કૂલની દાદાગીરી સામે આવી છે. સ્કૂલ દ્વારા ગત વર્ષે RTE હેઠળ ધોરણ-1માં પ્રવેશ લીધેલ બાળકોના એડમિશન ધોરણ-2માં આવતા રદ કરી દેવામાં આવ્યાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. જેના પગલે વાલીઓ સ્કૂલ પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. જોકે આ મામલે સ્કૂલે વાલીઓને કોઈ જવાબ આપ્યો ન હતો. વાલીઓનું કહેવું છે કે નવું સત્ર શરૂ થતાં જ ઓનલાઇન ક્લાસ માટેના ગ્રુપમાથી 28 વાલીઓને કાઢી નાખવામાં આવ્યા છે. અચાનક જ આ પગલાંથી વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે.
વર્ષ ચાલુ થયું ત્યારે જ સ્કૂલ દ્વારા RTE હેઠળના એડમિશન વિના કોઈ કારણે રદ કરવામાં આવ્યા છે. ગત વર્ષે એડમિશન લીધું ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન અંગેની કોઈ રિસિપ્ટ આપવામાં આવી ન હતી. માત્ર સ્કૂલના વોટસએપ ગ્રુપમાં જ એડ કરવામાં આવ્યા હતા. ગૌરવ પ્રેસવાળા નામના વાલીએ જણાવ્યું કે તેમની દીકરીનું ગયા વર્ષે RTE હેઠળ સ્કૂલમાં એડમિશન થયું હતું જે માટે અમે રિસિપ્ટ માંગી હતી પરંતુ આપી ન હતી. ગયા વર્ષે શૈક્ષણિક કાર્ય ચાલુ થયું ત્યારથી અમને રેગ્યુલર ઓનલાઇન ક્લાસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. 2 દિવસ અગાઉ નવું શૈક્ષણિક કાર્ય શરૂ થયું પરંતુ અમને ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
અન્ય એક વાલી ભૂમિકા પટેલે જણાવ્યું હતું કે સ્કૂલ શરૂ થઈ ગઈ છે પરંતુ અમારા બાળકોનો અભ્યાસ અટકી ગયો છે. બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તાત્કાલિક ધોરણે DEOએ એજ્યુકેશન ઇન્સ્પેકટરની ટીમ સ્કૂલ પર રવાના કરી છે. જેમાં અધિકારીઓને સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ સંચાલક સાથે મળીને સત્ય જાણી રિપોર્ટ કરવા DEOએ આદેશ કર્યા છે. DEO આર.સી. પટેલે કહ્યું કે અમને સ્કૂલ સામે ફરિયાદ મળી છે અમારી ટીમને તપાસ માટે મોકલી છે. જો ભૂલ જણાશે તો દંડનીય કાર્યવાહી સ્કૂલ સામે કરીશું. ઓનલાઈન અભ્યાસથી RTEના વંચિત રહેલા વિદ્યાર્થીઓ દીઠ 10 હજાર રૂપિયાનો નાણાંકીય દંડ સ્કૂલ સામે થઈ શકે છે. તેમજ RTE કાયદા અંતર્ગત કોઈપણ શાળા તેના બાળકોને કોઈપણ પ્રકારના અભ્યાસથી વંચિત રાખી ના શકે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર