ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) ડિસેમ્બરમાં ચૂંટણી (Gujarat Election 2022) આવવાની છે તો તે પહેલા રાજકારણમાં (Gujarat politics) ગરમાવો આવી ગયો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે (Congress Ahmed Patel son Faisal Patel) કોંગ્રેસ હાઇકમાન્ડ સામે નારાજગી દર્શાવતી ટ્વિટ કરી છે. તેમણે ટ્વિટમાં મહત્તવની વાત એ પણ કરી છે કે, મારી પાસે અન્ય વિકલ્પો પણ ખુલ્લા છે.
ગુજરાત કોંગ્રેસનો જવાબ
આ ટ્વિટની ચર્ચા બાદ ગુજરાત કોંગ્રેસે પ્રેસકોન્ફરન્સ કરીને જણાવ્યુ છે કે, 'અમારી પાસે હજી આવી કોઇ માહિતી આવી નથી. અહેમદ પટેલનો પરિવાર કોંગ્રેસમાં છે અને રહેશે જ.'
'મારી પાસે અન્ય વિકલ્પો ખુલ્લા છે'
ફૈઝલ પટેલે ટ્વિટ કરીને પોતાની વ્યથા દર્શાવતા જણાવ્યુ છે કે, 'હું રાહ જોઇને થાકી ગયો છું. કોઇ પ્રોત્સાહન મળી નથી રહ્યુ. મારા પાસે વિકલ્પો ખુલ્લાં છે.' જોકે, આ નાનકડી ટ્વિટની અસર ઘણી મોટી થઇ શકે છે. દિલ્હીમાં ન્યૂઝ18ના સંવાદદાતાએ જ્યારે ફૈઝલ પટેલને આ અંગે પૂછ્યૂં ત્યારે તેમણે આ અંગે બોલવાનું ટાળ્યુ હતુ. તેમણે કહ્યું કે, ટ્વિટથી વધારે મારે કાંઇ જ કહેવું નથી.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા જયરાજસિંહ જે હાલ ભાજપમાં છે. તેમને જ્યારે આ અંગે પૂછ્યું ત્યારે તેમમે જણાવ્યુ કે, ફૈઝલ જેવી લડાઇ હું લડી ચૂક્યો છું, કોંગ્રેસ આગામી પાંચ હજાર વર્ષ જીવે તો પણ જીતવાની નથી. અહેમદ પટેલનો દીકરો જો તેને ગળા સુધી આવી જાય તો, સમજી શકાય કે, કોંગ્રેસમાં સ્થિતિ કેટલી વણસી ગઇ છે. કોંગ્રેસ -આમ આદમી પાર્ટીની કક્ષામાં આવી ગઇ છે. તોપણ નેતાઓ પોતાના ગુમાનમાંથી બહાર નથી આવતા. ફૈઝલ પટેલની પરિસ્થિતિ પરથી કોંગ્રેસના કાર્યકર્તાઓને સમજવાની જરૂર છે.
Tired of waiting around. No encouragement from the top brass. Keeping my options open
આ અંગે ગુજરાત કોંગ્રેસના નેતા અમિત નાયકે જવાબ આપતા જણાવ્યુ કે, જો ફૈઝલ પટેલ કૌંગ્રેસની સેવા કરવા માટે આવવાનું વિચારે છે તો તેનાથી વધુ આનંદની વાત બીજી કોઇ નથી. ફૈઝલભાઇ સામાજીક અને વેપારિક રીતે ઘણાં જ વ્યસ્ત હોય છે. આવનારા દિવસોમાં જ ખુલાસો થશે કે, આ ટ્વિટ તેમણે કયા પરિપેક્ષમાં કર્યુ છે.
કોંગ્રેસના દિગ્ગજ સ્વર્ગસ્થ નેતા અહમદ પટેલના પુત્ર નારાજ, ફૈઝલ પેટેલ ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી
નોંધનીય છે કે, ગયા મહિનાના અંતમાં, અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે, તેઓ હજુ સુધી રાજકારણમાં ઔપચારિક રીતે પ્રવેશ કરવા માટે તૈયાર નથી. જોકે, તેઓ તેમના ગૃહ જિલ્લામાં ભરૂચ અને નર્મદામાં પડદા પાછળ રહીને પાર્ટી માટે કામ કરશે.