નથવાણીએ એશિયાઈ સિંહો પર લખેલી 'કોફી ટેબલ' બુકનું વિમોચન, 650 વર્ષ જૂની વાતોનો ઉલ્લેખ

News18 Gujarati
Updated: April 21, 2018, 1:04 PM IST
નથવાણીએ એશિયાઈ સિંહો પર લખેલી 'કોફી ટેબલ' બુકનું વિમોચન, 650 વર્ષ જૂની વાતોનો ઉલ્લેખ

  • Share this:
દુર્લભ સિંહોની વિશિષ્ટ પ્રજાતી અને એશિયાટિક સિંહોના વિષય પર પરિમલ નથવાણીએ લખેલી કોફી ટેબલ બૂકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પરિમલ નથવાણી રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ગ્રુપ પ્રેસિડેન્ટ છે. આ બૂક વિમોચનના કાર્યક્રમમાં કોર્પોરેટ ક્ષેત્ર સાથે સંકળાયેલાં કેડિલા ગ્રુપના પંકજ પટેલ, કોટક ગ્રુપના પ્રવિણ કોટક, ગુજરાત ચેમ્બરના પ્રેસિડેન્ટ શૈલેષ પટવારી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે ખાસ પરિમલ નથવાણી દ્વારા સિંહોનાં સંવર્ધન અને સિંહને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવા અંગેની તેમની લાગણીઓને વ્યક્ત કરી હતી. તેમને એક પાનામાં ગીરના સિંહોના સંવર્ધન અંગેની વાત પણ રજૂ કરી છે. તો આ પુસ્તકમાં તેમણે દુર્લભ સિંહોની વિશિષ્ટ પ્રજાતિની કેટલીક જાણી અજાણી લાક્ષણિકતાઓ, તેના બહુરંગી મિજાજ અને ગુજરાતના ગીરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતાં માનવ સમુદાય સાથેનાં સહ અસ્તિત્વની વાત આ પુસ્તકમાં રજૂ કરી છે.

ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાતમાં પરિમલ નથવાણીએ વાઘ અને સિંઘની લાક્ષણિકતાઓ પણ વર્ણવી છે. આ બંને પ્રાણીઓનો સ્વભાવ, બંને વચ્ચે રહેલાં તફાવતો અને વાઘના સંવર્ધન માટે પ્રોજેક્ટ ટાઈગર હેઠળ ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવતી જંગી નાણાંકિય સહાયની સામે સિંહના સંવર્ધન માટે ફાળવવામાં આવતી રકમ વચ્ચેની અસમાનતા અંગે પણ વિવરણ કર્યુ છે. એટલું જ નહીં પરિમલ નથવાણી આજે પણ સિંહને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવા માટે માગ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે ભારતમાં માત્ર ગુજરાત પાસે જ એશિયાઈ સિંહો છે. તો તેને શા માટે સંવર્ધન કરવામાં ન આવે? શા માટે રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં ન આવે?

સિંહ અને વાઘના વિષય પર વાત કરતા પરિમલ નથવાણીએ કહ્યું કે સિંહો વિશે પુસ્તક લખવાની પ્રેરણા 32 વર્ષથી છે. કારણ કે તલાલા-સાસણગીરમાં દરેક ઘર મને ઓળખે છે. અને મને ખબર છે કે સિંહ અને માલધારી બન્ને એકબીજાના પુરક છે. જેથી સરકારે સિંહોના વિકાસમાં ધ્યાન આપવું જોઈએ. આ સાથે જે તેમણે ઝવેરચંદ મેઘાણીને યાદ કરતા કહ્યું કે મને આજે પણ ઝવેરચંદ મેઘાણીની કવિતા યાદ છે.

સિંહો વિશે વધુ વાત કરતા કહ્યું છે સિંહ માત્ર ગુજરાતમાં જ છે. જ્યારે વાઘ 14 રાજ્યમાં છે. સિંહ માટે જેટલું કામ થવું જોઈએ તેટલુ કામ થયું નથી. જેથી સિંહ સવંર્ધન માટે કામ થવું જોઈએ. અને સિંહને રાષ્ટ્રીય પ્રાણી બનાવવું જોઈએ. આ પુસ્તકમાં 650 વર્ષ જુની વાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ એશિયાઈ અને આફ્રિકન સિંહો વિશે પણ માહિતી આપવામાં આવી છે. જો કે આ પુસ્તકને પીએમ નરેન્દ્ર મોદીને પણ અર્પણ કરવામાં આવ્યું છે.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા લોન્ચ કરવામાં આવેલા પુસ્તકના વિમોચન પ્રસંગે અનેક મહાનુભવો હાજર રહ્યાં હતા. જેમાં ખાસ ગુજકોમાસોલના પ્રેસિડેન્ટ દીલિપ સંઘાણીએ પણ પોતાના અનુભવો સાથે પરિમલ નથવાણીના આ પ્રયાસને બિરદાવ્યો હતો. તો લોકોએ એ પણ અભિપ્રાય આપ્યો કે જો આ પુસ્તકને કાયદાકીય રીતે હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ સુધી પહોંચાડવામાં આવે, તો રાજ્યમાં સિંહ સંવર્ધન અંગે પણ કાયદાકીય રીતે ઘણી જાણકારી મળી શકે તેમ છે.
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर