એમ્યુઝમેન્ટ પાર્કોમાં રાઇડોની ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવે : CM

News18 Gujarati
Updated: July 15, 2019, 3:21 PM IST
એમ્યુઝમેન્ટ પાર્કોમાં રાઇડોની ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવે : CM
મુખ્યમંત્રીની ફાઇલ તસવીર

રવિવારે અમદાવાદ કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને 29 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ રવિવારે અમદાવાદ કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને 29 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે અને રાજ્યમાં એમ્યુઝમેન્ટ પાર્ક અને એન્ટરટેઇનમેન્ટ પાર્કસમાં રાઇડ્સની સંપૂર્ણ ચકાસણી બાદ મંજૂરી અને વખતોવખત ઇન્સ્પેક્શનની ઝીણવટભરી તકેદારી સાથેના બગલાં લેવાની સૂચના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે અમદાવાદમાં કાંકરીયા એમ્યુઝમેન્ટ પાર્કમાં થયેલી રાઇડ દુર્ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે નહિ તેની સતર્કતા રાખવાની સૂચનાઓ પણ આપી છે તેની વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતમાં અનેક સ્થાનોએ એમ્યુઝમેન્ટ-એન્ટરટેઇનમેન્ટ પાર્કસમાં આવી રાઇડસ ચાલતી હોય છે. એટલું જ નહિ, આવનારા દિવસોમાં જન્માષ્ટમીના લોક મેળાઓ પણ યોજાશે ત્યાં પણ આવી નાની-મોટી રાઇડસ આવતી હોય છે.

આ પણ વાંચોઃ-કાંકરિયા દુર્ઘટના : રાઇડ ખામીયુક્ત હોવા છતાં સંચાલકોએ ચાલુ રાખી હોવાનો ખુલાસો

વિજય રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યુ કે આવી રાઇડસના પરિણામે કોઇની જિંદગી જોખમાય નહિ તેમજ દુર્ઘટનાઓ થાય નહિં તે માટે પૂરતી ચકાસણી સાથે મંજૂરી આપવામાં આવે તેમજ વખતોવખત ઇન્સ્પેકશન થાય એવી ઝીણવટભરી તકેદારી ધ્યાનમાં લઇ પગલાં ભરવામાં આવશે. મુખ્યમંત્રીએ અમદાવાદની રાઇડ દુર્ઘટના સંદર્ભમાં સંચાલકો સામે પૂરતાં પગલાં રાજ્ય સરકારે લીધા છે તેની પણ જાણકારી આપી હતી.

આ ઉપરાંત અમદાવાદ કાંકરિયા ખાતે રાઈડ તુટવાની ઘટનાને પગલે રાજકોટ મહાનગરપાલિકાએ તેના કાર્યક્ષેત્ર હેઠળના રેસકોર્ષ ગાર્ડન, ફનવર્લ્ડ વગેરે વિસ્તારોમાં કાર્યરત મોટરાઈઝડ રાઈડ્ઝના ફિટનેસ સર્ટી અને પોલીસ એન.ઓ.સી. રજુ કરવા રાઈડ્ઝ સંચાલકોને આદેશ કર્યો છે. લોકોની સલામતિ માટે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ રાઈડ્ઝ સંચાલકો પાસેથી ફિટનેસ સર્ટી  અને રાજકોટ શહેર પોલીસના એન.ઓ.સી. મંગાવવા સંબધિત શાખાને આદેશ કરેલ છે.આ આદેશને પગલે એસ્ટેટ વિભાગ દ્વારા રાઈડ્ઝ સંચાલકોને એક પત્ર પાઠવી દિવસ-૧ (એક)ની મર્યાદામાં આ બંને ડોક્યુમેન્ટ રજુ કરવા સુચના આપવામાં આવી છે. જ્યાં સુધી આ ડોક્યુમેન્ટ રજુ નહિ થાય ત્યાં સુધી રાઈડ્ઝ બંધ રાખવા પણ જણાવ્યું છે. જો આ બંને ડોક્યુમેન્ટસ પ્રાપ્ત કર્યા વગર રાઈડ્ઝ સંચાલન થઇ રહ્યાનું જણાશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની તાકીદ પણ કરાયેલ છે.

વિશેષમાં કમિશનરએ કહ્યું હતું કે, જે રાઈડ્ઝ મેન્યુઅલ (હાથેથી ફેરવવામાં આવે છે તે) ચલાવાય છે તેને આ આદેશ લાગુ પડતો નથી. અન્ય તમામ મોટરાઈડ્ઝ રાઈડ્ઝ માટે ઉપરોક્ત  ફિટનેસ સર્ટી અને પોલીસ એન.ઓ.સી. ફરજીયાત લેવાનું રહેશે.

લોકોની સલામતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી તમામ મોટરાઈડ્ઝ રાઈડ્ઝ આજથી જ બંધ કરાવવામાં આવેલ છે. જે જે રાઈડ્ઝ સંચાલકો ઉપરોક્ત બંને ડોક્યુમેન્ટસ મહાનગરપાલિકામાં રજુ કરશે તેને જ રાઈડ્ઝ સંચાલન માટે પરવાનગી આપવામાં આવશે, તેમ પણ મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
First published: July 15, 2019
વધુ વાંચો
अगली ख़बर