અલ્પેશનું કોંગ્રેસમાં કદ વધ્યું, એમપી-છત્તીસગઢની ચૂંટણીના સ્ટાર પ્રચારકમાં કરાયો સમાવેશ

અલ્પેશનું કોંગ્રેસમાં કદ વધ્યું, એમપી-છત્તીસગઢની ચૂંટણીના સ્ટાર પ્રચારકમાં કરાયો સમાવેશ
અલ્પેશ ઠાકોર-રાહુલ ગાંધી (ફાઈલ ફોટો)

અલ્પેશ ઠાકોરને બિહારના સહ પ્રભારી પદેથી હટાવવામાં આવી શકે છે. સાથે અલ્પેશને છત્તીસગઢના સહ પ્રભારી બનાવવામાં આવી શકે છે.

 • Share this:
  પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. દેશના બંને મોટા પક્ષ કોંગ્રેસ અને ભાજપે પોતાની પૂરી તાકાત આ જંગ જીતવા માટે લગાવી દીધો છે. હવે છેલ્લી ઘડીનો પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના સ્ટાર પ્રચારકોમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ કર્યો છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસે પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના સ્ટાર પ્રચારક માટે અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે અલ્પેશ ઠાકોર છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ સભાઓ ગજવશે. અલ્પેશ હવે ભવિષ્યમાં કોંગ્રેસના રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરી રહ્યો છે. અલ્પેશનું નામ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં સામેલ થતા, તેનું કોંગ્રેસમાં કદ વધ્યું છે.  સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, અલ્પેશ ઠાકોરને બિહારના સહ પ્રભારી પદેથી હટાવવામાં આવી શકે છે. સાથે અલ્પેશને છત્તીસગઢના સહ પ્રભારી બનાવવામાં આવી શકે છે. રાજ્યમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલાના કારણોસર કોંગ્રેસે આ નિર્ણય લીધો છે. આવતીકાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આ જાહેરાત કરે તેવી શક્યતા છે. જોકે, કોંગ્રેસે હજુ સત્તાવાર રીતે આની જાહેરાત કરી નથી. પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ ટુંક સમયમાં ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની જાહેરાત કરી શકે છે. રાહુલ ગાંધીએ નવું સંગઠન બનાવાવ માટે મંજૂરી આપી દીધી છે.

  કોણ છે અલ્પેશ ઠાકોર
  અલ્પેશ ખોડાજી ઠાકોર ગુજરાતના ઠાકોર સમુદાયના નેતા અને કોંગ્રેસ પક્ષના રાજકારણી છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસના રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય છે. અલ્પેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય-ઠાકોર સેના અને OSS એકતા મંચની સ્થાપના કરી છે. અલ્પેશ ઠાકોરે રાજ્યમાં દારૂબંધીને લઈ સરકાર વિરુદ્ધ આંદોલન ચલાવી ખુબ ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રાધનપુર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતી હતી.

  ક્યારે કયા રાજ્યમાં છે વિધાનસભા ચૂંટણી
  મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે, છત્તીસગઢમાં 12 અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં, રાજસ્થાનમાં 7 ડીસેમ્બર, તેલંગાણામાં 7 ડીસેમ્બર અને મિઝોરમમાં 28 નવેમ્બરે મતદાન થશે. અને 11 ડીસેમ્બરે પરિણામ જાહેર થશે. હાલ આ પાંચ રાજ્યોમાંથી 3 રાજ્યોમાં ભાજપની સરકાર છે, મિઝોરમમાં કોંગ્રેસ અને તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતી(ટીઆરએસ) પાસે સત્તા છે. આ પાંચ રાજ્યોની ચૂંટણી ખુબ મહત્વની બની રહેવાની છે. અને 2019માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલાનું રિહર્સલ હશે.
  First published:November 09, 2018, 20:47 pm