'ભાજપાની ‘હોરીઝોન્ટલ’ ભ્રષ્ટાચારની મર્યાદા પૂર્ણ, હવે‘વર્ટીકલ’ ભ્રષ્ટાચારને ધપાવવા ગગનચુંબી ઈમારતોની મંજૂરીની જાહેરાત કરી'

'ભાજપાની ‘હોરીઝોન્ટલ’ ભ્રષ્ટાચારની મર્યાદા પૂર્ણ, હવે‘વર્ટીકલ’ ભ્રષ્ટાચારને ધપાવવા ગગનચુંબી ઈમારતોની મંજૂરીની જાહેરાત કરી'
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

કોંગ્રેસનો આક્ષેપ, સેવાના દાયિત્વ નિભાવવામાં ઊણાં ઉતરેલ ભાજપાના શાસકો માટે દરેક ‘સ્કિમ’ (યોજના) એ ‘સ્કેમ’ (કૌભાંડ) છે.

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં ગગનચૂંબી ઈમારતોને મંજુરી આપવાનો ભાજપા સરકારનો નિર્ણય માત્રને માત્ર બિલ્ડરો અને ફંડ મેનેજરોને લાભાર્થે હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શહેરી નાગરિકોના જીવનમાં બદલાવ લાવીને સુખાકારી, સુવિધા, પરિવર્તન લાવવાની, સેવાના દાયિત્વ નિભાવવામાં ઊણાં ઉતરેલ ભાજપાના શાસકો માટે દરેક ‘સ્કિમ’ (યોજના) એ ‘સ્કેમ’ (કૌભાંડ) છે. નગર એટલે નળ-ગટર-રસ્તા એ શહેરી વિકાસનો સમય બદલાયો છે છતાં ભાજપના શાસકોએ છેલ્લા પંદર વર્ષથી શહેરી નાગરિકોને ટેક્ષના લૂટતંત્રમાં ઘેરી લીધા છે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવા મહાનગરપાલિકાના ૨૪ ટકા વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. આઠ મહાનગરોમાં છેલ્લા ૧૫ વર્ષમાં ટેક્ષમાં ૩૦૦ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આઠ મહાનગરો અને ૧૬૦ નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામના રાફડા ફાટ્યા. ૧૫ લાખ કરતા વધુ ગેરકાયદેસર બાંધકામ એ ભાજપા શાસકો ચૂંટણી ફંડ આપનાર, ઊઘરાવનાર અધિકારીઓ માટે ઘનસંગ્રહનો ભાગ હતો, રાજ્યના ૮ મહાનગરોમાંથી માત્ર ત્રણ શહેરોમાં પબ્લીક ટ્રાન્સપોર્ટ સીસ્ટમ એ નાગરિકોના લાભને બદલે ખાનગી બસ કોન્ટ્રાક્ટરો અને ભાજપાના પદાધિકારીઓને કમાણીનું એ.ટી.એમ. છે. શહેરોના અસંતુલિત વિકાસ માટે ભાજપા શાસકોની ભ્રષ્ટ નિતી અને નિયત સ્પષ્ટ દેખાઈ રહી છે.આ પણ વાંચોએક દશકના સૌથી નીચા સ્તર પર પહોંચી નેચરલ ગેસની કિંમત! સસ્તો થઈ શકે છે CNG-LPG-PNG

રાજ્યના આઠ મહાનગરો અને ૧૬૦ નગરપાલિકા શહેરી વિસ્તારમાં ૨.૫ કરોડથી વધુ નાગરિકો વસવાટ કરતા હોય ત્યાં ૧૫ વર્ષ કરતા વધુ સમયથી શાસન કરતી ભાજપા એ ‘સેવાસદનો’ને ‘મેવા સદનો’ બનાવી દીધા છે. ત્યારે, સામાન્ય – મધ્યમવર્ગને ‘ઘરનું ઘર’ પરવડે તેમ કિંમત ઉપલબ્ધ થાય તે દિશામાં નિતીગત અમલ કરવાને બદલે ચૂંટણી ફંડ આપનાર બિલ્ડરો – ગેરકાયદેસર બાંધકામ નો ગૃહઉદ્યોગ ચલાવનાર અધિકારીઓ – પદાધિકારીઓના લાભાર્થે જ ભાજપ સરકાર સતત વિકાસના નામે યોજનાઓ જાહેર કરી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૪૨ ટકા કરતા વધુ નાગરિકો શહેરી વિસ્તારમાં જીવન જીવી રહ્યા હોય, ત્યારે શહેરી નાગરિકોને ગુણવત્તા વાળુ જીવન વ્યવસ્થા આપવામાં ભાજપા શાસકો નાકામ રહ્યા છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં ‘રોજનો એક રૂપિયો ભરો અને મકાન મેળવો’ તેવી યોજના હતી, લાખો મકાનો ગુજરાત હાઉસીંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ, હળપતી આવાસ જેવી નક્કર વ્યવસ્થા તંત્ર હતું. ભાજપાના શાસકોએ સામાન્ય – મધ્યમ પરિવારોને પરવડે તેવા મકાનની વ્યવસ્થાને તોડી નાંખીને ગુજરાત હાઉસીંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ, હળપતી આવાસ બોર્ડને તાળાં મારી દીધા. હાઉસીંગ બોર્ડની અબજો રૂપિયાની કિંમતી હજારો એકર જમીન પોતાના મળતિયા બિલ્ડરોને વિકાસના નામે પધરાવી દઈને ભાજપા શાસકોએ કરોડો રૂપિયાનો ચૂંટણી ફંડ મેળવીને સત્તા ટકાવી રાખી છે. ત્યારે ફરી એક વખત ભાજપા શાસકોએ ‘હોરીઝોન્ટલ’ ભ્રષ્ટાચારની મર્યાદા પૂર્ણ થતાં ‘વર્ટીકલ’ ભ્રષ્ટાચારને આગળ ધપાવવા શહેરી વિકાસના નામે ગગનચુંબી ઈમારતોને મંજૂરીની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતમાં ૨૦૧૨માં ૫૦ લાખ મકાનની જાહેરાત કરનાર ભાજપ શાસકો છેલ્લા ૧૦ વર્ષમાં કેટલા મકાનો પરવડે તેવી કિંમતના બનાવ્યા અને શહેરી નાગરિકોને શું શું સુવિધા આપી તેનો હિસાબ આપે.
Published by:kiran mehta
First published:August 18, 2020, 21:15 pm

ટૉપ ન્યૂઝ