અમદાવાદ: રાજ્ય આખું કોરોના વાયરસની મહામારી (Corona pandemic) સામે ઝઝૂમી રહ્યું છે તેવામાં કોરોનાની બીજી લહેરને ખાળવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા (Congress leader Arjun Modhwadia)એ કર્યો છે. સાથે સાથે કોરોનામાં ધંધો રોજગાર ગુમાવનાર દરેક પરિવારને પાંચ હજારની સહાયની અને દરેક મૃતકના પરિવારને રૂપિયા 4 લાખની સહાયની માંગ તેઓએ કરી છે. કોરોનાની પહેલી લહેર આવ્યા પછી લોકોને 100% રસીકરણ (Corona vaccination) કરવાનો સમય હોવા છતાં રસીકરણ ન કરાયું અને કોરોનાના બીજા વેવને ખાળવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ કર્યો છે.
કૉંગ્રેસ નેતાએ જણાવ્યુ હત કે, ભારતે ત્રણ મોટા અને બે નાના યુદ્ધ લડ્યા છે, તેમાં જેટલા મોત થયા તેના કરતાં 10 ગણા મૃત્યુ આ કોરોના કાળમાં થયા છે. 80 ટકા મૃત્યુ ઓક્સિજન વગર અને બેડ ન મળવાના કારણે થયા છે. દેશ દુનિયાના નિષ્ણાતોએ બીજી લહેર ખતરનાક રહેવાની ચેતવણી આપી હતી છતાં સરકાર રાજ્યની સરકારો તોડવામાં, ધારાસભ્યો ખરીદવામાં વ્યસ્ત રહી અને ચૂંટણીઓ જીતવામાં વ્યસ્ત રહી હતી. દેશમાં ઉત્પાદન થયેલી રસીના ડોઝમાંથી 6.5 કરોડ ડોઝ તો પ્રધાનમંત્રીએ પોતાનો ચહેરો ચમકાવવા દુનિયાના વિવિધ દેશોને ખેરાત કરી દીધા છે.
કોરોનાની રસી વિના મૂલ્યે જ અપાશે તેવી અનેક જાહેરાતો બાદ રસીકરણના આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારને આ રસી રૂપિયા 150માં, રાજ્ય સરકારને 400માં અને ખાનગી હોસ્પિટલને 600માં રસી ખરીદવાના ભાવો નક્કી કરાયા, જે વિશ્વમાં મોંઘા ભાવની રસી છે. આપણી જ રસીનો યુરોપમાં 2 ડોલરનો ભાવ અને ભારતમાં એ જ રસી 5 ડોલરનો ભાવ છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, વેકસીનમાંથી કમાણી કરવાની ન હોય, વેક્સીન જેને બનાવવી હોય તેને ફોર્મ્યુલા આપી બનાવવાનું કહી દેવું જોઈએ, જેથી દેશના લોકોને બચાવી શકાય. અહીં મોતના આંકડા છૂપાવાય અને ટોટલ પોઝિટિવ કેસ છે તેના આંકડા છૂપાવાય છે. હૉસ્પિટલમાં બેડની સ્થિતિના આંકડા છૂપાવાય છે.
કોરોના પછી મ્યુકોરમાઇકોસીસે ગંભીર સ્વરૂપ પકડયું છે. અમદાવાદ સિવિલમાં તેના વોર્ડ ભરાયા છે. બીજી હૉસ્પિટલમાં જગ્યા નથી. સિવિલમાં તેના માટે ઓપરેશન માટે માત્ર બે જ ઓપરેશન થિયેટર છે. રાજ્ય સરકારને વિનંતી છે કે નિષ્ણાત ડૉક્ટરને બોલાવે. તેઓ પોતાના ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરે તો મોટી સંખ્યામાં લોકોને બચાવી શકીશું.
આ ઉપરાંત કોરોનામાં અનેક પરિવારોએ પોતાના ધંધા રોજગાર ગુમાવ્યા છે. તામિલનાડુ સરકારે દરેક પરિવારને 4 હજારની સહાયની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત સરકારને વિનંતી કે આવા પરિવારોને પાંચ હજારની સહાય કરે. આ ઉપરાંત દરેક મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર